શનિવારે (13 એપ્રિલ) એક ચૂંટણી સભા સંબોધતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રાષ્ટ્રપતિને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહતાં બોલાવવામાં આવ્યાં અને કહ્યું હતું કે તેઓ કાર્યક્રમમાં નહીં આવી શકે, કારણ કે તેઓ આદિવાસી છે. રાહુલ ગાંધીએ છત્તીસગઢના બસ્તરમાં સંબોધન કરતી વખતે આ વાત કહી.
રાહુલે સંબોધનમાં કહ્યું, “રામ મંદિરનું ઉદ્ઘાટન થયું. હિંદુસ્તાનનાં રાષ્ટ્રપતિ, આદિવાસી છે, તેમને કહેવામાં આવ્યું કે તમે રામ મંદિરના ઉદ્ઘાટનમાં ન આવી શકો. તેમને ના પાડી દેવામાં આવી. રાષ્ટ્રપતિને ના પાડવામાં આવી. કેમ? કારણ કે તેઓ આદિવાસી છે. માત્ર આ જ કારણ. આદિવાસીને રામ મંદિરના ઉદ્ઘાટનમાં અમે નહીં આવવા દઈએ, મોદીજીએ દેશને આ સંદેશ આપ્યો. આ તેમના વિચારો છે.”
નોંધવું જોઈએ કે ગત 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલા બિરાજમાન થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં કોંગ્રેસ પાર્ટીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ અળગા રહ્યા. ઉપરથી હવે પાર્ટીના નેતા અને ગાંધી પરિવારના વંશજ રાહુલ ગાંધી દાવા કરી રહ્યા છે કે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિને નિમંત્રણ ન હતું અને તેમને આદિવાસી હોવાના કારણે બોલાવવામાં નહતાં આવ્યાં. આ વિડીયોમાં તેમની વાત 34:50થી સાંભળી શકાશે.
શું આ દાવો સાચો છે? ના. સદંતર ખોટો છે. સત્ય શું છે તે જાણીએ.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરનાર અને મંદિરનું સંચાલન કરનાર ટ્રસ્ટ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ જ ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોને નિમંત્રણ પાઠવ્યું હતું. આ જ ટ્રસ્ટે રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપ્યું હતું.
12 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રાષ્ટ્રપતિની મુલાકાત લઈને તેમને નિમંત્રણ સોંપ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિ અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
आज भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को 22 जनवरी को श्री राम मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण सौंपा। उन्होंने इस पर अत्यंत हर्ष व्यक्त किया तथा कहा कि अयोध्या आने व दर्शन करने का शीघ्र समय तय करेंगी।
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 12, 2024
इस अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल… pic.twitter.com/ceO6Gwuvbc
ત્યારબાદ VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે X પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીયાં શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીને 22 જાન્યુઆરીએ (યોજાનાર) શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ સોંપ્યું. તેમણે અત્યંત આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ અયોધ્યા આવવાનો અને દર્શન કરવાનો સમય બહુ જલ્દીથી નક્કી કરશે.”
નોંધવું જોઈએ કે આમંત્રણ સમયે જ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ જલ્દીથી રામ મંદિર જઈને ભગવાનના દર્શન કરશે. એટલું જ નહીં, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તેમણે વડાપ્રધાનને એક પત્ર પણ લખ્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.
President Droupadi Murmu writes to Prime Minister Shri @narendramodi on the eve of Pran Pratishtha at Shri Ram Mandir in Ayodhya Dham. pic.twitter.com/r6sXXmdanT
— President of India (@rashtrapatibhvn) January 21, 2024
પત્રમાં તેમણે કહ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની દેશભરમાં થઈ રહેલી ઉજવણી ભારતના શાશ્વત આત્માની એક અદ્ભુત અભિવ્યક્તિ છે અને આપણે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રના પુનરુત્થાનનો એક નવો કાળખંડ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, આ મંદિર દેશના લોકોને પ્રભુ રામનાં મૂલ્યોની વધુ નજીક લઇ જશે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ વિશે આવા ખોટા દાવા કરી ચૂક્યા છે.
તારણ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનો રાહુલ ગાંધીનો દાવો ખોટો છે. રાષ્ટ્રપતિને નિમંત્રણ અપાયું હતું અને તેમણે સહર્ષ સ્વીકાર પણ કર્યો હતો.