કોંગ્રેસ પાર્ટી તેમની પરંપરાગત બેઠક અમેઠીથી લોકસભા ઉમેદવાર ઘોષિત કરવામાં વિફળ ગઈ છે. ગત લોકસભા વખતે સોનિયા ગાંધીના દીકરા રાહુલ ગાંધી ઉંધે કાંધ પટકાયા બાદ કોંગ્રેસ મુંજવણમાં છે કે આ બેઠક પર કોને ઉતારવામાં આવે. તેવામાં ગાંધી પરિવારના જમાઈ અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા અમેઠી બેઠકથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે. આ વાત રોબર્ટે પોતે સામે આવીને કહી છે. તેમનું કહેવું છે કે અમેઠીની જનતા ઈચ્છે છે કે તેઓ પોતાના રાજકીય કરિયરને અમેઠીથી શરૂ કરે.
મળતી માહિતી અનુસાર રોબર્ટ વાડ્રાએ પોતે સામે ચાલીને અમેઠીથી લોકસભા લડવાની ઈચ્છા દર્શાવી છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “અમેઠીની જનતાનું માનવું છે કે વર્તમાન સાંસદને જીતાડીને તેમણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. અમેઠીના લોકો ઈચ્છે છે કે હું મારા રાજકીય સફરની શરૂઆત અમેઠીથી જ કરૂ. ગાંધી પરિવારે વર્ષોથી અમેઠીમાં રાયબરેલી, સુલ્તાનપુર, જગદીશપુર વિસ્તારોમાં ખૂબ મહેનત કરીને કામ કર્યું છે. અહીં લોકોનો વિકાસ કર્યો છે. ત્યાં સુધી કે લોકો ઈચ્છે છે હું મારું પ્રથમ રાજનૈતિક ડગલું અહીંથી ભરું.”
Delhi | On UP's Amethi Lok Sabha constituency, Robert Vadra says, "…The people of Amethi expect me to represent their constituency if I decide to become a member of Parliament…For years, the Gandhi family worked hard in Rae Bareli, Amethi and Sultanpur…The people of Amethi… pic.twitter.com/2kdmgQtrvv
— ANI (@ANI) April 4, 2024
‘હું સાંસદ બનીશ તો અલગ લેવલ પર કામ કરીશ’- રોબર્ટ વાડ્રા
આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, “હું હંમેશાથી ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી પહેલા સાંસદ બને, ત્યાર બાદ હું પણ સંસદ આવી શકીશ. હું જયારે અન્ય નેતાઓને મળું છું ત્યારે તેઓ પૂછે છે કે આપ રાજકારણમાં આવતા આટલું મોડું કેમ કરી રહ્યા છો. તમે અમારી પાર્ટીમાં આવી જાઓ.” તેમણે કહ્યું કે, “લોકો સોશિયલ મીડિયા મારફતે મારી સાથે જોડાય છે, મારી ઓફિસે આવીને મને મળે છે, મારો જન્મદિવસ ઉજવે છે. કેટલીક અન્ય પાર્ટીઓના નેતાઓ પણ મારા મિત્રો છે અને તેમનું પણ માનવું છે કે જો હું સાંસદ બનીશ તો એક અલગ જ લેવલ પર કામ કરીશ.”
વાડ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “જે કોઈ પણ રાયબરેલી કે અમેઠીથી પ્રતિનિધિત્વ કરે છે, તેમને લોકોના વિકાસ અને સુરક્ષા માટે કામ કરવું જોઈએ. ભેદભાવની રાજનીતિ ન કરવી જોઈએ. અમેઠીના વર્તમાન સાંસદ તેમના કાર્યક્ષેત્રમાં વધુ નથી આવતા. તેઓ ક્ષેત્રની પ્રગતી વિશે નથી વિચાર કરતા. તેઓ માત્ર ગાંધી પરિવાર પર આરોપ લગાવવામાં અને તેમને અપમાનિત કરવામાં પોતાની શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યા છે.”
અમેઠી કોંગ્રેસનો ગઢ, 2019માં થયો હતો ધ્વસ્ત
ઉલ્લેખનીય છે કે અમેઠી લોકસભા બઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો. આ બેઠક કોંગ્રેસની વારસાગત બેઠક રહી છે. આ બેઠક પર 1957થી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી સંજય ગાંધી, રાજીવ ગાંધી, મેનકા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ગાંધી પરિવારના સભ્યો ચૂંટણી લડી ચુક્યા છે. પરંતુ વર્ષ 2019માં ભાજપના મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,120 વોટથી પછાડીને ઐતિહાસિક જીત મેળવી હતી.