વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ભૂતાનના પ્રવાસે છે. આ દરમિયાન લાલ જાજમ પાથરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવાસના પ્રથમ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માનને ‘ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલપો’ કહેવામાં આવે છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂકે પીએમ મોદીને આ સન્માન એનાયત કર્યું હતું. વડાપ્રધાન મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના રાજા દ્વારા ત્યાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. આ ‘ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલપો’ સન્માન ભૂતાની રાષ્ટ્ર અને તેના લોકોને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. ભારતમાં ‘ભારતરત્ન’ પુરસ્કાર તેનો સમકક્ષ ગણાય. સન્માન મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભૂતાન દ્વારા ‘ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલપો’ પુરસ્કાર મળવા બદલ સન્માનિત અનુભવી રહ્યો છું અને તેને 140 કરોડ ભારતીયોને અર્પણ કરું છું. હું ભૂતાનના લોકો, ખાસ કરીને યુવાઓનો તેમના આ સુંદર દેશમાં યાદગાર સ્વાગત કરવા માટે આભારી છું.”
Honoured to be conferred with 'Order of the Druk Gyalpo' Award by Bhutan. I dedicate it to 140 crore Indians. https://t.co/gNa7YlcFfG
— Narendra Modi (@narendramodi) March 22, 2024
પીએમ મોદી જેવા મોટા કદના નેતાના મિત્ર હોવું સન્માનની વાત- ભૂતાન
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ભૂતાન તરફથી એક આધિકારીક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે,”પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સહુથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બન્યું છે અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સહુથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વડાપ્રધાન મોદી નેબરહુડ ફર્સ્ટ નીતિએ દક્ષિણ એશિયાને મજબૂત બનાવ્યું છે અને સામૂહિક પ્રગતિના માર્ગનું દિશાનિર્દેશ કર્યા છે. ભૂતાન માટે તે સન્માનની વાત છે કે એટલા મોટા કદના રાજનેતા ભૂતાની લોકોના સાચા મિત્ર છે. વડાપ્રધાન મોદી આત્મનિર્ભરતા મેળવવા અને એક વિકસિત રાષ્ટ્ર બનવા માટે ભૂતાનના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણના દ્રઢ સમર્થક છે. વડાપ્રધાન મોદીની મિત્રતા ભૂતાનના તમામ ઉદ્દેશ્યો અને પહેલો પ્રત્યે સમર્થને અમારા સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત કર્યા છે.”
ગુજરાતીમાં ગરબા ગાઈ-રમીને કર્યું વડાપ્રધાન મોદીનું સ્વાગત
આ બધા વચ્ચે સહુથી મજાની વાત તે હતી કે, ભૂતાનના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ખાસ તૈયારી કરી રાખી હતી. તેમણે ગુજરાતી ભાષામાં એક ગરબો તૈયાર કરી રાખ્યો હતો અને તે ગરબાના તાલે ભૂતાની યુવતીઓએ ગરબા નૃત્ય કરીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. એક કલાકાર ગ્રાઉન્ડમાં વચ્ચે ગુજરાતીમાં ગરબો ગાઈ રહ્યા હતા, જેના શબ્દો હતા “અમે રાજી મોદીજીના રાજમાં રે…હે સહુ સહેમત તમારી વાતમાં રે…. હાર્દિક સ્વાગત તમારું ભૂતાનમાં રે..” આ ગરબો સાંભળીને વડાપ્રધાન મોદી પણ ખુશ થઈ ગયા હતા ને તાળી પાડીને ભૂતાની કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાતી હોવાનું ગૌરવ..! 🙏🔥
— Sagar Patoliya (@kathiyawadiii) March 22, 2024
ભૂતાનના લોકોએ @narendramodi નું સ્વાગત ગુજરાતી ગરબાથી કર્યું..
– ગરબાના Lyrics પણ એમના પોતાના જ છે..અચૂક સાંભળજો ❤️❤️✨ pic.twitter.com/rHPoH0x800
પીએમ મોદીને આ પહેલાં પણ મળી ચૂક્યાં છે અનેક દેશોનાં સન્માન
આ પહેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ લીજન ઓફ ઓનર’ સન્માન આપવામાં આવ્યું હતું. તે પહેલાં 2023માં ઇજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઇલ, મે 2023માં પાપુઆ ન્યૂ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે 2023માં પલાઉ રિપબ્લિક દ્વારા ઇબાકલ એવોર્ડ, 2021 માં ભૂટાન દ્વારા ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો, 2020 માં યુએસ સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાન્સ, 2019 માં માલદીવ્સ દ્વારા નિશાન ઇઝુદ્દીનના વિશિષ્ટ શાસનનો ઓર્ડર, રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડ 2019, UAE દ્વારા 2019માં ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા ગાઝી અમીર અમાનુલ્લા ખાનનો સ્ટેટ ઓર્ડર અને 2016માં સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલાઝીઝ અલ સઉદનો સમાવેશ થાય છે.