હરિયાણામાં મંગળવારે (12 માર્ચ) રાજકારણ ગરમાયું હતું. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યપાલ પાસે પહોંચીને રાજીનામું આપી દીધું હતું. કહેવાય રહ્યું છે કે, ભાજપ અને JJP વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને વિવાદ થયો હતો. જે બાદ ગઠબંધન તોડી અલગ થવાનો નિર્ણય થયો હતો અને તેના ભાગરૂપે મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાં સાથે હરિયાણાની કેબિનેટ પણ ધ્વસ્ત થઈ હતી. જ્યારે તે બાદ વિધાયક દળની બેઠક બોલાવવામાં હતી. જેમાં ભાજપ નેતા નાયબ સિંઘ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ છે. તેમણે મંગળવારે (12 માર્ચ, 2024) સીએમ પદના શપથ લીધા હતા.
નાયબ સિંઘ સૈની હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ સભ્ય છે. તેમને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. સાથે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છે. તેમણે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને નેતૃત્વના ગુણો શીખ્યા હતા અને તે બાદ ભાજપમાં ડગ માંડ્યા હતા.
કોણ છે નાયબ સૈની?
નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જનયુઆરી, 1970માં હરિયાણાના અંબાલામાં સ્થિત મિર્ઝાપુરમાં થયો હતો. તેઓ OBC સમુદાય સાથે સંકળાયેલા છે. સાથે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાઈને અનેક સેવાકીય કાર્યો પણ કર્યા છે. આ સાથે તેમણે સંઘમાં રહીને જ નેતૃત્વના ગુણ વિકસાવ્યા હતા. તેમણે વર્ષ 1996માં ભાજપ સાથે રાજકારણમાં ડગ માંડ્યા હતા. તે સમયે તેઓ હરિયાણા ભાજપ સંગઠનનો એક ભાગ હતા. વર્ષ 2000 સુધી તેમણે પ્રદેશ મહાસચિવ સાથે મળીને પાર્ટીના અનેક કામો કર્યા હતા.
તેમનું કામ જોઈને તેમને આગળ વધારવામાં આવ્યા હતા અને વર્ષ 2002માં તેમને અંબાલા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને વર્ષ 2005માં જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાર્ટીમાં સતત આગળ વધી રહેલા સૈની 2009માં હરિયાણામાં ભાજપ કિસાન મોરચાના રાજ્ય મહાસચિવ બન્યા હતા. 2012માં તેમને જિલ્લા અધ્યક્ષની સાથે અનેક પદો પર કામ કરવાની તક મળી હતી. જ્યારે ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં જ તેમને હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
2014માં બન્યા પ્રથમવાર ધારાસભ્ય
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ત્યારે થઈ, જ્યારે તેઓ 2014માં નારાયણગઢ મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા. ધારાસભ્ય તરીકે પણ તેમણે ખૂબ સારી સેવા આપી હતી. જેના પગલે તેમને 2016માં હરિયાણા સરકારમાં મંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. તેમને ભાજપ સંગઠનનો વિશ્વાસ હાંસલ કરવામાં ધારી સફળતા મળી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં નાયબ સૈનીને કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સામે કોંગ્રેસના નિર્મલ સિંઘે સીધી ટક્કર લીધી હતી. આ ચૂંટણીમાં સૈનીએ 3.88 લાખથી વધુ મતોના માર્જિનથી નિર્મલ સિંઘને હરાવ્યા હતા. ત્યારથી તેઓ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે કાર્યરત છે.
2014માં પહેલીવાર ધારાસભ્ય બનેલા અને સરકારમાં મંત્રી પણ રહેલા સૈનીને મનોહરલાલ ખટ્ટરના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમણે મનોહરલાલ ખટ્ટર સાથે અનેક કામો કર્યા છે. જે બાદ હવે તેમને જ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક કારકિર્દી
ભાજપ નેતા નાયબ સિંઘ સૈની વ્યવસાયમાં એક વકીલ પણ હતા. તેમણે વર્ષ 1996માં બીઆર આંબેડકર યુનિવર્સિટી, મુઝફ્ફરનગરથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેમણે વર્ષ 2010માં ચૌધરી ચરણ સિંઘ વિશ્વવિદ્યાલય, મેરઠ (યુપી)થી LLBની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હોવાથી કાયદાકીય બાબતોમાં તેમની સાંજ ઘણી ઊંડી માનવામાં આવે છે.
નોંધનીય છે કે, ધારાસભ્ય બન્યા વગર જ નાયબ સિંઘ સૈની 6 મહિના સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે અને આ સમયગાળો પૂર્ણ થવાની સાથે તાજેતરની વિધાનસભાની ટર્મ પણ પૂર્ણ થઈ જશે. એટલે કે, નાયબ સૈની ધારાસભ્ય બન્યા વગર જ પોતાની સરકારનો કાર્યકાળ પૂર્ણ કરશે.