Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત‘2 વર્ષ જૂનો વિડીયો, હાલની ઘટના સાથે જોડીને ભ્રમ ફેલાવ્યો’: યુ-ટ્યુબ ચેનલ...

    ‘2 વર્ષ જૂનો વિડીયો, હાલની ઘટના સાથે જોડીને ભ્રમ ફેલાવ્યો’: યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ અને ‘પત્રકાર’ દેવાંશી જોશીને હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ લગાવી ફટકાર

    કાજલ હિંદુસ્તાનીએ એક પોસ્ટ કરીને લખ્યું કે, “અમુક યુ-ટ્યુબરો લાઈક્સ અને વ્યૂઝના ચક્કરમાં પોતાની વિશ્વસનીયતા ઓછી કરી રહ્યા છે.” ત્યારબાદ તેમણે ‘જમાવટ’નાં સ્થાપક દેવાંશી જોશીને ટેગ કરીને તેમને ગુજરાતનાં ‘રવીશ કુમાર’ ગણાવ્યાં. 

    - Advertisement -

    જાણીતાં હિંદુવાદી વક્તા અને એક્ટિવિસ્ટ કાજલ હિંદુસ્તાનીએ યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ પર પોતાના ભાષણને એડિટ કરીને વર્તમાન ઘટનાક્રમ સાથે જોડીને ખોટી રીતે રજૂ કરી દર્શકોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે X પર એક પોસ્ટ કરીને આ મામલે ઘટસ્ફોટ કર્યા છે. આ સાથે કહ્યું કે પોતે ઇચ્છે તો કાયદેસર કાર્યવાહી પણ કરી શકે તેમ છે. 

    કાજલ હિંદુસ્તાનીએ એક પોસ્ટ કરીને લખ્યું કે, “અમુક યુ-ટ્યુબરો લાઈક્સ અને વ્યૂઝના ચક્કરમાં પોતાની વિશ્વસનીયતા ઓછી કરી રહ્યા છે.” ત્યારબાદ તેમણે ‘જમાવટ’નાં સ્થાપક દેવાંશી જોશીને ટેગ કરીને તેમને ગુજરાતનાં ‘રવીશ કુમાર’ ગણાવ્યાં. 

    તેમણે લખ્યું કે, દેવાંશી અને તેમની ચેનલ 2 વર્ષ જૂની તેમની સભાના એક વિડીયોને એડિટ/ક્રૉપ કરીને વર્તમાન ઘટનાક્રમ સાથે જોડીને ખોટી રીતે પ્રસ્તુત કરી રહ્યાં છે અને ઑડિયન્સને ભ્રમિત કરી રહ્યાં છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, જમાવટ અને દેવાંશીએ થોડા દિવસ પહેલાં આ જ રીતે 2 વર્ષ પહેલાંની એક સભાનો વિડીયો વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને એજન્ડા સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી એડિટ/ક્રૉપ કરીને સ્ટોરી ચલાવી હતી. સાથે એમ પણ કહ્યું કે ‘જમાવટ’ના એક રિપોર્ટરે તેમનો ઓડિયો રેકોર્ડ કરીને તેને સમાચાર સ્વરૂપે ચલાવ્યો હતો. 

    - Advertisement -

    કાજલ હિંદુસ્તાની આગળ કહે છે કે, “હું એક સશક્ત, નિર્ભિક અને બેબાક મહિલા છું એ તમે પણ જાણો છો અને ઇચ્છું તો ખોટા અને ફેક રિપોર્ટ માટે કોર્ટ સુધી પણ ઘસડી શકું તેમ છું.” જોકે, તેમણે આ વખતે જમાવટને જવા દઈને કહ્યું કે એક મહિલા પર FIR થાય ત્યારે તેમણે કેટલા ધક્કા ખાવા પડે અને પરિવાર પર શું અસર પડે તે તેઓ સારી રીતે જાણે છે, તેથી હમણાં માત્ર સૂચના આપી રહ્યાં છે કે જમાવટ કે દેવાંશી તેમના જૂના વિડીયો ઉઠાવી લઈને વર્તમાન ઘટનાક્રમ સાથે જોડીને ન ચલાવે.

