રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંઘે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઇને મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. વાસ્તવમાં અદિતિ સિંઘ અને ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ANIના સ્મિતા પ્રકાશ સાથે પોડકાસ્ટ શૂટ કર્યું હતું. આ પોડકાસ્ટમાં અદિતિ સિંઘે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ગાંધી પરિવારમાં વધારે અકડ છે. દરમિયાન અદિતિ સિંઘે એમ પણ જણાવ્યું હતું કે 2017માં જ્યારે તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા ત્યારે સંજોગ વસાત તેઓ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા.
અદિતિ સિંઘે જણાવ્યું કે તે સમયે રાહુલ ગાંધી એવા લાગી રહ્યા હતા જાણે તેમની પાસે કોઈ વસ્તુને લઈને માહિતી જ ન હોય. અદિતિ સિંઘના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ તેમને તે સમય દરમિયાન પૂછ્યું કે ઉત્તર પ્રદેશમાં અમારી પાસે કેટલા ધારાસભ્યો છે? અદિતિ સિંઘે જવાબ આપ્યો – સાત. આ પછી રાહુલ ગાંધીએ પોતાનું માથું ઉપરની તરફ ઊંચક્યું અને જોરજોરથી હસવા લાગ્યા. તે સમયે અદિતિ સિંઘ ચોંકી ગયા હતા. અદિતિ સિંઘે આ દરમિયાન એવો ખુલાસો પણ કર્યો હતો કે અંગદ સિંઘ સાથે તેમના છૂટાછેડા થઈ ગયા છે.
અંગદ સિંઘ પંજાબના નવાશહરથી (શહીદ ભગતસિંઘ નગર) ધારાસભ્ય હતા. તેઓ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. તે સમયે તેઓ કોંગ્રેસમાં હતા. અદિતિ સિંઘે જણાવ્યું કે ટિકિટ વહેંચણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ તેમના પૂર્વ પતિ સામે એક શરત રાખી હતી કે તેઓ પોતાની પૂર્વ પત્ની અદિતિ સિંઘના ચરિત્ર પર લાંછન લગાવે, ત્યારબાદ જ તેમને ટિકિટ આપવામાં આવશે. નોંધનીય છે કે 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. અદિતિ સિંઘનો પરિવાર કોંગ્રેસી રહી ચૂક્યો છે, પરંતુ 2021માં બળવો થયા બાદ તે ભાજપમાં જોડાયા હતા.
EP-147 with Aditi Singh & Shehzad Poonawalla premieres on Wednesday at 5 PM IST
— ANI (@ANI) March 19, 2024
"Priyanka Gandhi asked my ex-husband to talk smack about my character for an election ticket" claims BJP MLA Aditi Singh#PriyankaGandhi #RahulGandhi #Cong
Tune in here: https://t.co/UjLS0nASWb pic.twitter.com/ZQLKCkNOfn
અદિતિ સિંઘનું કહેવું છે કે તેમના પૂર્વ પતિને તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવાનું કહેવામાં આવ્યું હતું. અદિતિ અને અંગદ બંને મોટા રાજકીય પરિવારોમાંથી આવે છે. તેમના પિતા અખિલેશ કુમાર સિંઘ 24 વર્ષ સુધી ધારાસભ્ય બન્યા, તેઓ સતત 5 વખત ચૂંટાયા અને હવે તેમનાં દીકરી બીજી વારના ધારાસભ્ય છે. અંગદ સિંઘના દાદા દિલબાગ સિંઘ નવાશહરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અંગદના પિતા પ્રકાશ સિંઘ અને માતા ગરિકબલ કૌર પણ એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2022માં, અંગદસિંઘે પણ કહ્યું હતું કે તેમના પર તેમની પૂર્વ પત્ની વિરુદ્ધ જવાનું દબાણ છે. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અદિતિ સિંઘ સાથેના તેમના લગ્નને એક હથીયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, જેથી તેમને ટિકિટથી વંચિત રાખી શકાય. અંગદે કહ્યું હતું કે તેમને એવું મહેસુસ કરાવવામાં આવ્યું હતું કે તેમણે જાણે કોઈ ગુનો કર્યો હોય. તેમણે કહ્યું હતું કે 15 મહિના અલગ રહેવા છતાં અદિતિ સિંઘ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.