Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'જ્ઞાનવાપીમાં ચાલુ રહેશે ભગવાનની પૂજા': અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, કહ્યું-...

    ‘જ્ઞાનવાપીમાં ચાલુ રહેશે ભગવાનની પૂજા’: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, કહ્યું- વારાણસી જિલ્લા કોર્ટનો નિર્ણય યોગ્ય

    જ્ઞાનવાપી પરિસરમાં પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાથે હાઈકોર્ટે કહ્યું છે કે, વારાણસી જિલ્લા કોર્ટનો નિર્ણય એકદમ યોગ્ય છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે કેમ, તે મામલે હવે અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ અંગેનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાનો નિર્ણય સંભળાવ્યો છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને હાઈકોર્ટના આ ચુકાદાથી ઝટકો લાગ્યો છે. કારણ કે મુસ્લિમ પક્ષ તરફથી જ પૂજા બંધ કરાવવા માટેની અરજી કરવામાં આવી હતી.

    સોમવારે (26 ફેબ્રુઆરી) અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાનો ચુકાદો સંભળાવ્યો છે. જ્ઞાનવાપી પરિસરમાં પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાથે હાઈકોર્ટે કહ્યું છે કે, વારાણસી જિલ્લા કોર્ટનો નિર્ણય એકદમ યોગ્ય છે. અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપીના ભોંયરાના હિંદુઓને પૂજા કરવા માટેની પરવાનગી આપી હતી. વારાણસી કોર્ટના આ નિર્ણયને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે પણ તેમની અરજીને ફગાવી દીધી છે અને વારાણસી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.

    મુસ્લિમ પક્ષ તરફથી 1 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટને જ્ઞાનવાપી મામલે સંજ્ઞાન લેવાનું કહેવાયું હતું અને વારાણસી કોર્ટના નિર્ણયને પડકારવાનું કહેવામાં આવ્યું હતું. હાઈકોર્ટ હિંદુ અને મુસ્લિમ એમ બંને પક્ષની દલીલો સાંભળી હતી. હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ સીએસ વૈધનાથન અને વિષ્ણુ શંકર જૈને દલીલો કરી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ સૈયદ ફરમાન અહમદ નકવી અને યુપી સુન્ની વક્ફ બોર્ડના વકીલ પુનિત ગુપ્તાએ દલીલો કરી હતી.

    - Advertisement -

    વારાણસી કોર્ટે ચાલુ કરાવી હતી પૂજા

    ઉલ્લેખનીય છે કે આ ‘વ્યાસજી કા તહેખાના’ જ્ઞાનવાપીની નીચે આવેલ એક ભોંયરૂ છે, જ્યાં 1993 સુધી એક વ્યાસ પરિવાર નિયમિત પૂજા કરતો હતો. પરંતુ 1993માં મુલાયમ યાદવની સરકારના આદેશથી પૂજારીને રોકી દીધા હતા અને ત્યારથી પૂજાપાઠ બંધ થઈ ગયા હતા. તાજેતરમાં પરિવારના એક વંશજે વારાણસી કોર્ટમાં અરજી કરીને ફરી પૂજા કરવા માટે પરવાનગી માંગી હતી અને કોર્ટને અપીલ કરી હતી કે તેઓ આ સ્થાન જિલ્લા તંત્રને સોંપી દે.  કોર્ટે ગત 17 જાન્યુઆરીના આદેશમાં આ ભોંયરાનું નિયંત્રણ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને સોંપી દીધું હતું. આખરે 31 જાન્યુઆરીના આદેશમાં કોર્ટે હિંદુઓને ફરી પૂજા કરવાની પરવાનગી આપી હતી. કોર્ટના આદેશ બાદ સ્થાનિક તંત્રે બિલકુલ સમય વેડફ્યા વગર રાત્રે જ વ્યવસ્થા કરી દીધી હતી અને બીજા દિવસથી પૂજા શરૂ કરી દેવામાં આવી હતી. 

    બીજી તરફ, જ્ઞાનવાપીનું સંચાલન કરતી સમિતિ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ વારાણસી કોર્ટના આ આદેશ વિરૂદ્ધ પહેલાં સુપ્રીમ કોર્ટ ગઈ હતી પરંતુ કોર્ટે તેમને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની આ અરજીને ફગાવી દીધી છે. હવે કોર્ટે આ મામલે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીમાં પૂજા ચાલુ રાખવા અંગેનો નિર્ણય સંભળાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં