વડોદરા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં લોકસભા ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તેમણે જણાવ્યું કે, અંગત કારણોસર તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યાં નથી.
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
— Ranjan Bhatt (MP) (मोदी का परिवार) (@mpvadodara) March 23, 2024
રંજનબેન ભટ્ટે X પર પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી. તેમણે લખ્યું, ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.’
રંજનબેન ભટ્ટ બે ટર્મથી વડોદરા લોકસભાથી ભાજપ સાંસદ છે. 2014માં પીએમ મોદી વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી જીત બાદ નિયમો અનુસાર એક બેઠક છોડવાની હોવાથી તેમણે વડોદરાથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટી રંજનબેનને ટીકીટ આપી હતી. 2019માં પણ તેમને જ રીપીટ કરવામાં આવ્યાં.
2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ ફરી તેમને જ ટીકીટ આપી હતી, પરંતુ હવે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.
રંજનબેન ભટ્ટનું નામ 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી ભાજપ ઉમેદવારોની બીજી યાદીમાં ઘોષિત કરવામાં આવ્યું હતું. બીજી યાદીમાં કુલ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 2 રિપીટ થયા હતા. જેમાંથી એક રંજનબેન ભટ્ટનો સમાવેશ થાય છે. બીજા અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા.
વડોદરા બેઠક પરથી રંજનબેને ઉમેદવારી પરત લઇ લેતાં હવે અહીં અન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં ભાજપ જાહેરાત કરી શકે છે. અન્ય 4 બેઠકો જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણા પર પણ ઉમેદવારોની જાહેરાત બાકી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરામાં અમુક ઠેકાણે સાંસદ રંજનબેન ભટ્ટનો વિરોધ કરતાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે આ પોસ્ટરો કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા. CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા, જેમાં 2 યુવકો પોસ્ટર લગાવતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડની અટકાયત પણ કરી હતી.