TMCનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધતી જણાય રહી છે. પહેલાં કૅશ ફોર ક્વેરી કૌભાંડ મામલે CBIએ તપાસ શરૂ કર્યા બાદ હવે EDએ પણ તપાસ આદરી છે. CBIની FIRના આધારે EDએ મહુઆ સામે મની લોન્ડરિંગ કેસ નોંધ્યો છે. જલ્દીથી હવે તેઓ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરશે.
કેસ ‘પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002’ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યો છે. જે ‘કૅશ ફોર ક્વેરી’ મામલે CBIએ નોંધેલી FIR પર આધારિત છે. નોંધવું જોઈએ કે લોકપાલના નિર્દેશ બાદ CBIએ તાજેતરમાં જ આ મામલે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં EDની પણ એન્ટ્રી થઈ છે.
The Enforcement Directorate has filed a money laundering case against TMC leader Mahua Moitra in a cash-for-query row: Sources pic.twitter.com/U5Gw21aSMk
— ANI (@ANI) April 2, 2024
મહુઆ મોઈત્રા વિરુદ્ધ 21 માર્ચના રોજ CBIએ ‘કૅશ ફોર ક્વેરી’ મામલે FIR દાખલ કરી હતી. લોકપાલ તરફથી નિર્દેશો મળ્યા બાદ એજન્સીએ આ કાર્યવાહી હાથ ધરી હતી. 15 માર્ચે લોકપાલે CBIને આરોપોની તપાસ કરવા માટે અને 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, એજન્સીને દર મહિને થઈ રહેલી કામગીરીના રિપોર્ટ આપવા માટે પણ કહેવાયું છે. લોકપાલે આદેશમાં જણાવ્યું હતું કે, “રેકર્ડ પર ઉપલબ્ધ તમામ સામગ્રી જોતાં એ બાબત નકારી શકાય નહીં કે મોટાભાગના આરોપોને પુરાવાનું પણ સમર્થન છે અને જે ગંભીર બાબત છે. જેથી અમારા મત અનુસાર, આ મામલે સત્ય બહાર લાવવા માટે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી છે.
CBIએ આ FIR નોંધ્યાના 2 દિવસ બાદ 23 માર્ચે મહુઆ મોઈત્રાનાં અમુક ઠેકાણે કોલકત્તામાં દરોડા પણ પાડ્યા હતા. જોકે, હજુ તેમની પૂછપરછ કરવામાં આવી નથી અને તપાસ પ્રાથમિક તબક્કામાં છે. EDએ મહુઆ મોઈત્રા સામે આ બીજો કેસ નોંધાયો છે. અગાઉ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન બદલ એક કેસ નોંધ્યો હતો, જે મામલે પૂછપરછ માટે એજન્સી તેમને ત્રણ વખત સમન પાઠવી ચૂકી છે, પરંતુ તેઓ એક પણ વખત હાજર થયાં નથી.
CBIની આ FIR બાદ હવે તેના આધારે EDએ વધુ એક કેસ દાખલ કર્યો છે. હવે ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ હાથ ધરશે. એજન્સી પૂછપરછ માટે મહુઆ મોઈત્રાને બોલાવી શકે છે. નોંધનીય છે કે હાલ તેઓ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. તેઓ કૃષ્ણનગર બેઠક પરથી TMC ઉમેદવાર છે. અહીંથી જ તેઓ 2019માં ચૂંટાયાં હતાં, પરંતુ ડિસેમ્બર, 2023માં ‘કૅશ ફોર ક્વેરી’ મામલે તેમને લોકસભામાંથી બરતરફ કરી દેવામાં આવ્યાં.
શું છે સમગ્ર કેસ?
નોંધનીય છે કે TMCનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ 2023માં ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપ લાગ્યા હતા. આરોપ એવા છે કે તેમણે ઉદ્યોગપતિનાં હિતો સચવાય અને તેમને લાભ પહોંચે તે માટે અમુક પ્રશ્નો સંસદમાં પૂછ્યા હતા અને જે બદલ મોંઘી ભેટો અને પૈસા લીધા હતા. નોંધનીય છે કે સંસદમાં સાંસદે પૂછેલા પ્રશ્નનો જે-તે વિભાગના મંત્રીએ જવાબ આપવો પડે છે.
મહુઆ મોઈત્રા પર સંસદનાં લૉગિન આઇડી-પાસવર્ડ શૅર કરવાનો પણ આરોપ લાગ્યો છે. જે એથિક્સ કમિટીએ પોતાના રિપોર્ટમાં સાચા ઠેરવ્યા હતા. જોકે, મહુઆ મોંઘી ભેટો લેવાના આરોપો નકારતાં રહ્યાં છે, પરંતુ આ મામલે પોતાનો બચાવ કર્યો હતો.
મહુઆ વિરૂદ્ધ આરોપો લાગ્યા બાદ ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એક પત્ર લોકસભા સ્પીકરને પણ લખ્યો હતો અને મામલાની તપાસની માંગ કરી હતી. ત્યારબાદ સ્પીકરે મામલો એથિક્સ કમિટી પાસે મોકલી આપ્યો હતો. કમિટીએ ડિસેમ્બરમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને તેને સંસદમાં રજૂ કરવામાં આવતાં લોકસભાએ મહુઆને બરતરફ કરી દીધાં હતાં.