એક તરફ જ્યાં ભારતમાં વિપક્ષી પાર્ટીઓ અવારનવાર તેમની હાર બાદ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર ઠીકરા ફોડે છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં એવો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જો પાકિસ્તાનની ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલી ધાંધલી ન થઈ હોત. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જો EVM દ્વારા ચૂંટણી યોજાઈ હોત તો ચૂંટણીમાં થયેલી તમામ ગેરરીતિઓ માત્ર એક કલાકમાં ઉકેલાઈ ગઈ હોત. ઈમરાન ખાન હાલ જેલમાં છે. તેઓ ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)’ રાજકીય પક્ષના સ્થાપક છે.
અદિયાલા જેલમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઈમરાન ખાને આ વાત કહી. તેઓ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ફસાયેલા છે, જેમાં તેમની પત્ની બુશરા પણ આરોપી છે. PTIએ ઈમરાન ખાનના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ પ્રકાશિત કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, જો પાકિસ્તાનની ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ધાંધલધમાલની તમામ સમસ્યાઓ એક કલાકમાં સરળતાથી ઉકેલાઈ ગઈ હોત. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા.
Imran Khan says all poll rigging would have been solved if Pakistan had EVMs
— ANI Digital (@ani_digital) March 17, 2024
Read @ANI Story | https://t.co/9ePlt21RnR#ImranKhan #PakistanElections #EVM pic.twitter.com/RpI77pHhoT
ઈમરાન ખાને કહ્યું કે, “પાકિસ્તાનના ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષો અને ‘સિસ્ટમ’ સાથે મળીને ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ કરવા ના દીધો.” તેમણે કહ્યું કે, “જે અધિકારીઓએ સામાન્ય ચૂંટણીમાં જનમત ચોરી લીધા છે તેમના પર દેશદ્રોહનો કેસ થવો જોઈએ.” તેમણે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીને 3 કરોડ મત મળ્યા છે, જ્યારે બાકીના 17 રાજકીય પક્ષોને મળીને સમાન સંખ્યામાં વોટ મળ્યા છે. હવે પાકિસ્તાનમાં PTI સમર્થકો EVM મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.
જ્યારે ભારતમાં ઘણા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારો છે, તેમ છતાં તેઓ EVMને લઈને હંમેશા રોદણાં રડવાનું નિરંતર ચાલુ જ રાખે છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શાયરાના અંદાજમાં વિપક્ષને જવાબ આપતા કહ્યું કે, “અધૂરી હસરતો કા ઇલજામ હર બાર હમ પર હી લગાના ઠીક નહીં, બફર ખુદ સે નહીં હોતી ઔર ખતા EVM કી કહેતે હો. ઔર બાદ મે જબ પરિણામ આતા હૈ તો ઉસપે કાયમ ભી નહીં રહેતે હો.” તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 40 વખત સુપ્રીમ કોર્ટ આ પ્રકારની અરજીઓને ફગાવી ચૂકી છે. તેમ છતાં વિપક્ષ EVMને લઈને દરેક ચૂંટણીમાં રોદણાં રડે છે.