તાજેતરમાં વિદેશી અખબાર ‘ધ ગાર્ડિયન’ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કરવામાં આવ્યું કે પાકિસ્તાનમાં છેલ્લાં 3 વર્ષમાં જેટલા આતંકવાદીઓની હત્યા થઈ રહી છે છે તેની પાછળ ભારતની નરેન્દ્ર મોદી સરકારનો સીધો હાથ છે. રિપોર્ટમાં અમુક પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ અને મામલાની તપાસ કરનારા અધિકારીઓને કથિત રીતે ટાંકીને આ દાવા કરવામાં આવ્યા છે. એક તરફ આ રિપોર્ટ પર ચર્ચા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું છે.
બ્રિટીશ અખબારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતની મોદી સરકારે આ નવી રીત અપનાવી અને એક પછી એક પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આ દાવાનો આધાર બંને દેશોના અમુક ઇન્ટેલિજન્સ ઑફિસરો અને પાકિસ્તાની એજન્સીઓ દ્વારા શૅર કરવામાં આવેલા દસ્તાવેજો હોવાનું જણાવવામાં આવ્યું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાનમાં 2020થી અત્યાર સુધીમાં કુલ 20થી વધુ હત્યા કરવામાં આવી છે, અને આ તમામ પાછળ ભારતની એજન્સીનો હાથ છે. આ આતંકવાદીઓમાં ઇસ્લામી આતંકીઓ સિવાય ખાલિસ્તાની આતંકીઓનો પણ સમાવેશ થાય છે, જેમને ભારતે મરાવ્યા હોવાનું વિદેશી અખબારનું કહેવું છે.
રિપોર્ટમાં કથિત રીતે ભારતના ઈન્ટેલિજન્સ ઑફિસરને ટાંકીને કહેવામાં આવ્યું કે, 2019ના પુલવામા હુમલા પછી ભારતે વલણ બદલ્યું અને દેશ બહારના દુશ્મનો આવો હુમલો ફરી કરી શકે તે પહેલાં જ તેમને ખતમ કરી નાખવા માટે રણનીતિ ઘડવામાં આવી. પરંતુ તેઓ પાકિસ્તાનમાં શરણ લેતા હોવાના કારણે હુમલાઓ રોકી શકાય તેમ ન હતું, જેથી સીધી રીતે તેમના સુધી પહોંચવાના પ્રયાસ થયા.
‘ગાર્ડિયન’ રિપોર્ટ કહે છે કે, ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી R&AWએ રશિયાની કેજીબી અને ઇઝરાયેલની મોસાદ વગેરે એજન્સીઓનાં કામો પરથી પ્રેરણા લઈને આ મિશનોને અંજામ આપ્યો હતો. આ માટે અમુક અફઘાનિસ્તાનના અને અમુક પાકિસ્તાની શૂટરોને રાખવામાં આવ્યા હોવાનો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
સાથે છેલ્લા એક-બે વર્ષમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તેમને મારવા પાછળ ભારત સરકારનો જ હાથ હતો. આ ઑપરેશનો R&AWએ પાર પાડ્યાં હતાં, જે એજન્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસની સીધી દોરવણી હેઠળ કામ કરે છે. પાકિસ્તાની એજન્સીઓ પાસે પુરાવા હોવાનું કહીને દાવો થયો કે આ હત્યાઓનું પ્લાનિંગ UAEથી કરવામાં આવ્યું હતું, જ્યાં R&AWએ પોતાના સ્લીપર સેલ સક્રિય કર્યા છે, જેઓ હત્યારાઓની ભરતી કરવાનું અને ઑપરેશન પાર પાડવાનું કામ સંભાળે છે.
આમ તો ‘ધ ગાર્ડિયન’નો રિપોર્ટ મોદી સરકારને ઘેરવા માટે અને ચૂંટણી સામે વિપક્ષને એક નવો મુદ્દો આપવા માટે લાવવામાં આવ્યો, પરંતુ તેની અવળી અસર થઈ અને લોકોએ પીએમ મોદીને વધાવી લીધા. કારણ કે જો આ આરોપોમાં કશું પણ તથ્ય હોય તો તેનાથી સ્પષ્ટ સાબિત થઈ જાય કે પીએમ મોદી રાષ્ટ્રીય સુરક્ષા સાથે બિલકુલ બાંધછોડ કરી રહ્યા નથી અને ભારતમાં જ નહીં પરંતુ સરહદપાર પણ આતંકવાદીઓનો ખાત્મો કરે છે.
‘આ નવું ભારત, ઘરમાં ઘૂસીને મારશે’: પીએમ
આ રિપોર્ટ પર એક તરફ ચર્ચા ચાલી રહી છે ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનના ચુરુમાં એક સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે, આ નવું ભારત છે, જે ઘરમાં ઘૂસીને મારે છે.
પીએમ મોદીએ કહ્યું કે, “આ પહેલાં હું જ્યારે 2019માં ચુરુ આવ્યો હતો, ત્યારે ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. આપણે આતંકવાદીઓને પાઠ ભણાવ્યો હતો. ત્યારે મેં ચુરુની ધરતી પરથી જે શબ્દ કહ્યા હતા, હું આજે ફરી એક વખત આ વીરોની ધરતી પર આવ્યો છું ત્યારે મારા એ ભાવોનો પુનરુચ્ચાર કરું છું.” અહીં તેમણે પોતાની પ્રખ્યાત ‘મેં દેશ નહીં ઝુકને દુંગા’ પંક્તિઓ ઉચ્ચારી હતી.
આગળ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, “તમને યાદ હશે કે આપણી સેનાએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરી હતી ત્યારે આ ઘમંડિયા ગઠબંધનના લોકો સેના પાસે શૌર્યના સબૂત માંગી રહ્યા હતા. સેનાનું અપમાન, દેશનું વિભાજન- આ કોંગ્રેસની ઓળખ છે. જ્યાં સુધી INDI ગઠબંધનના લોકો સત્તામાં રહ્યા ત્યાં સુધી તેમણે સેનાના હાથ બાંધી રાખ્યા હતા. દુશ્મનો હુમલા કરીને જતા રહેતા, પણ આ લોકો વળતો હુમલો કરવાની પરવાનગી નહતા આપતા. પરંતુ અમારી સરકાર આવી તો સરહદ પર પલટવાર કરવાની ખુલ્લી છૂટ આપી દેવામાં આવી.”
પીએમ મોદીએ કહ્યું, “આજે દુશ્મનને પણ ખબર છે. આ મોદી છે, આ નવું ભારત છે. આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે.”