લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ રહી છે. અહીં 60 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 19 એપ્રિલના રોજ યોજનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ (બુધવાર) હતી. જ્યાં 60માંથી 6 બેઠકો એવી છે, જ્યાં માત્ર ભાજપ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યાં છે. જેથી તેઓ બિનહરીફ વિજેતા ઘોષિત થશે. આ 6 ઉમેદવારોમાં એક મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ છે.
બુધવારે (27 માર્ચ) રાત્રે અરુણાચલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, અરુણાચલ પ્રદેશ દેશનો મૂડ શું છે તે જણાવી રહ્યું છે. વિધાનસભા ચૂંટણી માટે નામાંકનના અંતિમ દિવસે સીએમ પેમા ખાંડુની આગેવાનીમાં 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. તેમણે આગળ લખ્યું કે, વડાપ્રધાન મોદીના આશીર્વાદથી થતા અભૂતપૂર્વ વિકાસના કારણે રાજ્યમાં પાર્ટીને ખૂબ સમર્થન મળી રહ્યું છે.
Arunachal Pradesh leads in showing the mood of the nation. On the last day of the nomination filing for the Assembly election, BJP has secured 5 candidates elected unopposed led by CM @PemaKhanduBJP ji from 3-Mukto Assembly Constituency.
— Kiren Rijiju (मोदी का परिवार) (@KirenRijiju) March 27, 2024
15. Sagalee Assembly Constituency: Shri… pic.twitter.com/EMxMGgruqU
પેમા ખાંડુ મુક્તો બેઠક પરથી ચૂંટણી લડી રાયા છે. 2019માં તેમણે કોંગ્રેસ ઉમેદવારને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. તેઓ સૌપ્રથમ 2011માં આ બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ પર બિનહરીફ ચૂંટાયા હતા. 2014માં પણ તેઓ ફરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા. 2016માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. હવે ફરી એક વખત તેઓ બિનહરીફ જીતવા જઈ રહ્યા છે.
આ સિવાયની બેઠકોની વાત કરવામાં આવે તો કોલોરિયાંગ બેઠક પર પાની તારમ એકમાત્ર ઉમેદવાર છે. તેઓ 2014માં પણ પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલની ટીકીટ પર અહીંથી જીત્યા હતા. રોઈંગ બેઠક પર ભાજપ ઉમેદવારે એક જ ફોર્મ ભર્યુ છે. તેમણે ગત મહિને જ પાર્ટીનો ખેસ પહેર્યો હતો. 2020માં JDU ધારાસભ્યો સાથે જોડાયેલા અન્ય એક ભાજપ નેતા પણ તાલીથી એકમાત્ર ઉમેદવાર છે.
હવે ગુરુવારે (28 માર્ચ) ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 30 માર્ચે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ હશે. જેથી 30 અથવા 31 માર્ચે આધિકારિક રીતે આ ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવશે.
અરુણાચલ વિધાનસભા ચૂંટણી 19 એપ્રિલે યોજાઈ રહી છે. 2019ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 41 બેઠકો જીતી હતી. JDUએ 7 જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીએ 5 અને કોંગ્રેસ માત્ર 4 બેઠકો જીતી શકી હતી. ગૃહની કુલ સંખ્યા 60ની છે અને બહુમતી માટે 31 બેઠકો જરૂરી છે.