ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. જેની સાથે જ આદર્શ આચારસંહિતા પણ અમલમાં આવી ગઈ છે. આ દરમિયાન ચૂંટણી પંચે ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે EVM તદ્દન સુરક્ષિત છે અને તેની વિરુદ્ધ લાગતા તમામ આરોપો પાયાવિહોણા છે.
પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, “અમે ઘણીવાર જણાવી ચૂક્યા છીએ, પરંતુ દેશમાં (EVM વિરોધી) અભિયાન પણ ચાલી રહ્યું છે એટલે ફરી જણાવી રહ્યો છું.” તેમણે કહ્યું કે, “લગભગ ચાળીસ વખત આ દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ EVM પર સુનાવણી કરી ચૂકી છે. તે હૅક થવાના, ચોરી થવાના, 19 લાખ મશીનો ગાયબ છે, તેમાં દેખાતું નથી, કમ્પ્યુટરથી ખરાબ થઈ જાય છે, પરિણામો બદલી શકાય છે, છેડછાડ કરી શકાય છે, વગેરે જેવા આરોપ લગાવવામાં આવ્યા. પરંતુ દરેક વખતે કોર્ટે આ દાવા ફગાવી દીધા છે.”
તેમણે ઉમેર્યું કે, “કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, તેમાં વાયરસ લાગવાની કોઈ સંભાવના નથી કે ચેડાં પણ થઈ શકે તેમ નથી. કોર્ટે પણ જણાવ્યું છે કે આ એક ફૂલપ્રૂફ ડિવાઇસ છે અને તમામ આરોપો પાયાવિહોણા છે. હવે તો કોર્ટે દંડ પણ લગાવવાના શરૂ કરી દીધા છે. વારંવાર વિલાપ શા માટે કરવામાં આવી રહ્યા છે? કોઇ વાતે મૂંઝવણ હોય તો અમને પૂછો.”
Parties that oppose EVMs have won elections. EVMs are 100% safe: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/clHYMIUiis
— OpIndia.com (@OpIndia_com) March 16, 2024
મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું કે EVM ક્યારેય હૅક થઈ શકે તેમ નથી અને જે પરિણામો આવે તે જ પ્રમાણ છે. તેમણે ઉમેર્યું કે, અનેક એવી પાર્ટીઓ છે જે EVMના કારણે અસ્તિત્વમાં આવી છે. અનેક એવી નાની પાર્ટીઓ છે, જે બેલેટ પેપરના જમાનામાં કદાચ અસ્તિત્વમાં આવી પણ ન હોત. તમામ EVMનાં ત્રણ વખત ઉમેદવારો સામે મોક પૉલ કરવામાં આવે છે. છતાં શા માટે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું કે, ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર તમામ વિગતો ઉપલબ્ધ છે અને તે વિશે વાંચવાનું કષ્ટ કરવું જોઈએ.
CECએ સ્પષ્ટ કર્યું કે EVM 100% સુરક્ષિત છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે છેલ્લાં 2 વર્ષમાં ચૂંટણી પંચે અનેક સુધારા કર્યા છે. એક-એક EVMને નંબર અપાય છે અને તે કયા બૂથ પર જશે તે ઉમેદવારોને આપવામાં આવશે. જેથી મશીન પર સવાલ ઉઠાવવાનો કોઈ પ્રશ્ન નથી.
કથિત એક્સપર્ટને પણ આડેહાથ લીધા
મુખ્ય ચૂંટણી કમિશનરે આ દરમિયાન ભળતાં જ મશીનો બનાવીને દેશને ગેરમાર્ગે દોરતા કથિત ‘એક્સપર્ટ’ને પણ આડેહાથ લીધા. તેમણે કહ્યું કે, “સોશિયલ મીડિયા પર કોઇ પણ EVM લઈને બેસી જાય છે. એક ડબ્બો લઈને બેસી જાય છે અને આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે એક-બે એક્સપર્ટ પણ ચાલી રહ્યા છે. તેમની પાસે શું ડિગ્રી છે એ પણ જોવું જોઈએ. તેમની પાસે ટૂલબોક્સ જેવો ડબ્બો હોય છે અને તેમાં શું છે તે ખબર નથી હોતી. તેમાંથી એક સ્લિપ પણ નીકળે છે. તેઓ દાવો કરે છે કે તેમને એક બટન દબાવ્યું અને ત્યાંથી સ્લિપ નીકળી, પણ ક્યાં શું બટન દબાવ્યું હતું તે જણાવતા નથી.”
ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થયા બાદ અને ત્યારબાદ થતી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીનું પ્રદર્શન સતત સુધર્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ EVMનું તૂત શોધી કાઢ્યું હતું અને ભાજપ પર તેમાં ચેડાં કરીને જીત મેળવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જે ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ હારે છે ત્યારે મોટાભાગે હારનું ઠીકરું EVM પર ફોડી દે છે. પરંતુ અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે અને દેશની સર્વોચ્ચ અદાલત પણ સ્વીકારી ચૂકી છે કે આ મશીનમાં ક્યાંય પણ કોઇ પણ રીતે ચેડાં કરવાં શક્ય નથી. ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણી પંચે ફરી એક વખત આ મામલે સ્પષ્ટતા કરી છે.