સુપ્રીમ કોર્ટે એક આદેશ પસાર કરીને IT નિયમો હેઠળ PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) ફેક્ટચેક યુનિટને કેન્દ્ર સરકારના અધિકૃત ફેક્ટચેક યુનિટ (FCU) તરીકે અધિસૂચિત કરતા નોટિફિકેશનના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. સરકારે બુધવારે (2૦ માર્ચ) આ FCUને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.
કેન્દ્ર સરકારના IT મંત્રાલયે 20 માર્ચના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને PIBના ફેક્ટચેક યુનિટને કેન્દ્રના ફેક્ટચેક યુનિટ તરીકે માન્યતા આપી હતી. જેનો ઉદ્દેશ્ય સરકાર સંબંધિત ફેક ન્યૂઝ કે ભ્રામક સામગ્રી પર લગામ લગાવવાનો છે.
વાસ્તવમાં એપ્રિલ, 2023માં નવા IT નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ કથિત કૉમેડિયન કૃણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ તેની વિરુદ્ધ અરજી કરી હતી, જે મામલે સુનાવણી ચાલી રહી છે. ગત 11 માર્ચે બૉમ્બે હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને IT નિયમો હેઠળ કેન્દ્ર સરકારના ફેક્ટચેક યુનિટની સ્થાપના પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને સરકારને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ 20 માર્ચે કેન્દ્ર સરકારના IT મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને FCUને અધિસૂચિત કર્યું, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં સ્ટે લાગી ગયો છે.
#BREAKING #SupremeCourt stays the notification of Fact Check Unit by the Union Government, stay to operate till the Bombay High Court finally decides the challenges to the IT Rules amendment 2023.
— Live Law (@LiveLawIndia) March 21, 2024
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આદેશ આપતાં કહ્યું કે, હાલ મામલો બૉમ્બે હાઇકોર્ટમાં લંબિત હોવાના કારણે તેઓ કેસનાં મેરિટ પર કોઈ ટિપ્પણી કરશે નહીં, પરંતુ કોર્ટ માને છે કે 20 માર્ચ, 2024ના નોટિફિકેશન પર રોક લાગવી જરૂરી છે. કોર્ટે નોંધ્યું કે, 27 એપ્રિલ, 2023ના રોજ કેન્દ્રે બૉમ્બે હાઈકોર્ટને બાંહેધરી આપી હતી કે જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલશે અને તેની ઉપર નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ FCUને અધિસૂચિત કરશે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “નિયમો 3(1)(b)(v) વિરુદ્ધની અરજી અમુક ગંભીર બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે. મૂળભૂત અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ નિયમો કેવી અસર કરશે તેનું વિશ્લેષણ જરૂરી છે. જેથી અમે 11 માર્ચ, 2024નો (હાઈકોર્ટનો) આદેશ રદ કરી રહ્યા છીએ. સાથે નિર્દેશ આપવામાં આવે છે કે હાલ જે કેસ બૉમ્બે હાઈકોર્ટમાં ચાલે છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના 20 માર્ચ, 2024ના નોટિફિકેશન પર રોક લગાવવામાં આવે.”
અહીં ઉલ્લેખનીય છે કે 2021માં કેન્દ્ર સરકારે નવા IT નિયમો બનાવ્યા હતા. જે એપ્રિલ, 2023માં અમલમાં આવ્યા હતા. તેનો અમલ થતાંની સાથે જ કૃણાલ કામરા અને અન્યો બૉમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને આ નિયમોને પડકાર્યા હતા. આ મામલે હાલ કેસ ચાલી રહ્યો છે.
શું છે ફેક્ટચેક યુનિટ?
હાલ IT મંત્રાલય હેઠળ આવતા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ફેક્ટચેકિંગ યુનિટ ચલાવવામાં આવે છે. સરકારે તેને 20 માર્ચના આદેશથી અધિકૃત ફેક્ટચેક યુનિટ તરીકે માન્યતા આપી હતી. જેની જોગવાઈ IT નિયમો, 2021માં છે. આ નિયમો સરકારને ફેક્ટચેક યુનિટ સ્થાપિત કરવાની સત્તા આપે છે.
નિયમો અનુસાર, જો આ ફેક્ટચેક યુનિટના ધ્યાનમાં કેન્દ્ર સરકારનાં કોઇ કામકાજને લગતા ફેક, ખોટા કે ભ્રામક સમાચાર કે સામગ્રી આવે તો તેઓ તેનું ફેક્ટચેક કરશે અને સાચી માહિતી આપશે. જે વિશે સોશિયલ મીડિયા કંપનીઓને પણ જાણ કરવામાં આવશે અને ત્યારબાદ કંપનીઓએ આવી સામગ્રી હટાવી લેવી પડશે. જો નહીં હટાવવામાં આવે તો તેમને થર્ડ પાર્ટી કૉન્ટેન્ટ સામે મળતી સુરક્ષા હટાવી લેવાશે. જેને ‘સેફ હાર્બર’ કહેવાય છે.
‘સેફ હાર્બર’ અર્થાત દેશમાં મોટી સોશિયલ મીડિયા કંપનીઓને એવી સુવિધા મળે છે કે તેમનાં માધ્યમો પર થર્ડ પાર્ટી દ્વારા પ્રસારિત કોઇ વાંધાજનક કે કાયદાની રીતે અયોગ્ય હોય તેવી સામગ્રી માટે કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થતી નથી. જેણે આવી સામગ્રી અપલોડ કરી હોય તેઓ જ કાર્યવાહીનો સામનો કરે છે. જોકે, કંપનીઓની મળતી આ સુવિધા સરકાર ખતમ પણ કરી શકે છે.