લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવેલા ભાજપ સાંસદ મિતેષ પટેલે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓનું ખંડન કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓ જ ચૂંટણી લડશે અને પાર્ટી ઉમેદવાર બદલી રહી નથી.
નોંધનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાતો વહેતી મૂકવામાં આવી હતી કે ભાજપ આણંદ બેઠક પરથી ઉમેદવારને બદલી શકે છે અને સાંસદ મિતેશ પટેલના સ્થાને અન્ય કોઇ નેતાને ઉતારી શકે છે. પરંતુ હવે સ્વયં મિતેષ પટેલે આ તમામ વાતો નકારી દીધી છે અને સ્પષ્ટતા કરી છે કે ભાજપની ટીકીટ પર તેઓ જ લોકસભા ચૂંટણી લડશે.
પોતાના X અકાઉન્ટ પર એક વિડીયો બાઈટ પોસ્ટ કરીને લખ્યું કે, “હું જ ઉમેદવાર છું અને આપ સૌના આશીર્વાદથી જંગી બહુમતીથી જીતીશ.’ વિડીયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં અફવાઓ ચાલી રહી છે કે આણંદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેષ પટેલ બદલાય છે. આ અફવાઓ જ છે. આણંદથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મિતેષ પટેલ છે અને મિતેષ પટેલ જ ચૂંટણી લડશે.”
હું જ ઉમેદવાર છું અને હું આપ સૌના આશીર્વાદથી જંગી બહુમતીથી જીતીશ…
— Mitesh Patel (Bakabhai) – (Modi Ka Parivar) (@Miteshbhaibjp) March 23, 2024
આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાવવાની અફવાઓ પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલની પ્રતિક્રિયા#AbkiBaar400Paar #ModiJiKaParivaar #ModiAgainIn2024 #MiteshPatel #Bakabhai #Anand #Bakabhai pic.twitter.com/Xl2E3yJkQY
તેમણે આગળ કહ્યું કે, 2019થી 2024 સુધીમાં પાંચ વર્ષ આપ સૌએ જે રીતે મને સાથ-સહકાર આપ્યો છે એ જ રીતનો સહકાર 2024માં પણ મળશે તેવો વિશ્વાસ છે. તેમણે પીએમ મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવા માટે સૌ કાર્યકર્તાઓને મહેનત કરવા મંડી પડવા માટે અપીલ કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી આણંદ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલશે તેવી અફવાઓ ઉડી હતી. બીજી તરફ, શનિવારે (23 માર્ચ) વડોદરા અને સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ આ અટકળોને વેગ મળ્યો. અનેક મીડિયા રિપોર્ટ્સમાં પણ આ બાબત જણાવવામાં આવી.
આ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટીકીટ આપી છે. જેથી અફવાઓને જોર આપીને કોંગ્રેસ કાર્યકરોએ ‘ભાજપ ડરી ગયો’ હોવાની વાતો પણ સોશિયલ મીડિયા પર કરવા માંડી હતી, પરંતુ હવે ઉમેદવારે સ્વયં સ્પષ્ટ કર્યું છે.