અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ 10 બેઠકો પર બિનહરીફ જીત્યું છે. કુલ 60 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી પરંતુ 10 એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી સામે કોઇ પક્ષના ઉમેદવાર મેદાનમાં નથી. આ 10 બેઠકોમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ઉપ મુખ્યમંત્રી ચૌના મીનની સીટનો પણ સમાવેશ થાય છે.
અરુણાચલમાં આગામી 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાનાર છે. આ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ (બુધવાર) હતી. ત્યારબાદ શનિવાર (30 માર્ચ) સુધીમાં ફોર્મ પરત ખેંચવાનાં હતાં. બુધવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજ્યની 6 બેઠકો એવી હતી, જ્યાં માત્ર એક જ ઉમેદવાર ફોર્મ ભર્યું હતું અને જે તમામ ભારતીય જનતા પાર્ટીના હતા. આ ઉમેદવારોમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ સામેલ છે.
શનિવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થતાં સુધીમાં વધુ 4 બેઠકો પર એક-એક ઉમેદવારો રહી ગયા. જેમાંથી અમુક પર ફોર્મ પરત ખેંચવામાં આવ્યાં તો અમુક પર રદ થયાં હતાં. આમ અરુણાચલ પ્રદેશ વિધાનસભાની કુલ 10 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. ચૂંટણી કમિશનરે આ તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર ઈસ્યુ કરવા માટે નિર્દેશ આપી દીધા છે.
10 ધારાસભ્યોએ બિનહરીફ જીત મેળવ્યા બાદ અરુણાચલ પ્રદેશ ભાજપે તમામ વિજેતાઓને શુભકામનાઓ પાઠવી છે. પાર્ટીએ X પર પોસ્ટ કરીને વધામણાં આપ્યાં હતાં. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “મંત્રી અને સંસદીય ચૂંટણીઓના પ્રભારી અશોક સિંઘલે રાજ્યમાં 60માંથી 10 ધારાસભ્યોને બિનહરીફ જીત મેળવતા મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ઉપ મુખ્યમંત્રી ચૌના મીનને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેન્ટી દર્શાવે છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં અરુણાચલ પ્રદેશના લોકોને અતૂટ વિશ્વાસ છે અને તેમને પૂરેપૂરું સમર્થન છે.”
BJP Arunachal Pradesh tweets, "Ashok Singhal, Minister and Incharge of Parliamentary Elections congratulated CM Pema Khandu and DCM Chowna Mein for the start of the unopposed victory of 10 out of 60 MLAs in the state. He said it reflects the Modi Ki Guarantee and the unwavering… pic.twitter.com/rF78Fsy767
— ANI (@ANI) March 30, 2024
કઈ-કઈ બેઠકો પર કોણ-કોણ જીત્યું?
અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભાજપ ઉમેદવારો બિનહરીફ જીત્યા, એ બેઠકોની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પેમા ખાંડુ મુક્તો બેઠક પરથી બિનહરીફ વિજેતા થયા છે તો ઉપ-મુખ્યમંત્રી ચૌના મીન ચૌખમાથી જીત્યા છે. બાકીના ધારાસભ્યોની વાત કરીએ તો રાતૂ તેચી સગાલીથી, જિક્કે તાકો તાલીથી, ન્યાજો ડુકોમ તાલિહાથી, મુચ્ચૂ મીઠી રોઈંગ, હેજ અપ્પા જીરો હાલોપીથી, તેજી કાસો ઇટાનગરથી, ડોંગરૂ સિયોંગ્જૂ બોમડિલાથી અને દાસંગલૂ પુલ હયુલિયાંગ બેઠક પરથી જીત્યા હતા.
અગામી 19 એપ્રિલે અરુણાચલમાં છે ચૂંટણીઓ
ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં આગામી 19 એપ્રિલે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. એક તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં 60 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ 10 બેઠકોના પરિણામ આજે જ આવી ગયાં. હવે પ્રદેશમાં 50 બેઠકો માટે જ ચૂંટણી યોજાશે. ચૂંટણીઓ માટે નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીઓ બાદ મતગણતરી 2 જૂનના રોજ હાથ ધરીને તે જ દિવસે પરિણામો ઘોષિત કરવામાં આવશે.
આ વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકો પર (હવે 50) કુલ 169 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 59, કોંગ્રેસના 23, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (RKP)ના 16 અને નેશનલ પીપલ્સ પાર્ટીના 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. સાથે જ 29 ઉમેદવારો તેવા છે જેમણે સ્વતંત્ર દાવેદારી નોંધાવી છે.