દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને ધરપકડ સામે વચગાળાની રાહત માંગી હતી, પરંતુ ત્યાંથી નિરાશા મળી છે. કોર્ટે કેજરીવાલને કોઇ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે અને EDને આ મામલે જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. મામલાની આગામી સુનાવણી 22 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસની તપાસ કરતી એજન્સી ED લગભગ નવેક વખત કેજરીવાલને સમન્સ પાઠવી ચૂકી છે, પરંતુ તેઓ હાજર થઈ રહ્યા નથી. આ મામલે એજન્સી કોર્ટમાં પણ પહોંચી હતી, જે મામલે કેજરીવાલે પ્રત્યક્ષરૂપે હાજર રહીને જામીન લેવા પડ્યા હતા. પછી પણ એજન્સીએ નવું સમન પાઠવતાં કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની વિરૂદ્ધ કોઇ કડક પગલાં ન લેવાય તે માટે વચગાળાની રાહત આપવા માંગ કરી હતી.
#BREAKING
— Live Law (@LiveLawIndia) March 21, 2024
Delhi High Court refuses interim protection from coercive action at this stage to Chief Minister Arvind Kejriwal in liquor policy case.
Kejriwal had filed an application seeking interim relief in his plea challenging ED summons.#ArvindKejriwal #ED pic.twitter.com/Y1v6ai9gCG
બુધવારે (20 માર્ચ) સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને પૂછ્યું હતું કે આખરે શા માટે તેઓ એજન્સી સમક્ષ હાજર થઈ રહ્યા નથી? જેના જવાબમાં કેજરીવાલ તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે તેમને ડર છે કે હાજર થવા પર ધરપકડ થઈ શકે છે અને જો કોઇ કડક પગલાં ન લેવાની બાંહેધરી આપવામાં આવે કે કોર્ટ રક્ષણ આપે તો હાજર થવા માટે તૈયાર છે.
ગુરુવારે બીજા દિવસની સુનાવણીમાં હાઈકોર્ટે એજન્સી EDને પૂછ્યું હતું કે તેઓ કયા આધારે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે અને સમન્સ પાઠવવા પાછળ શું કારણો છે. ત્યારબાદ EDએ એ જ દિવસે કોર્ટને તમામ માહિતી પૂરી પાડી હતી. એજન્સીએ જણાવ્યું કે તેઓ કેજરીવાલને અધિકારિક વ્યક્તિ તરીકે (CM તરીકે) નહીં પરંતુ વ્યક્તિગતરૂપે બોલાવી રહ્યા છે અને તેમની પાસે તેના પર્યાપ્ત કારણો છે. એજન્સીએ કેજરીવાલની અરજીનો વિરોધ કરીને કહ્યું કે, તેઓ કાયદાથી પર નથી. જે કાયદો સામાન્ય વ્યક્તિઓને લાગુ પડે છે તે જ અન્યોને પણ લાગુ પડે છે, પછી તેઓ મુખ્યમંત્રી પણ કેમ ન હોય.
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે, “અમે બંને પક્ષોને સાંભળ્યા છે. જોકે, આ તબક્કે કોઇ પણ આદેશ પસાર કરી રહ્યા નથી.” કોર્ટે EDને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે અને આગલી સુનાવણીની તારીખ 22 એપ્રિલ મુકરર કરી છે. દરમ્યાન, ED જો ઇચ્છે તો કેજરીવાલની ધરપકડ કરી શકે છે.