Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘ગેરકાયદેસર, ભૂલ ભરેલો અને મનસ્વી નિર્ણય’: સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને જાહેર કરી...

    ‘ગેરકાયદેસર, ભૂલ ભરેલો અને મનસ્વી નિર્ણય’: સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને જાહેર કરી દેવાઇ હતી ‘વક્ફ સંપત્તિ’, હવે ટ્રિબ્યુનલે રદ કર્યો વક્ફ બોર્ડનો આદેશ

    ટ્રિબ્યુનલે આખરે 3 એપ્રિલ, 2024ના રોજ ચુકાદો આપીને બોર્ડનો આદેશ રદ કર્યો અને ઈમારતની માલિકીનો કબજો સુરત મહાનગરપાલિકાને સોંપ્યો. ટ્રિબ્યુનલે વક્ફ બોર્ડના હુકમને ગેરકાયદેસર, કાયદાના પ્રસ્થાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધનો, ભૂલ ભરેલો અને મનસ્વી ગણાવ્યો હતો.

    - Advertisement -

    ‘મુગલીસરા’ (મુઘલ સરાય) નામે ઓળખાતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને (SMC) વક્ફની મિલકત ઘોષિત કરવાના વક્ફ બોર્ડના વિવાદિત નિર્ણયને આખરે રદબાતલ ઠેરવવામાં આવ્યો છે. નવેમ્બર, 2021માં વક્ફ બોર્ડે એક અરજીને અંશતઃ મંજૂર રાખીને SMC હેડક્વાર્ટરને વક્ફની સંપત્તિ ઘોષિત કરી દીધી હતી. ત્યારબાદ પાલિકાએ કાયદાકીય લડત આપતાં વક્ફ ટ્રિબ્યુનલમાં નિર્ણયને પડકાર્યો હતો. ટ્રિબ્યુનલે આખરે 3 એપ્રિલ, 2024ના રોજ ચુકાદો આપીને બોર્ડનો દાવો ફગાવીને આદેશ કરી દીધો હતો. ટ્રિબ્યુનલે વક્ફ બોર્ડના હુકમને ગેરકાયદેસર, કાયદાના પ્રસ્થાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધનો, ભૂલ ભરેલો અને મનસ્વી ગણાવ્યો હતો. ઑપઇન્ડિયા પાસે આદેશની નકલ ઉપલબ્ધ છે.

    મામલાની વધુ વિગતો એવી છે કે, સુરતમાં ‘મુઘલી સરાય’ના નામે ઓળખાતી SMCની મુખ્ય ઈમારતને ‘હુમાયુ સરાય’ નામ આપવાની માંગ સાથે વર્ષ 2016માં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં આંશિક રીતે અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધવામાં આવી હતી. આ સાથે જ હુકમમાં બિલ્ડીંગનો વહીવટ SMCને આધીન રાખવાને બદલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને વહીવટ કરવા હક આપવામાં આવ્યો હતો.

    શું હતો અરજીમાં દાવો?

    અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ઈમારત શાહજહાંના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. તે તેની દીકરી જહાંઆરા બેગમની જાગીરમાં આવતી હતી. તેના ભરોસાપાત્ર વ્યક્તિ ઇશાક બેગ યઝદી ઉર્ફે હકીકત ખાને 1644માં ₹33,081ના ખર્ચે ઉભી કરી હતી. તે સમયે તેનું નામ ‘હુમાયુ સરાય’ રાખવામાં આવ્યું હતું અને આ ઈમારતને હજ યાત્રીઓ માટે દાન આપી દેવામાં આવી હતી. કારણ કે સુરત એક મુખ્ય બંદર હતું અને ત્યાં મોટી સંખ્યામાં યાત્રીઓની અવર-જવર થતી રહેતી હતી.

    - Advertisement -

    અરજદાર અબ્દુલ્લાહ જરૂલ્લાહએ શરિયા કાયદાનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના આધારે (જેમાં કહેવાયું હતું કે એક વખત વક્ફની સંપત્તિ હોય તો તે વક્ફ પાસે જ રહે છે) માંગ કરી હતી કે મઝહબી ઉદ્દેશ્ય સાથે દાન કરવામાં આવેલી સંપત્તિ પર વક્ફનો હક હોવો જોઈએ. આ માટે અરજદારે 17 અલગ-અલગ દસ્તાવેજ પણ રજૂ કરીને તેવો પણ દાવો કર્યો હતો કે ચાર સદી જૂના આ બિલ્ડીંગનો ઉપયોગ 1867 સુધી હજયાત્રીઓના ઉતારા તરીકે કરવામાં આવતો હતો. ત્યારબાદ 1961માં અંગ્રેજોએ તેને નગરપાલિકાનું કાર્યાલય બનાવ્યું અને બાદમાં આ ઇમારત SMCની મુખ્ય કચેરી બની.

