Tuesday, November 26, 2024
More
    હોમપેજમિડિયાશું ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટનું અવળું...

    શું ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટનું અવળું અર્થઘટન કરીને જમાવટે આપ્યા ભ્રામક સમાચાર, હકીકત જાણો

    પ્રથમ દ્રષ્ટિએ જ આ દાવો તદ્દન પાયાવિહોણો લાગે તે સ્વભાવિક છે. 83 ટકા વસ્તી કોઇ નાનું પ્રમાણ નથી. દેશના 83 ટકા યુવાનો બેરોજગાર હોય તો પરિસ્થિતિ શું હોય તેની કલ્પના કરવી કઠિન નથી. વાસ્તવમાં, આ દાવો ભ્રામક છે અને સંભવતઃ અંગ્રેજી ભાષામાંથી ભાષાંતર કરવાની અણઆવડત કે કચાશના કારણે ઊંધું બફાયું છે. 

    - Advertisement -

    ભૂતકાળમાં પણ પોતાના રિપોર્ટિંગના કારણે વિવાદમાં આવી ચૂકેલા ન્યૂઝ પોર્ટલ ‘જમાવટ’ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે. આ માટે આધાર આપવામાં આવ્યો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) અને ઇન્સ્ટિટ્યુટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટના (IHD) એક રિપોર્ટનો. 

    ‘જમાવટ’ પર પ્રકાશિત રિપોર્ટ જણાવે છે કે, “ભારત યુવાનોનો દેશ કહેવાય છે, પરંતુ દેશના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.” આગળ લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે ચૂંટણીના માહોલમાં આ મુદ્દા ઉઠાવવામાં આવશે, પરંતુ પરિણામ કશું નહીં આવે. આગળ એવું પણ કહેવાયું કે દેશના યુવાનો પર બેરોજગારીનું સંકટ સતત વધી રહ્યું છે અને દર ઘટવાને બદલે વધી રહ્યો છે તેમજ શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વધી રહી છે. 

    ‘જમાવટ’ના રિપોર્ટમાંથી (સાભાર- Jamawat)

    ત્યારબાદ અમુક આંકડાકીય માહિતી આપવામાં આવી છે અને બેરોજગારીનાં કારણો ચર્ચવામાં આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું કે, યુવાનો ટેક્નોલોજી વિશે વધુ જાણકારી રાખતા ને અને ડિજિટલ સ્કિલ્સ વધુ ન હોવાના કારણે પણ આ રેટ વધારે હોય શકે છે. હાસ્યાસ્પદ દાવો એવો પણ કરવામાં આવ્યો કે લોકો પાસે ટેક્નોલોજીની સામાન્ય જાણકારી પણ ન હોવાના કારણે તેમને નોકરી નથી મળતી અને બેરોજગાર રહી જાય છે. 

    - Advertisement -

    શું છે હકીકત? 

    પ્રથમ દ્રષ્ટિએ જ આ દાવો તદ્દન પાયાવિહોણો લાગે તે સ્વભાવિક છે. 83 ટકા વસ્તી કોઇ નાનું પ્રમાણ નથી. દેશના 83 ટકા યુવાનો બેરોજગાર હોય તો પરિસ્થિતિ શું હોય તેની કલ્પના કરવી કઠિન નથી. વાસ્તવમાં, આ દાવો ભ્રામક છે અને સંભવતઃ અંગ્રેજી ભાષામાંથી ભાષાંતર કરવાની અણઆવડત કે કચાશના કારણે ઊંધું બફાયું છે. 

    અહીં એ વાત સાચી છે કે ILO અને IHDએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં બેરોજગારી અને તેનાં કારણોની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ દેશના 83 ટકા યુવાનો બેરોજગાર છે એવો દાવો આ રિપોર્ટમાં પણ ક્યાંય કરવામાં આવ્યો નથી. સંસ્થાઓનો રિપોર્ટ કહે છે કે, દેશની કુલ બેરોજગાર વસ્તીમાં 83 ટકા યુવાનો છે. એટલે કે આખા ભારતમાં જેટલા બેરોજગારો છે, તેમાંથી 83 ટકા લોકો યુવાનો છે. આનો અર્થ એ કરવો કે દેશના 83 ટકા યુવાનો બેરોજગાર છે, નરી મૂર્ખામી છે. 

    ઑપઇન્ડિયા પાસે ILO અને IHDના રિપોર્ટની નકલ છે. રિપોર્ટના પાના નંબર 90 ઉપર જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022માં, કુલ બેરોજગાર વસ્તીમાં બેરોજગાર યુવાનોનો ફાળો 82.9 ટકા જેટલો હતો. આ સાથે એક ચાર્ટ પણ આપવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે આ ચાર્ટ અનુસાર, બેરોજગાર યુવાનોનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ જમાવટે રિપોર્ટમાં દાવા કર્યા છે કે બેરોજગારી સતત વધી રહી છે!

    સાભાર- International Labour Organisation Report

    અહીં દેશની કુલ વસ્તીના 83 ટકા યુવાનો બેરોજગાર હોવા અને કુલ બેરોજગારોમાંથી 83 ટકા યુવાનો હોવા, એ બંને ભિન્ન બાબતો છે અને તદ્દન સામા છેડાની છે. ‘જમાવટ’ના રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો તે ખોટો છે, કારણ કે તેમાં દેશની વસ્તીના 83 ટકા યુવાનોને બેરોજગાર ગણાવવામાં આવ્યા છે. આ દાવાને માનીએ તો એનો અર્થ તો એ થાય કે દેશના 100 યુવાનોમાંથી 83 બેરોજગાર છે અને માત્ર 17ને જ રોજગાર મળે છે. જે દેખીતી રીતે ખોટો છે. જ્યારે હકીકત એ છે કે દેશમાં કુલ 100 બેરોજગાર વ્યક્તિ હોય તો તેમાંથી 83 યુવાનો છે.

    અહીં દેખીતી વાત છે કે ભારત જ નહીં પણ દુનિયાના કોઇ પણ ખૂણે જેઓ બેરોજગાર હોય તેમાં યુવાનો જ સૌથી વધારે હોય. પરંતુ તેને કુલ વસ્તીની સાપેક્ષે જોવું એ ખોટું છે. 

    ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ILO રિપોર્ટને લઈને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં અને ‘જમાવટ’ના રિપોર્ટમાં ભિન્નતા એ છે કે બાકીનાએ સાચું અંગ્રેજી સમજીને અર્થઘટન સાચું કર્યું છે. 

    તારણ: ‘જમાવટ’ના રિપોર્ટમાં કરવામાં આવેલો દાવો કે દેશના 83 ટકા યુવાનો બેરોજગાર છે, સદંતર ખોટો છે. દેશના 83 ટકા યુવાનો બેરોજગાર નથી, પરંતુ જેટલા બેરોજગાર છે, તેમાંથી 82.9 ટકા યુવાનો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં