લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજકીપ પક્ષો પણ વધુ સીટો જીતવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. તેવી સ્થિતિમાં અનેક રાજકીય અટકળો પણ વહેતી થઈ હતી. સોશિયલ મીડિયા અને મીડિયામાં એવી ચર્ચાઓ ચાલુ થઈ હતી કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પુત્ર રાજકારણમાં એન્ટ્રી કરશે. જોકે, હવે તે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે તે વાતની સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેમનો કોઈ પુત્ર રાજકારણમાં નથી. સાથે એવું પણ કહ્યું કે, તેમના વારસદારો માત્ર અને માત્ર ભાજપના કાર્યકર્તાઓ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક ચૂંટણીલક્ષી જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના પુત્રની રાજકારણમાં એન્ટ્રીને લઈને પણ સ્પષ્ટતા કરી હતી. તે દરમિયાન તેમણે જાતિવાદ અને પરિવારવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, “મને એ ચિંતા નથી કે, મારા પુત્રોને રોજગાર કઈ રીતે મળશે. મારો કોઈપણ પુત્ર રાજકારણમાં નથી. મેં તેમને કહ્યું હતું કે, મારા પુણ્યનો ઉપયોગ કરીને તમે રાજકારણમાં જતા જ નહીં. તમારે જો રાજકારણમાં જવું છે તો પોસ્ટર ચોંટાડો, દીવાલો પર રંગ લગાવો અને લોકોની વચ્ચે જાઓ.”
#WATCH | Nagpur | Union Minister Nitin Gadkari says, "None of my sons are in politics. I told my sons that if they wanted to join politics, they should first paste posters on walls and work at the ground level. BJP workers have a right over my political legacy." pic.twitter.com/UVn8L7HovK
— ANI (@ANI) March 23, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “મારા વારસા, મેં કરેલાં કાર્યો ઉપર જો કોઈનો અધિકાર છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. તેમનો અધિકાર છે અને તેઓ જ મારા વારસદાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “મેં નક્કી કર્યું છે કે, જાતિવાદને ઘરથી હટાવી દેવાનો છે. નાગપુર શહેર જ મારો પરિવાર છે. તમે સૌ મારા છો અને હું તમારો છું. હું લોકોને મળવાનું ચાલુ રાખવા માગું છું. હું એવું માનું છું કે, સાર્વજનિક જીવનમાં લોકોને મળવું અને તેમની સંભાળ રાખવી તથા નાની-નાની મદદ કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. હું સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાનું ચાલુ રાખવા માંગુ છું અને જેટલી બની શકે તેટલી સમાજની સેવા કરવા માગું છું.”
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024માં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. તેવા સમયે એવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે, ગડકરીના પુત્રને પણ હવે રાજકારણમાં ઉતરી શકે છે. જોકે, આ અટકળો વચ્ચે જ કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી છે. આ સાથે જ તેમણે સભામાં પરિવારવાદને લઈને પણ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યા છે.