સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી પરિસરના વ્યાસજીના ભોંયરાના ચાલી રહેલી પૂજા વિરુદ્ધ મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ મામલે હમણાં યથાસ્થિતિ જાળવવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીમાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટના આદેશને યથાવત રાખવા નિર્દેશ આપ્યો છે.
1 એપ્રિલના રોજ જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાના વિરોધમાં મુસ્લિમ પક્ષ (મસ્જિદ કમિટીની) અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ જ રહશે. સુપ્રીમ કોર્ટે પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. પૂજા પર પ્રતિબંધ મૂકવાની મસ્જિદ કમિટીની માંગને ફગાવી દેવામાં આવી છે. આ સાથે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર હિંદુ પક્ષને નોટિસ પણ પાઠવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, અદાલતના હસ્તક્ષેપ વગર યથાસ્થિતિમાં કોઈ પણ ફેરવાર કરવામાં આવી શકશે નહીં.
CJI પૂછ્યા હતા સવાલ
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચૂડની સાથે જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે આ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન CJI ચંદ્રચૂડે મુસ્લિમ પક્ષના વકીલને સવાલો પણ પૂછ્યા હતા. મુસ્લિમ પક્ષના વકીલ હુફૈઝા અહમદીએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે, “1993થી લઈને 2023 સુધી ત્યાં કોઈ પૂજા કરવામાં આવતી નહોતી. 2023માં પૂજા કરવાનો અધિકાર મેળવવાનો પુનઃ દાવો કરવામાં આવ્યો હતો.” આ દરમિયાન CJIએ સવાલ કર્યા હતા કે, “શું વ્યાસજીના ભોંયરામાં અને મસ્જિદ સુધી જવાનો રસ્તો એક જ છે?”
કોર્ટ સવાલ પર મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે, “ભોંયરું દક્ષણિમાં સ્થિત છે અને મસ્જિદનો માર્ગ ઉત્તરમાં છે.” જે બાદ CJIએ કહ્યું કે, “નમાજ પઢવાના અને પૂજા કરવા જવાના રસ્તાઓ અલગ-અલગ છે. આવી સ્થિતિમાં અમે માનીએ છીએ કે, બંનેની ધાર્મિક પૂજા-પદ્ધતિમાં કોઈ અવરોધ નહીં આવે. આ સ્થિતિને ધ્યાને રાખીને અમે નોટિસ જારી કરીએ છીએ અને આ કેસની સુનાવણી જુલાઈમાં કરવાનો નિર્દેશ આપીએ છીએ.” CJIએ કહ્યું કે, “પૂજાસ્થળ અને મસ્જિદનો રસ્તો અલગ હોવાથી અત્યારે અમે યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટના હસ્તક્ષેપ વગર કોઈપણ ફેરફાર થઈ શકશે નહીં.”
સુનાવણી દરમિયાન હિંદુ પક્ષના વકીલ શ્યામ દિવાને પણ દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ઉત્તર દિશામાં મસ્જિદ અને દક્ષિણ દિશામાં વ્યાસજીના ભોંયરાનો રસ્તો છે. કોર્ટે આ કેસમાં નોટિસ જારી કરવી જોઈએ નહીં. આ નોટિસ જારી કરવાનો મામલો નથી. ત્યાં વ્યાસજીના પરિવાર દ્વારા નહીં પરંતુ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ મેપની મદદથી દર્શાવવામાં આવ્યું છે કે, મંદિર કયા છે અને મસ્જિદ કયા છે.” જોકે, આ મામલે વધુ સુનાવણી જુલાઈ મહિનામાં હાથ ધરવામાં આવશે.
નોંધવું જોઈએ કે, મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ વર્ષે જ 31 જાન્યુઆરીએ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાનવાપીમાં હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો હતો. જે બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો હતો અને વારાણસી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જે બાદ મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ અહીં પણ તેને કોઈ રાહત મળી શકી નહીં.