    તેમણે એવો પણ કટાક્ષ કર્યો કે જો લાઇક્સ/વ્યૂઝની જરૂર હોય તો પોર્ટલ તેમનો સીધો સંપર્ક કરે, જેથી તેમની TRP વધી જશે અને માર્કેટમાં વિશ્વસનીયતા પણ જળવાઈ રહેશે.

    શું છે એ વિડીયોમાં જેને લઈને ચેનલ પર ઉઠ્યા સવાલ? 

    જે વિડીયોને લઈને કાજલ હિંદુસ્તાનીએ વાંધો ઉઠાવ્યો છે તે ‘જમાવટ’ની ચેનલ પર 11 માર્ચ, 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેનું શીર્ષક છે- ‘જૂનાગઢમાં ફર્યું દાદાનું બુલડોઝર, મજેવડી ગેટ પાસેની દરગાહ તોડી પડાઈ. કાજલ હિંદુસ્તાનીએ શું કહ્યું?’

    વિડીયોમાં હોસ્ટ તરીકે દેવાંશી જોશી જ જોવા મળે છે. શરૂઆતમાં તેઓ UPના બુલડોઝરની વાત કરે છે અને કહે છે કે તેના વિશે કહેવાય છે કે તે રાજનેતાની જેમ કામ કરે છે અને ભેદભાવ કરે છે. જોકે આવું ક્યાં કહેવાયું અને કોણે કહ્યું તેનો કોઇ સોર્સ આપતાં નથી. આગળ કહે છે કે, પરંતુ ગુજરાતનું બુલડોઝર ‘સેક્યુલર’ છે અને માત્ર કાગળ જુએ છે અને વોટ પર અસર થશે તેનો વિચાર કર્યા વગર ફરે છે. 

    આગળ તેઓ જૂનાગઢની મજેવડી ગેટ પાસેની દરગાહના ડિમોલિશનની વાત કરે છે અને કહે છે કે જૂન, 2023માં આ દરગાહને નોટિસ આપવા માટે અધિકારીઓ ગયા હતા, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. દેવાંશીએ અહીં ટોળામાં કોણ હતું તે જણાવ્યું નથી, પરંતુ વાચકોને જાણ થાય કે ત્યાં પોલીસ પર મુસ્લિમ ટોળાએ પથ્થર ફેંક્યા હતા અને સાથે ‘અલ્લાહુ અકબર’ના નારા પણ લગાવ્યા હતા. 

    આગળ બે મંદિરો પણ તોડી પાડવામાં આવ્યાં હોવાનું જણાવીને કહ્યું કે, “આ વાતનું ધ્યાન સરકાર પોતે કેટલી સેક્યુલર છે એ બતાવવા માટે પણ રાખ્યું હશે.” આગળ કહે છે કે, “મહત્વનો વિષય એ છે કે આ બાંધકામો બને છે અને વર્ષોના વર્ષ સુધી ટકી જાય છે. બધું ગેરકાયદેસર હોવા છતાં બધાને બધાં જ કનેકશન મળી જાય છે, ત્યાં સુધી કોઇ બોલતું નથી. આ પ્રકારનાં દબાણ ન થવા દેવામાં આવે એ જ સરકારી પ્રાથમિક ફરજ છે. ત્યારબાદ તેઓ કહે છે કે, “આ વિષય પર જે-તે સમયે કાજલ હિંદુસ્તાની’એ શું કહ્યું હતું, એ સાંભળીએ.” 

    ત્યારબાદ જે વિડીયો ચાલે છે તેમાં કાજલ હિંદુસ્તાની ‘લેન્ડ જેહાદ’ અને ગેરકાયદેસર થતાં દબાણો વિશે બોલતાં જોવા મળે છે. પરંતુ તેમનો આ વિડીયો ભૂતકાળનો છે અને હાલ તેને કશું જ લાગતું-વળગતું નથી. તેમના આ ભાષણને હાલની ઘટના સાથે કોઇ સંબંધ નથી કે ન તેમણે આ ઘટના સંદર્ભે આ વાતો કહી હતી. તેમનો આ વિડીયો જૂનો છે અને સમગ્ર સંદર્ભો જાણવા માટે તેની આગળ-પાછળ શું કહેવાયું હતું તે પણ જાણવું જરૂરી છે. એક રીતે જોવા જઈએ તો આ મજેવડી દરગાહના ડિમોલિશનના સમાચાર આપતા વિડીયોમાં તેમના આ ભાષણને સામેલ કરવાનું કોઇ ઔચિત્ય પણ નથી.

    અન્ય એક વિડીયો મામલે પણ પ્રશ્ન 

    અન્ય એક વિડીયોમાં દેવાંશી જોશીએ કાજલ હિંદુસ્તાની માટે ‘વિવાદિત’ અને ‘ધર્મમાં ભાગલા કરાવે તેવું કટ્ટર’ બોલતાં હોવાના દાવા કર્યા હતા. સાથે કાજલનો એક જૂનો વિડીયો ચલાવીને કહ્યું હતું કે તેમણે હાર્દિક પટેલ વિશે વાતો કરી હોય શકે, પરંતુ કાજલ હિંદુસ્તાનીએ ભાષણમાં ક્યાંય કોઇ નામ લીધું ન હતું. પરંતુ જમાવટે ધારી લીધું કે તેમણે હાર્દિક પટેલ વિશે જ વાત કરી હશે. 

    ત્યારબાદ જમાવટની એક રિપોર્ટરે કાજલ હિંદુસ્તાનીની ટેલિફોનિક બાઈટ લીધી હતી, તેને પણ વિડીયોમાં ઉમેરવામાં આવી. પરંતુ તે માટે સહમતી ન લેવામાં આવી હોવાનું કાજલ હિંદુસ્તાનીએ જણાવ્યું છે. 

    જૂના વિડીયોને હાલ ફરતા કરીને હિંદુવાદી વક્તાને ટાર્ગેટ કરાયાં?

    તપાસ કરતાં જાણવા મળ્યું કે વાસ્તવમાં જૂનાગઢ મજેવડી દરગાહ વિશેના વિડીયોમાં કાજલ હિંદુસ્તાનીના ભાષણની જે ક્લિપ નાખવામાં આવી છે તે 2 વર્ષ જૂની છે. તેઓ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં ગયાં હતાં અને જ્યાં તેમણે બેટ દ્વારકામાં થયેલાં ગેરકાયદેસર અતિક્રમણ મુદ્દે વાત કરી હતી. પરંતુ આ વિડીયોના થમ્બનેઈલ અને હેડિંગ પરથી એવું લાગ્યા વગર રહે નહીં કે તેમણે તાજેતરમાં જ આ વાત કહી હોવી જોઈએ. તદુપરાંત, બીજા વિડીયોમાં જેની ચર્ચા છે તે ભાષણ તેમણે બોટાદમાં એક રામ મંદિરના ઉદઘાટન સમયે આપ્યું હતું, જે વિડીયો પણ જૂનો છે.

    ‘મેં કાજલબેન સાથે સ્પષ્ટતા કરી છે’: દેવાંશી જોશી

    સમગ્ર મુદ્દે દેવાંશી જોશીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, “મેં કાજલબેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને સ્પષ્ટતા કરી દીધી છે અને મને લાગે છે કે તેઓ સમજી ગયાં છે.” આગળ કહ્યું કે જેને લઈને વિવાદ સર્જાયો છે તે વિડીયો તેમને ભ્રામક નથી લાગી રહ્યો, સમસ્યા હોય તો કૉપીરાઈટની હોવી જોઈએ. જોકે, સાથે તેમણે જો કાજલ હિંદુસ્તાની કહે તો તેમના વિડીયોનો ભાગ હટાવી દેવાની અને થમ્બનેઈલમાંથી પણ ફોટો હટાવવાની તૈયારી દર્શાવી હતી. શું આ મુદ્દે જમાવટ કે તેઓ પોતે કોઇ સ્પષ્ટતા કરશે? તેમ પૂછવામાં આવતાં નકારમાં જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં