Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'ક્ષત્રિય સમાજનો રોષ સ્વાભાવિક છે': સીઆર પાટીલે રાજપૂત સમાજને કરી વિનંતી, કહ્યું-...

    ‘ક્ષત્રિય સમાજનો રોષ સ્વાભાવિક છે’: સીઆર પાટીલે રાજપૂત સમાજને કરી વિનંતી, કહ્યું- મોટું મન રાખી રૂપાલાને માફ કરો; ઉમેદવાર બદલવાનો કર્યો ઇનકાર

    સીઆર પાટીલે કહ્યું, "ક્ષત્રિય સમાજનો આ રોષ સ્વાભાવિક છે. ત્રણ વખત રૂપાલાએ માફી માંગી છે છતાં રોષ ઓછો થતો નથી. હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માંગી છે. તેથી ક્ષત્રિય સમાજ હવે માફ કરી દે."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સમાજના આગેવાનો માંગણી કરી રહ્યા છે કે, રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે. આ સાથે રૂપાલા પણ અનેકવાર માફી માંગી ચૂક્યા છે. પરંતુ વિરોધ હજુ શમવાનું નામ નથી લેતો. તેવામાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે કે, તેઓ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે.

    મંગળવારે (1 એપ્રિલ) ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા. આ બેઠક બાદ પાટીલે મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, “છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો આ રોષ સ્વાભાવિક છે. ત્રણ વખત રૂપાલાએ માફી માંગી છે છતાં રોષ ઓછો થતો નથી. હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માંગી છે. તેથી ક્ષત્રિય સમાજ હવે માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઈકે જાડેજા, બળવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી છે. હવે તેમણે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ માફ કરી દે.”

    - Advertisement -

    ‘ઉમેદવાર બદલવાની કોઈ વિચારણા નથી’

    આ ઉપરાંત પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતી કાલે (3 એપ્રિલ) 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવવામાં પણ આવશે. ધીમે-ધીમે વાતાવરણ સુધરે તે માટેના પ્રયાસો થશે. આજે અમારી બેઠકમાં કોને મળવું અને કેવી રીતે મળવું તે તમામ જવાબદારીઓ નક્કી થઈ ગઈ છે. જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે.”

    તેમણે કહ્યું કે, “ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે, સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને રૂપાલાને માફ કરી દે. ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને હજુ પણ પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતી કરું છું.” ઉમેદવાર બદલવા અંગે પૂછવામાં આવતા પાટીલે કહ્યું કે, ઉમેદવાર બદલવાની તો કોઈ વિચારણા જ નથી. નોંધનીય છે કે, તાજેતરમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, રૂપાલાના સ્થાને કોઈ નવો ઉમેદવાર જાહેર કરવાના નથી. આ સાથે તેમણે આ વાતને અફવા ગણાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં