લોકસભા ચૂંટણીઓ પહેલાં ઠેકઠેકાણે કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યાં છે. કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ પણ પાર્ટીને રામ-રામ કહી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સભ્ય અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલે ગુરુવારે (11 એપ્રિલ) કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી. પરંતુ હવે આ જાહેરાતને લઈને વિવાદ સર્જાયો છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે સોમાભાઈના રાજીનામાંનું કોઈ ઔચિત્ય નથી, કારણ કે પાર્ટીએ તેમને પહેલાં જ સસ્પેન્ડ કરી દીધા છે, તો બીજી તરફ સોમા પટેલ દાવાનું ખંડન કરીને કહી રહ્યા છે કે આ વાતમાં કોઇ દમ નથી અને તેમની પાસે પુરાવા છે.
આ આખા વિવાદ વચ્ચે ભડકો ત્યારે થયો, જ્યારે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કોંગ્રેસના જ પૂર્વ વરિષ્ઠ નેતા સોમા ગાંડા પટેલને ‘સ્મૃતિભ્રમ’ થયો હોવાનું કહ્યું. ન્યૂઝ18 સાથે વાત કરતાં હેમાંગ રાવલે કહ્યું કે, “સોમાભાઈને પાછા લેવામાં આવ્યા નથી. અમિતભાઈ ચાવડાએ (પૂર્વ અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ) તેમને સસ્પેન્શન લેટર આપ્યો હતો. તેમની ઉંમર થઈ ગઈ છે એટલે તારીખો યાદ નહીં હોય, પણ અમારી પાર્ટીમાં કોઇ પણ જોડાય તો અમે પ્રેસ કૉન્ફરન્સ કરીએ છીએ અને ફોટા પણ મૂકીએ છીએ.” તેમણે કહ્યું કે, “હું તેમને ચેલેન્જ આપું છું કે તેઓ વિડીયો અને ફોટા જાહેર કરે. સોમાકાકા બધું ભૂલી જાય છે, તેમને સ્મૃતિભ્રમ થયો છે.”
આ સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ સોમા ગાંડા પટેલનો સંપર્ક કર્યો હતો. વાતચીતમાં તેમણે કોંગ્રેસના દાવા સંપૂર્ણ રીતે નકારી દીધા. તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2020માં હું પાર્ટીમાંથી સસ્પેન્ડ હતો, પણ 2022માં જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે મેં વઢવાણ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું ત્યારે પાર્ટીએ અમને કહ્યું હતું કે તમે ફોર્મ પરત ખેંચો અને અમે તમારું સસ્પેન્સન પાછું ખેંચીએ છીએ.”
ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં અમે બધા ભેગા થયા ને મને ખેસ પહેરાવ્યો- સોમા પટેલ
આ વાતચીતમાં તેમણે કોંગ્રેસની વાતનું ખંડન કરીને તારીખ વાર અને સમય તેમજ સ્થળનો દાવો કરતાં જણાવ્યું કે, “ત્યારબાદ 21 નવેમ્બર, 2022ના રોજ બપોરે 2 વાગ્યે રાજકોટ ખાતે રાહુલ ગાંધીની સભા હતી. બપોરે 11:30થી 12 વાગ્યાના આરસમાં રાજકોટ ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન, સિદ્ધાર્થભાઈ પટેલ, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં દિલ્હીથી આવેલા મોહન પ્રકાશજીએ મને ખેસ પહેરાવેલો. સ્મૃતિભ્રમ કોંગ્રેસને થયો છે. તેમના કોઈ નેતા કે ધારાસભ્યો કે પદાધિકારીઓ નથી ટકી રહ્યા. બધા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. સ્મૃતિભ્રમ કે ચિત્તભ્રમ મને નથી થયો, કોંગ્રેસ પાર્ટીને થયો છે. હું સ્પષ્ટપણે કોંગ્રેસની મારા સસ્પેન્શનની વાતનું ખંડન કરું છું.”
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ ઘટનાના પુરાવારૂપે કેટલાક ફોટા તેમજ તારીખ-વાર સાથેના સ્ક્રિનશોટ રજૂ કરવા સક્ષમ છે. પછીથી તેમણે અમને ફોટા સહિત એક સ્ક્રીનશૉટ પણ મોકલી આપ્યો હતો જેમાં તેમના દાવા મુજબના કોંગ્રેસ અગ્રણીઓ સાથે તેઓ જોવા મળે છે. સાથે જ એક વિડીયો ક્લિપ પણ તેમણે રજૂ કરી છે જેમાં તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ અંગત કારણોસર પાર્ટીને છોડી રહ્યા છે અને આગામી સમયમાં અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે કે કેમ તે હજુ નક્કી નથી. તેમણે કહ્યું કે, “હું ચાર-પાંચ દિવસમાં મારા શુભચિંતકો અને પરિવાર સાથે ચર્ચા-વિચારના કરીને તે બાબતે સ્પષ્ટ જાહેરાત કરીશ.”
પાર્ટી પોતાની વાત પર કાયમ, સોમાકાકાના રાજીનામાનું કોઈ ઔચિત્ય નથી- હેમાંગ રાવલ
બીજી તરફ આ મામલે ઑપઇન્ડિયાએ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટી પોતાના સ્ટેન્ડ પર સ્પષ્ટ અને કાયમ છે. અમારી પાસે તે તમામ પુરાવાઓ છે જે સાબિત કરે છે કે સોમાકાકાના રાજીનામાંનું કોઈ જ ઔચિત્ય નથી. તેમણે કહ્યું કે, “હું ઓન રેકોર્ડ કહું છું કે તેમને 2022માં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેઓ તેમ કહેતા હોય કે તેમને પરત લેવામાં આવ્યા છે, તો અમારી પાર્ટી જ્યારે પણ કોઈને પરત લે છે ત્યારે અમારા આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમ જ જરૂરી સ્થાનો પર તેનો ઉલ્લેખ પાર્ટી દ્વારા કરવામાં આવે છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી વાત ખેસ પહેરાવવાની છે તો પાર્ટીના નેતાઓ કોઇ પણ કાર્યકર્તાને મળે તો ખેસ પહેરાવીને અભિવાદન કરવામાં આવતું હોય છે.
તેમણે આગળ જણાવ્યું કે,”અમે સસ્પેન્ડ કરવાનો કાગળ આપીએ, તેમ અમે સસ્પેન્શન રદ કરવાનો કાગળ પણ આપીએ. તેમણે મારી સાથે એક ડિબેટમાં કહ્યું હતું કે તેમની પાસે જગદીશ ઠાકોરની સહીવાળો સસ્પેન્શન રદ થવાનો કાગળ છે. જો તેઓ આ કાગળ રજૂ કરતા હોય તો હું તેમની વાત સ્વીકારી લઈશ.” તેમણે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલો સોમા ગાંડા પટેલનો સસ્પેન્શન લેટર પણ અમને મોકલી આપ્યો હતો. જોકે, આ લેટરમાં તેમના સસ્પેન્શનની તારીખ વર્ષ 2020ની દર્શાવવામાં આવી છે.
શું છે આખો વિવાદ
થોડા સમય પહેલાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાં બાદ કોંગ્રેસે કહ્યું હતું કે પાર્ટીએ પાર્ટી વિરુદ્ધની ગતિવિધિઓ બદલ પહેલાં જ સસ્પેન્ડ કરી દીધા છે, માટે તેમના રાજીનામાંનો કોઈ જ અર્થ નથી. ત્યારબાદ સોમાભાઈએ કોંગ્રેસ પાર્ટીના દાવાનું ખંડન કરીને કહ્યું હતું કે પાર્ટીએ વર્ષ 2022માં તેમને પરત પાર્ટીમાં લઇ લીધા હતા. સોમાભાઈ ભાજપ અને કોંગ્રેસ તેમ બંને પાર્ટીમાંથી સુરેન્દ્રનગર બેઠક પરથી સહુથી વધુ વખત સાંસદ બન્યા હતા. તેઓ કોળી પટેલ સમાજના અગ્રણી પણ છે.