    વક્ફ બોર્ડે અરજી માન્ય રાખી SMC હેડકવાર્ટર બિલ્ડીંગને પોતાની સંપત્તિ ઘોષિત કરી

    વક્ફ બોર્ડે જારૂલ્લાહની અરજી માન્ય રાખીને SMC કાર્યાલયની મુખ્ય બિલ્ડીંગને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાના નિર્દેશ આપી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સુરત મહાનગર પાલિકાની કાયદા સમિતિના ચેરમેન અને કોર્પોરેટર નરેશ રાણા અને મનપાના અધિકારીઓએ લડત આપી. દરમિયાન આ મામલે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતાં તેમાં કેટલીક ક્ષતિઓ નજરે પડી. જે બાદ આ સમગ્ર મામલાને વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SMC તરફે એડવોકેટ કૌશિક પંડ્યાએ ટ્રિબ્યુનલ સમક્ષ તર્ક રજૂ કર્યા હતા.

    SMCની દલીલો સાંભળી ટ્રિબ્યુનલની વક્ફ બોર્ડ વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા

    વક્ફ ટ્રિબ્યુનલે SMCની અરજી ધ્યાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “આ ઈમારત બંદરગાહના કરવેરા અને રેવન્યુના નાણાંમાંથી બાંધવામાં આવી હતી, નહીં કે શાહજહાં કે ઈશક બેગની અંગત આવકથી. આથી આ મિલકત મુઘલોની સ્વપાર્જિત મિલકતની વ્યાખ્યામાં નથી આવતી. જેના કારણે બંદરગાહના કરવેરા અને રેવન્યુની આવકમાંથી બનેલી મિલકતને વક્ફના નામે કરી શકાય નહીં.”

    ટ્રિબ્યુનલે કહ્યું કે, મુઘલ સરાયના નિર્માણનો ઈતિહાસ જોતાં સુરત બંદરગાહના કરવેરા અને રેવન્યુના નાણાની આવકમાંથી તેમજ રાજ્યના કરવેરાના નાણાંમાંથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેને મુઘલ શાસકની સ્વપાર્જિત મિલકત ગણી શકાય નહીં. મુસ્લિમ વ્યક્તિ પોતાની સ્વપાર્જિત મિલકત વક્ફ કરી શકે છે, પરંતુ રાજ્યના બંદરગાહના કરવેરા અને રેવણ્યું નાણાની આવકથી બાંધવામાં આવેલી મિલકત વક્ફ થઈ શકે નહીં. 

    આગળ જણાવવામાં આવ્યું કે, બોર્ડ સમક્ષ અરજદારે માત્ર દસ્તાવેજોની ફોટોકૉપી જ રજૂ કરી હતી અને પુરાવા અધિનિયમની જોગવાઈઓ અનુસાર ફોટોકૉપી ગ્રાહ્ય રાખી શકાય નહીં. ટ્રિબ્યુનલે ટિપ્પણી કરતાં કહ્યું કે, અરજદારે ફોટોકૉપી રજૂ કરી ન હોવા છતાં ખોટી રીતે અરજદારે દસ્તાવેજોની પ્રમાણિત નકલો રજૂ કર્યાની હકીકત આદેશમાં દર્શાવવામાં આવી, જે એક બોર્ડ માટે શરમજનક બાબત કહેવાય. 

    આ નામની કોઈ ઇમારત સુરતમાં નથી, વક્ફના સભ્યો જાણતા હોવા છતાં નિષ્ફળ પ્રયાસ કર્યો: ટ્રિબ્યુનલ 

    ટ્રિબ્યુનલે સ્પષ્ટ જણાવ્યું કે, બોર્ડ દ્વારા મિલકતની નોંધણી ‘હુમાયુ સરાય વક્ફ મિલકત’ તરીકે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર છે. આ મિલકત નિર્માણ બાદથી જ ‘મુઘલ સરાય’ તરીકે ઓળખાય છે અને ‘હુમાયુ સરાય’ નામની કોઈ ઈમારત સુરત શહેરના વોર્ડ નંબર 11માં નથી તેમજ સિટી સર્વે નંબર 1504ની મિલકત ભૂતકાળમાં પણ ક્યારેય ‘હુમાયુ સરાય’ નામથી ઓળખાતી ન હતી.

