સુરતની કોર્ટરૂમમાં જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના કેસમાં વરાછા PI ગાબાણીના વર્તનને લઈને કોર્ટે સખત કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટે PIને વિટનેસ બોક્સમાંથી જ ઈરાદાપૂર્વક કોર્ટનું અપમાન કરવાનું તારણ આપીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ જારી કરી છે. નોટિસ સાથે સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ કમિશનરને આદેશ કરી PIની સામે જરૂરી કાયદાકીય પગલાં લેવા માટેનું પણ કહેવામાં આવ્યું છે.
આ મામલે કોર્ટે કહ્યું કે, વરાછાના PI અલ્પેશ ગાબાણીએ ઇરાદાપૂર્વક કોર્ટનું અપમાન કરીને IPCની કલમ 228 મુજબ ગુનો કર્યો છે. તે બાબતને ધ્યાને રાખીને કોર્ટે PI વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજરની કાર્યવાહી કેમ ન કરવી? તેનો ખુલાસો માંગ્યો છે. કોર્ટે PIને સોમવારે (8 એપ્રિલ, 2024) બોલાવીને આ અંગેનું સ્પષ્ટીકરણ માંગ્યું છે.
આ સાથે જ પોલીસ કમિશનરને સંબોધીને કોર્ટે આદેશ કર્યો છે કે, PI સામે જરૂરી કાયદાકીય પગલાં પણ ભરવામાં આવે. શનિવારે (6 એપ્રિલ) સાંજે કોર્ટનું અપમાન કરવા બદલ વરાછાના PI ગાબાણીને કન્ટેમ્પ્ટ નોટિસ આપવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટમાં મોટા પ્રમાણમાં વકીલો અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
શું બની હતી ઘટના?
સમગ્ર ઘટના એમ હતી કે, સુરતની ટ્રાયલ કોર્ટે વરાછા પોલીસ મથકના PI અલ્પેશ ગાબાણીને નોટિસ પાઠવીને એક કેસનાં પેપર રજૂ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ આ દસ્તાવેજો રજૂ કરવામાં વિલંબ થતો હતો. નોટિસ છતાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં ન આવતાં કોર્ટે વરાછા PIને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. જેની ઉપર તેઓ શુક્રવારે (5 એપ્રિલ) હાજર થયા હતા. દરમ્યાન જ્યારે જજે કેસ પેપર્સ મોડાં રજૂ કરવા અને વારંવારનાં સમન્સ અવગણવા માટે ખુલાસો માગ્યો ત્યારે જજ અને અધિકારી વચ્ચે ઊંચા અવાજે વાતચીત શરૂ થઈ ગઈ હતી.
કોર્ટના આકરા સવાલ પર અધિકારીએ જજને કહ્યું હતું કે, “હું પણ ગેઝેટેડ ઑફિસર છું, મારી સાથે ઊંચા અવાજે વાત ન કરી શકો.” ત્યારબાદ જજે PIને આદેશ કરીને તેમના ઉપરી અધિકારી ACPને બોલાવવા માટે કહ્યું હતું, પરંતુ ACP અન્ય કામમાં વ્યસ્ત હોઈ શનિવારે તેમને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવાયું હતું. સાથે કોર્ટે PIને કહ્યું હતું કે, તેમની કામગીરીની કોર્ટે નોંધ લીધી છે. જ્યારે હવે શનિવારે કોર્ટે આ મામલે PIને કન્ટેમ્પ્ટ નોટિસ આપી છે અને ખુલાસો આપવા માટેનો આદેશ આપ્યો છે.
બીજી તરફ, આ મામલે PIએ પોતે કોર્ટનું અપમાન કર્યું હોવાની વાતો નકારી દીધી હતી અને કહ્યું કે, મેં કોર્ટની ગરિમા જાળવી જ છે. તેમણે એમ પણ કહ્યું કે, જે કોર્ટનાં પેપર્સની વાત હતી તે પછીથી કોર્ટમાંથી જ મળી આવ્યાં હતાં.