ભારત સરકારે ઇઝરાયેલ અને ઇરાનની યાત્રા કરવા માંગતા નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આગામી આદેશ સુધી ઈરાન કે ઇઝરાયેલની યાત્રા ન કરવા માટે નાગરિકોને સૂચના આપી છે.
વિદેશ મંત્રાલયની એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું કે, ‘વિસ્તારમાં પ્રવર્તી રહેલી સ્થિતિને જોતાં ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી ઈરાન કે ઇઝરાયેલની યાત્રા ન કરે.’ આગળ જણાવવામાં આવ્યું કે, ‘જેઓ હાલ ઈરાન કે ઈઝરાયેલમાં રહે છે તેમને વિનંતી છે કે ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે છે પોતાની નોંધણી કરાવી લે.’
Travel advisory for Iran and Israel:https://t.co/OuHPVQfyVp pic.twitter.com/eDMRM771dC
— Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024
મંત્રાલયે આગળ જણાવ્યું કે, તેમને વિનંતી કરવામાં આવે છે કે પોતાની સુરક્ષાનું અત્યંત ધ્યાન રાખે અને હિલચાલ પણ ઘટાડી દે.
રિપોર્ટમાં દાવો- ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે
અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ઈરાન આગામી 48 કલાકમાં ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. આ દાવો અમેરિકી અખબાર ‘વૉલ સ્ટ્રીટ જનરલ’ના રિપોર્ટમાં કરવામાં આવ્યો. રિપોર્ટમાં ઈરાનના નેતૃત્વથી પરિચિત એક વ્યક્તિને ટાંકીને જણાવવામાં આવ્યું કે, “હાલ હુમલાની યોજના સુપ્રીમ લીડર આયોતુલ્લાહ ખુમૈની સામે મૂકવામાં આવી છે અને તેઓ આકલન કરી રહ્યા છે કે જો હુમલો થાય તો તેમાં રાજનીતિક દ્રષ્ટિએ જોખમ કેટલું છે.”
રિપોર્ટ અનુસાર, ઈરાન આગામી 24થી 48 કલાકમાં દક્ષિણ અથવા તો ઉત્તર ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જોકે, કહેવામાં તો એવું પણ આવ્યું છે કે હજુ સુધી તહેરાને (ઈરાનનું પાટનગર) આ અંગે કોઇ નિર્ણય કર્યો નથી. જો રિપોર્ટનું જ માનવામાં આવે તો સેનાના સલાહકારો હાલ ઇરાનના સુપ્રીમ લીડર પાસે હુમલાની જુદી-જુદી યોજનાઓ મૂકી રહ્યા છે. હુમલાનો અંતિમ નિર્ણય સુપ્રીમ લીડરનો રહેશે. જે વિકલ્પો આપવામાં આવ્યા છે તેમાં મીડિયમ રેન્જ મિસાઈલ દ્વારા ઇઝરાયેલ પર હુમલાની યોજના પણ સામેલ છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે ઇઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી ચાલતું યુદ્ધ હજુ પણ ચાલી જ રહ્યું છે અને ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી ચાલુ જ રાખી છે.
નોંધવું જોઈએ કે ગત 1 એપ્રિલના રોજ સીરિયાની રાજધાની દમાસ્કસમાં સ્થિત ઈરાનિયન કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 જનરલ સહિત અનેક ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ કમાન્ડર્સ (ઇરાની સેનાની એક શાખા) માર્યા ગયા હતા. આ હુમલા અંગે ઈરાન અને સિરિયા બંનેએ દોષનો ટોપલો ઇઝરાયેલ પર ઢોળ્યો છે, પણ ઈઝરાયેલે ન તો આ હુમલાની જવાબદારી લીધી છે કે ન પોતાની કોઇ ભૂમિકા હોવાનું નકાર્યું છે.