    આગળ આદેશમાં જણાવવામાં આવ્યું કે, મિલકત ‘મુઘલ સરાય’ છે અને આ નામથી 18મી સદીથી જાણીતી છે તે હકીકતથી બોર્ડના સભ્યો અને અધિકારીઓ વાકેફ હોવા છતાં અને આ અંગેના પુરાવાઓ અરજદાર રજૂ કર્યા છતાં બોર્ડે તપાસના નામે અરજીની ખરાઈ અને કાયદેસરની તપાસ કર્યા વગર જ મિલકતને ‘હુમાયુ સરાય’ નામથી સંબોધીને સરકારી રેકર્ડ પર ચડાવવાનો અયોગ્ય અને ગેરકાયદેસર તેમજ એકતરફી નિષ્ફળ પ્રયાસ કર્યો છે, જે બોર્ડ માટે અત્યંત આઘાતજનક છે. એટલું જ નહીં, ટ્રિબ્યુનલે આ નિર્ણયને બોર્ડની પ્રતિષ્ઠાને કલંકિત કરનારો પણ જણાવ્યો. 

    અહીં તે પણ નોંધવું જરૂરી બની જાય છે કે અરજદાર દ્વારા જે શિલાલેખનો હવાલો આપીને ઈમારતને વક્ફ ઘોષિત કરાવડાવી, તેને ‘વક્ફ ડીડ’ તરીકે ઓળખાવી હતી અને તે શિલાલેખમાં ક્યાય મુતવ્વલ્લીનો (એક પ્રકારના ટ્રસ્ટી) કોઈ જ ઉલ્લેખ નથી. અરજદારે પોતે જ ત્યાંના મુતવ્વલ્લી હોવાનો ઉલ્લેખ પોતાની અરજીમાં કર્યો હતો. ત્યારે આ ગંભીર બાબત ધ્યાને લઈને ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, “કેસ પેપરનો અભ્યાસ કરતાં અરજદાર આધારે પોતાને તકરારી મિલકતના મુતવ્વલ્લી હોવાનું સોગંધનામુ રજૂ કર્યું હતું. વાસ્તવમાં તેઓ આ ઈમારતના મુતવ્વલ્લી ક્યારેય હતા જ નહીં, તેમ છતાં તેમનું આમ કરવું તે એક ગુનાહિત કૃત્ય છે.”

    ટ્રિબ્યુનલે રદ કરી દીધો આદેશ 

    તમામ તથ્યો અને માહિતીને ધ્યાને લઈને ટ્રિબ્યુનલે ઠેરવ્યું કે, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 25 નવેમ્બર, 2021નો સુરત શહેરના વૉર્ડ નંબર, 11ની સિટી સરવે નંબર, 1504ની મિલકતને ‘હુમાયુ સરાય’ વક્ફ મિલકત તરીકે નોંધણી કરવાનો હુકમ ગેરકાયદેસર, કાયદાના પ્રથાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ, ભૂલ ભરેલો અને મનસ્વી હતો અને ન્યાયનાં હિતમાં તેને રદબાતલ ઠેરવવામાં આવે છે. 

    ટ્રિબ્યુનલે સુરત મહાનગરપાલિકાની અરજી મંજૂર રાખીને વક્ફનો ગેરકાયદેસર આદેશ રદ કર્યો અને વિવાદિત મિલકતને ‘મુઘલ સરાય’ તરીકે જ ઓળખવી તેમ ઠેરવ્યું હતું. 

    SMCની મહેનત રંગ લાવી- કાયદા સમિતિના ચેરમેન અને કોર્પોરેટર નરેશ રાણા

    ગાંધીનગર વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા તમામ બાબતોને ધ્યાને રાખીને SMCના મુખ્ય કાર્યાલયની ઈમારતને વક્ફના કબજામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ મામલે ઑપઇન્ડિયાએ સુરત મહાનગર પાલિકાની કાયદા સમિતિના ચેરમેન અને કોર્પોરેટર નરેશ રાણાનો સંપર્ક કર્યો. તેમણે આ આખી લડત મામલે જણાવ્યું હતું કે, “6-7 મહિના પહેલાં જ્યારે હું ચેરમેન તરીકે નિમાયો ત્યારે આ આખી બાબત અમારા ધ્યાને આવી હતી. ત્યારબાદ તેને લગતાં ડોકયુમેન્ટસને ઝીણવટથી તપાસતાં વક્ફ બોર્ડનો અધિકાર ગેરબંધારણીય લાગ્યો. આથી અમે વરિષ્ઠ વકીલ એડવોકેટ કૌશિક પંડ્યા અને SMCની કાયદા સમિતિની ટીમે લડત આપતાં SMCને જીત મળી છે. તમામની મહેનત રંગ લાવી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં