લોકસભા ચૂંટણી હવે નજીક છે તેમ રાજકીય હલચલ બધે જ તેજ થાવ માંડી છે. 26 લોકસભા બેઠકો ધરાવતું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં ભાજપ હાલ મજબૂત પાર્ટી છે. કોંગ્રેસ જેમ-તેમ કરીને ઉમેદવારો ભેગા કરીને ચૂંટણી લડવા મથી રહી છે. બે-ત્રણ બેઠકો સિવાય બાકી બધે જ હથિયાર પહેલેથી જ હેઠાં મૂકી દીધાં છે અને માત્ર લડવા ખાતર પાર્ટી લડી રહી હોય તેમ દેખાય છે. આ બધાની વચ્ચે રાજકોટ બેઠક પરથી જેમનું નામ ચાલતું હતું તેવા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અચાનક ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે X પર એક જોડકણું પોસ્ટ કરીને ભાજપ પર કટાક્ષ કરવાના પ્રયાસ કર્યા.
પરેશ ધાનાણીએ એક અખબારના કટિંગનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, લોકસભા 2024- ‘હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.’
*લોકસભા 2024*
— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024
હાલ "કમલમ" માં કકળાટ,
જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે.
2004 નુ પુનરાવર્તન પાક્કુ.! pic.twitter.com/PCHefAEWto
કોંગ્રેસ નેતા ધાનાણીએ જે અખબારનું કટિંગ મૂક્યું તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે અને જેના કારણે નેતાઓ ચિંતિત છે. અંદર ભાજપે 26 બેઠકો પર ઉમદવારોની ઘોષણા કર્યા બાદ પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારો સામે પાર્ટીમાં વિરોધ હોવાનો દાવો કરવામાં આવ્યો અને જે માટે નેતાઓને કામે લગાડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.
આ જોડકણાં બાદ પરેશ ધાનાણીએ અન્ય એક જોડકણું લખ્યું હતું. જેમાં તેમણે ભાજપ નેતાઓને ટાર્ગેટ કર્યા. એવું જણાવવાના પ્રયાસ થયા કે ભાજપે અને દિગ્ગજ નેતાઓને ઘરે બેસાડી દીધા અને ટિકીટ આપી નહીં.
પછીથી આ X-યુદ્ધમાં ભાજપની પણ એન્ટ્રી થઈ. ભાજપે એક પોસ્ટ કરીને જવાબ આપ્યો હતો. પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસને હારનો ડર લાગે છે એટલે આવાં ગતકડાં કરતી રહે છે. એમ પણ કહ્યું કે, પાર્ટી વિકાસના રાજકારણના જોરે લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશે અને NDA 400થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે.
હારનો કોંગ્રેસના માથે છે ભાર
— BJP Gujarat (@BJP4Gujarat) March 27, 2024
તો કોના પર કાઢવી ખાર!!
ત્યાં 'મહાનુભાવ'ને આવ્યો એક વિચાર
કવિ બની વરસાવીએ ટોણાનો માર
વિકાસની રાજનીતિની તીખી છે ધાર
તેની સામે નકામા છે તમામ વાર
4 જૂન 400 પાર
ફરી એકવાર મોદી સરકાર#મોદીનું_પુનરાવર્તન_પાક્કુંhttps://t.co/DfAvYXP9Jc
અહીં સૌથી અગત્યની વાત એ છે કે જે પરેશ ધાનાણી 2004ના પુનરાવર્તનની વાત કરે છે તેઓ પોતે લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી. દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, પાર્ટી તેમને રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે ઉતારવા માટે વિચારી રહી હતી, પરંતુ તેઓ તૈયાર થયા નહીં. જોકે, હજુ રાજકોટ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત બાકી છે, બની શકે કે તેઓ તૈયાર થઈ જાય. આ તબક્કે હજુ સુધી કશું સ્પષ્ટ નથી.