ઑસ્ટ્રેલિયાના સિડનીના એક મૉલમાં હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક ઇસમ હાથમાં ચાકુ લઈને લોકો પર તૂટી પડ્યો હતો, જેમાં અનેકને ઈજા પહોંચી અને જાનહાનિ પણ નોંધાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં 5 લોકો મૃત્યુ પામ્યા છે. પછીથી થયેલી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને ગોળીએ દીધો છે.
આ ઘટના સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન વિસ્તારમાં બની. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ ફરી રહ્યા છે, જેમાં ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલો એક વ્યક્તિ હાથમાં ચાકુ લઈને મોલમાં ફરતો જોવા મળે છે. નજરે જોનારાઓએ કહ્યું કે, તે કોઈને વ્યક્તિગત ટાર્ગેટ કરવા માટે આવ્યો હોય તેમ લાગતું ન હતું અને આમ જ ચાકુ લઈને ફરી રહ્યો હતો.
મૉલમાં ફરતાં તેણે અનેક લોકો પર હુમલો કર્યો હતો, જેમાંથી હાલ 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક 9 વર્ષીય બાળક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
Attack in Sydney, Australia. Dead and injured. pic.twitter.com/w11A9ytNEp
— RadioGenoa (@RadioGenoa) April 13, 2024
ઘટના બાદ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી અને એમ્બ્યુલન્સ પણ ખડકી દેવામાં આવી. બીજી તરફ મૉલમાં હિલચાલ સ્થગિત કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ પહોંચીને કાર્યવાહી કરતાં હુમલો કરનારને ઠાર કરી દીધો હતો. પહેલાં પોલીસની ગોળીથી માર્યો ગયેલો વ્યક્તિ હુમલાખોર જ છે કે કેમ તે અંગે સ્થિતિ સ્પષ્ટ ન હતી, પરંતુ પછીથી પોલીસે પુષ્ટિ કરી હતી.
આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસના આધારે જાણવા મળ્યું છે કે હુમલો કરનારે એકલાએ જ કૃત્યને અંજામ આપ્યો હતો અને હવે કોઇ જોખમ નથી. જોકે, હમલો કરનાર કોણ છે તે વિશે અમારી પાસે હજુ કોઈ જાણકારી નથી. હાલ તપાસ ચાલી રહી છે અને અમે તેની ઓળખ માટે પ્રયાસો કરી રહ્યા છીએ.
ઘટનાને લઈને વધુ વિગતો આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “3:10 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે) એક વ્યક્તિ બોન્ડી જંક્શન સ્થિત રેસ્ટોરન્ટમાં આવ્યો હતો અને 3:20 વાગ્યે ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાંથી આગળ જતાં તેણે એક પછી એક એમ કુલ 9 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. હુમલા માટે તે હથિયાર પોતાની સાથે લઈને આવ્યો હતો.
#WATCH | Sydney mall attack: Sydney Police addresses media
— Republic (@republic) April 13, 2024
The assailant was stabbing people with a sharp weapon he was carrying. While many people attacked were killed, several injured are critical: Sydney Police#Sydneymallstabbing #Sydneymasssstabbing #BondaiJunction
Tune… pic.twitter.com/IzL1GkadrF
તેમણે આગળ જણાવ્યું કે, આ સમયે નજીકમાં ફરજ પર હાજર એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર ત્યાં પહોંચી ગયાં હતાં. ત્યારબાદ તેમણે હુમલો કરનારને શોધવાનો શરૂ કર્યો. પોલીસ અધિકારી પોતાની તરફ આગળ વધતાં હુમલો કરનારે પાછળ ફરીને ચાકુ ઉગામ્યું હતું, ત્યાં અધિકારીએ ગોળીબાર કર્યો અને ઢીમ ઢાળી દીધું હતું.
પોલીસે જણાવ્યું કે હુમલા પાછળ ઉદ્દેશ્ય શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલના તબક્કે આતંકી હુમલાની સંભાવના પણ નકારી શકાય નહીં અને પોલીસ ટેરર એન્ગલથી પણ તપાસ કરશે. પોલીસે 5 વ્યક્તિઓનાં મોતની પુષ્ટિ કરી છે, જ્યારે અનેક ઇજાગ્રસ્તો હાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું કહેવાય છે. અમુક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેથી મૃતકોનો આંકડો વધી પણ શકે છે.
ઘટનાને લઈને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝે પણ નિવેદન કર્યુ છે. તેમણે કહ્યું કે, તેઓ હુમલાને લઈને પોલીસ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે અનેક જાનહાનિ નોંધાઈ છે. તેમણે સ્વજનો ગુમાવનારા નાગરિકો પ્રત્યે સંવેદના પાઠવી હતી.