Saturday, November 23, 2024
More
    હોમપેજદેશશું પાકિસ્તાની કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે ભાજપને દાન આપ્યું? કોંગ્રેસ સમર્થકોએ ફેલાવ્યું...

    શું પાકિસ્તાની કંપનીએ ઇલેક્ટોરલ બૉન્ડ મારફતે ભાજપને દાન આપ્યું? કોંગ્રેસ સમર્થકોએ ફેલાવ્યું જુઠ્ઠાણું, અહીં જાણો હકીકત

    જે હબ પાવર કંપનીને પાકિસ્તાની ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય કંપની છે. આ કંપની દિલ્હીમાં સ્થિત છે. GSTની વેબસાઈટ પર જઈને તપાસ કરતાં આ કંપની રજિસ્ટર થયેલી જોવા મળે છે.

    - Advertisement -

    એક તરફ ચૂંટણી પંચે SBIએ સોંપેલો ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા અપલોડ કર્યો અને બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના સમર્થકોએ તેને લઈને સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાઓ કરીને ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. અદાણી જૂથનું નામ જોવા ન મળતાં અલગ જ કંપની સાથે તેમનું નામ જોડી દીધું તો માર્ચ, 2018થી માર્ચ 2019 સુધીનો ડેટા ‘ગાયબ’ કરી દેવાયો હોવાના દાવા કર્યા. આવો જ એક દાવો કરવામાં આવ્યો કે એક પાકિસ્તાનની કંપનીએ ભાજપને દાન આપ્યું હતું. 

    X પર 29 હજાર ફોલોઅર્સ ધરાવતા વિજય નામના એક વ્યક્તિએ એક પોસ્ટ કરીને લખ્યું, “શું એ સાચું છે કે ભાજપે પાકિસ્તાનની કંપની હબ પાવર પાસેથી પૈસા લીધા હતા? તે પણ પુલવામા હુમલાના એક મહિના બાદ? આની તપાસ કોણ કરશે?’ સાથે લખ્યું કે, ઘણા શરમ વગરના લોકો શહીદોના નામે મત માગતા હતા. 

    મોહમ્મદ સરફરાઝ નામના એક વ્યક્તિએ ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈના ટ્વિટનો રિપ્લાય કરતાં ઇલેક્ટોરલ બૉન્ડની યાદી અપલોડ કરી અને સાથે લખ્યું કે, ‘હબ પાવર પાકિસ્તાને કંપની છે, જે ભાજપને પૈસા આપી રહી છે.’

    - Advertisement -

    એક વ્યક્તિએ આ જ યાદી મૂકીને લખ્યું કે, ‘ભાજપે હબ પાવર કંપની નામની પાકિસ્તાની કંપની પાસેથી કરોડો રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડની આડમાં લીધા, એ પણ પુલવામા હુમલા બાદ, જ્યારે દેશ 40 સૈનિકોના મૃત્યુનું દુઃખ માનવી રહ્યો હતો.’ પોસ્ટમાં લખ્યું કે, પુલવામા હુમલો ફેબ્રુઆરી, 2019માં થયો અને ફાળો એપ્રિલ, 2019માં લેવામાં આવ્યો. 

    એક કોંગ્રેસ સમર્થક અકાઉન્ટે ભાજપને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવી દઈને દાવો કર્યો કે હબ પવારે પુલવામા વખતે ઇલેક્ટોરલ બૉન્ડથી દાન કર્યું હતું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ  જાતજાતના આરોપ લગાવ્યા. ભાજપ પર પણ આરોપ લગાવીને કહ્યું કે, તેઓ સત્તામાં રહેવા માટે દેશ પણ વેચી દેશે.

    એક અકાઉન્ટે લખ્યું કે, એક પાકિસ્તાની કંપની હબ પાવર કંપની દ્વારા પુલવામા હુમલાના 2 મહિના બાદ ઈલેક્ટોરલ બૉન્ડ થકી ભાજપને દાન આપવાની વાત સામે આવી રહી છે, જો આ સાચું હોય તો ભયાનક છે.

    સાચું શું? 

    જે હબ પાવર કંપનીને પાકિસ્તાની ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં પાકિસ્તાની નહીં પરંતુ ભારતીય કંપની છે. આ કંપની દિલ્હીમાં સ્થિત છે. જેનો GST નંબર છે-07BWNPM0985J1ZX. GSTની વેબસાઈટ પર જઈને તપાસ કરતાં આ કંપની રજિસ્ટર થયેલી જોવા મળે છે. નવેમ્બર, 2018ના રોજ રવિ મહેરા નામના વ્યક્તિના નામે તેનું રજિસ્ટ્રેશન થયેલું જોવા મળે છે.

    આવી પાકિસ્તાનમાં પણ એક કંપની છે, જેનું નામ છે- ‘ધ હબી પાવર કંપની લિમિટેડ (HUBCO)’. ભારતમાં તેના વિશે ફેક ન્યૂઝ ફેલાવાના શરૂ થતાં આ કંપનીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેમણે ભારતમાં કોઇ પાર્ટી સાથે કોઇ પણ રીતે કોઇ નાણાકીય વ્યવહાર કર્યા નથી.  

    નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “મીડિયામાં જે નાણાકીય વ્યવહારની વાત ચાલે છે તેની સાથે HUBCOને કોઇ સંબંધ નથી. પાકિસ્તાનની બહાર કોઇ પણ પેમેન્ટ કરવામાં આવે તે સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનની મંજૂરી સાથે કરવામાં આવે છે અને તેની એક પ્રક્રિયા હોય છે. જેથી કોઇ પણ બાબત છાપતાં પહેલાં તથ્યોની ખરાઈ કરવા માટે અમે અપીલ કરીએ છીએ, જેથી ખોટી માહિતી ન ફેલાય.”

    વધુમાં, કોઇ વિદેશી કંપની ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી જ ન શકે કારણ કે તે માત્ર ભારતના નાગરિકો અને ભારતની કંપની માટે જ છે. જ્યારે યોજના લાગુ કરવામાં આવી હતી ત્યારે પણ આ બાબતની સ્પષ્ટતા થઈ જ ચૂકી હતી. જેથી પાકિસ્તાનની કોઇ કંપનીએ બૉન્ડ ખરીદવાનો પ્રશ્ન જ નથી.  

    અહીં મહત્વની વાત છે કે ઇલેક્ટોરલ બૉન્ડની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં કોણે કઈ તારીખે કેટલી રકમના બૉન્ડ ખરીદ્યા હતા તેની અને કઈ પાર્ટીએ કઈ તારીખે કેટલી રકમના બૉન્ડ એનકૅશ કર્યા હતા તેની વિગતો આપવામાં આવી છે. કઈ કંપની તરફથી કઈ પાર્ટીને કેટલું દાન ગયું તેની કોઇ વિગત નથી. એટલે આ ભારતની હબ પવાર કંપનીએ ભાજપને જ દાન આપ્યું હશે તેવા દાવાને સમર્થન આપવા માટે કોઇ પુરાવા નથી અને એવું કહી પણ ન શકાય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં