સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા સુપરત કર્યા બાદ હવે કેન્દ્રીય ચૂંટણી પંચે તેને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધો છે. બે યાદી બહાર પાડવામાં આવી છે જેમાં કોણે બૉન્ડ ખરીદ્યા હતા અને કેટલા રૂપિયાના બૉન્ડ ખરીદવામાં આવ્યા હતા તેની તમામ વિગતો છે. સુપ્રીમ કોર્ટે કમિશનને 15 માર્ચ (શુક્રવાર)ની ડેડલાઇન આપી હતી, પરંતુ તે પહેલાં જ માહિતી સાર્વજનિક કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચે બે યાદીઓ બહાર પાડી છે. જેમાંથી એકમાં 12 એપ્રિલ, 2019થી 11 જાન્યુઆરી 2024 સુધીમાં કોણે-કોને ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા તેની વિગતો આપવામાં આવી છે, જ્યારે બીજી યાદીમાં 12 એપ્રિલ, 2019થી 24 જાન્યુઆરી, 2024 સુધીમાં કઈ રાજકીય પાર્ટીઓએ આ બૉન્ડ એનકૅશ કર્યા હતા તેની વિગતો છે.
જોકે, ઇલેક્ટોરલ બૉન્ડની યોજના અનુસાર કોણે કઈ પાર્ટીને દાન આપ્યું હતું તે જાણી શકાય તેમ નથી. જેથી આ યાદીમાં પણ એ માહિતી આપવામાં આવી છે કે કોણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા, પરંતુ કયા ખરીદદારે કઈ પાર્ટીને દાન આપ્યું હતું તેની કોઈ વિગતો નથી. યાદીમાં અમુક કંપનીઓ છે તો અમુક વ્યક્તિઓ પણ છે. કઈ તારીખે બૉન્ડ ખરીદવામાં કે એનકૅશ કરવામાં આવ્યા તેની પણ વિગતો છે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ મળીને 18,871 ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા હતા. પરંતુ પાર્ટી દ્વારા કુલ 20,421 બૉન્ડ એનકૅશ કરવામાં આવ્યા. ખરીદીની યાદીમાં કુલ રકમ ₹1,21,55,51,32,000.00 જેટલી છે. જ્યારે સ્વીકારવામાં આવી તે રકમ ₹1,27,69,08,93,000.00. દર્શાવાઈ છે.
યાદીનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે અદાણી જૂથે એક પણ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યો નથી અને આ જ કારણોસર ક્યાંય તેમનું નામ પણ નથી. યાદીમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનું પણ કયાંય નામ નથી. રાહુલ ગાંધી, કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓ ભાજપ પર અંબાણી-અદાણીને લાભ પહોંચાડવાના આરોપ લગાવતા રહે છે, પણ આ યાદી કંઈક જુદી જ વાત કરે છે.
Election Commission of India uploads the data on electoral bonds on its website as received from SBI.
— ANI (@ANI) March 14, 2024
Donors to political parties through electoral bonds include Grasim Industries Limited, Piramal Capital and Housing Finance Limited, Piramal Enterprises Ltd., Muthoot Finance…
યાદીમાં જે કંપનીઓનાં નામ છે તેમ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાયનાન્સ, મુથૂટ ફાયનાન્સ, વેદાન્તા લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ફિનોલેક્સ કેબલ, જિંદલ પોલીફિલ્મ્સ, લક્ષ્મી નિવાસ મિત્તલ, જેકે સિમેન્ટ, સ્પાઇસજેટ લિમિટેડ, DLF કમર્શિયલ ડેવલોપર્સ, ઝાયડસ હેલ્થકેર લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
બૉન્ડ એનકૅશ કરનાર પાર્ટીઓમાં દેશની મોટાભાગની પાર્ટીઓ સામેલ છે. જેમાં AIADMK, AAP, DMK, BRS, ભાજપ, કોંગ્રેસ, શિવસેના, TDP, YSRCP, JDS, RJD, સમાજવાદી પાર્ટી, NCP, તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, ઝારખંડ મુક્તિ મોરચા, બીજુ જનતા દળ વગેરેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં કેન્દ્ર સરકારે ઈલેક્ટોરલ બૉન્ડ યોજના લાગુ કરી હતી, જે જાન્યુઆરી, 2018માં લાગુ કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે તેમાં પાર્ટીઓને મળતા ‘ચૂંટણી ફંડ’ મામલે પારદર્શિતા આવશે. આ માટે SBIની અલગ-અલગ 29 બ્રાન્ચમાંથી ઇલેક્ટોરલ બૉન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે રકમ 1 હજારથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની હોય છે. આ બૉન્ડ કોઇ પણ ખરીદીને પોતાની પસંદગીની પાર્ટીને આપી શકે છે.
આ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. ગત ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે યોજનાને ગેરબંધારણીય ઠેરવીને રોક લગાવી દીધી હતી અને SBIને તમામ ડેટા ચૂંટણી પંચને સોંપવા માટે જણાવ્યું હતું. જોકે, SBIએ પોતાને મળેલી 13 માર્ચની ડેડલાઈન લંબાવીને 30 જૂન, 2024 કરવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી, પરંતુ તાજેતરમાં કોર્ટે તે ફગાવી દીધી.
કોર્ટે અરજી ફગાવ્યા બાદ SBIએ ડેટા ચૂંટણી પંચને સોંપ્યો હતો, જે 15 માર્ચ સુધીમાં વેબસાઈટ પર અપલોડ કરવાનો હતો, જે એક દિવસ પહેલાં જ કરી દેવામાં આવ્યો છે.