TMCનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાના ઘરે CBIના દરોડા પડ્યા છે. આ કાર્યવાહી ‘કૅશ ફોર ક્વેરી’ કૌભાંડ મામલે થઈ રહી છે. 2 દિવસ પહેલાં જ એજન્સીએ TMC નેતા વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને હવે રેડ પાડવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBIની ટીમો મહુઆ મોઈત્રાના કોલકત્તા સ્થિત ઘર સહિત અન્ય ઠેકાણાં પર દરોડા પાડવા માટે પહોંચી છે.
CBI is conducting searches at TMC leader Mahua Moitra's residences and other places in Kolkata and other places in connection with alleged cash for query case.
— ANI (@ANI) March 23, 2024
(File photo) pic.twitter.com/3FtJd19eHX
ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે (21 માર્ચ) જ CBIએ ‘કૅશ ફોર ક્વેરી’ મામલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. લોકપાલ તરફથી નિર્દેશો મળ્યા બાદ એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. 15 માર્ચે લોકપાલે CBIને આરોપોની તપાસ કરવા માટે અને 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, એજન્સીને દર મહિને થઈ રહેલી કામગીરીના રિપોર્ટ આપવા માટે પણ કહેવાયું છે.
ભાજપ લોકસભા સાંસદ નિશિકાંત દૂબેએ મહુઆ મોઈત્રા વિરુદ્ધ લોકપાલને ફરિયાદ કરી હતી. આરોપો ચકાસ્યા બાદ તેની તપાસ માટે લોકપાલે CBIને નિર્દેશ કર્યા છે. લોકપાલે આદેશમાં જણાવ્યું હતું કે, “રેકર્ડ પર ઉપલબ્ધ તમામ સામગ્રી જોતાં એ બાબત નકારી શકાય નહીં કે મોટાભાગના આરોપોને પુરાવાનું પણ સમર્થન છે અને જે ગંભીર બાબત છે. જેથી અમારા મત અનુસાર, આ મામલે સત્ય બહાર લાવવા માટે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી છે.
આ આદેશ બાદ CBIએ FIR દાખલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
શું છે આ કેસ?
નોંધનીય છે કે TMCનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ 2023માં ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપ લાગ્યા હતા. આરોપ એવા છે કે તેમણે ઉદ્યોગપતિનાં હિતો સચવાય અને તેમને લાભ પહોંચે તે માટે અમુક પ્રશ્નો સંસદમાં પૂછ્યા હતા અને જે બદલ મોંઘી ભેટો અને પૈસા લીધા હતા. નોંધનીય છે કે સંસદમાં સાંસદે પૂછેલા પ્રશ્નનો જે-તે વિભાગના મંત્રીએ જવાબ આપવો પડે છે.
મહુઆ મોઈત્રા પર સંસદનાં લૉગિન આઇડી-પાસવર્ડ શૅર કરવાનો પણ આરોપ લાગ્યો છે. જે એથિક્સ કમિટીએ પોતાના રિપોર્ટમાં સાચા ઠેરવ્યા હતા. જોકે, મહુઆ મોંઘી ભેટો લેવાના આરોપો નકારતાં રહ્યાં છે, પરંતુ આ મામલે પોતાનો બચાવ કર્યો હતો.
મહુઆ વિરૂદ્ધ આરોપો લાગ્યા બાદ ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એક પત્ર લોકસભા સ્પીકરને પણ લખ્યો હતો અને મામલાની તપાસની માંગ કરી હતી. ત્યારબાદ સ્પીકરે મામલો એથિક્સ કમિટી પાસે મોકલી આપ્યો હતો. કમિટીએ ડિસેમ્બરમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને તેને સંસદમાં રજૂ કરવામાં આવતાં લોકસભાએ મહુઆને બરતરફ કરી દીધાં હતાં.
મહુઆ મોઈત્રાને TMCએ આ ચૂંટણીમાં ફરી તેમની કૃષ્ણનગર બેઠક (બંગાળ) પરથી ટીકીટ આપી છે.