રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં પરમાણુ યુદ્ધ થવાનું હતું. રશિયાએ યુક્રેન પર પરમાણુ બૉમ્બ છોડવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હુમલા માટેનો પ્લાન પણ બનાવી રાખ્યો હતો. જે પછી PM મોદીના હસ્તક્ષેપ બાદ પુતિને નિર્ણય બદલ્યો હતો અને વિશ્વ પરથી પરમાણુ યુદ્ધનો ખતરો ટળ્યો હતો.
આ દાવો અમેરિકાના બે ઉચ્ચ અધિકારીઓએ કર્યો છે. CNNએ અધિકારીઓને ટાંકીને લખ્યું કે, તે સમય ખૂબ ગંભીર પરિસ્થિતિનો હતો. અમેરિકી પ્રશાસન પુતિનના વલણથી ખૂબ હેરાન થઈ ગયું હતું. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને રશિયના મિત્ર ભારત સહિત અન્ય કેટલાક દેશો પાસે આ મામલે મદદ માંગી હતી. વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને CNN રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકી અધિકારીઓએ તે સમયે જે કામ કર્યું હતું તેમાંથી એક માત્ર રશિયાને સીધો સંદેશ મોકલવાનું નહોતું, પરંતુ અધિકારીઓએ તે દેશોની મદદ પણ માંગી હતી, જેમની વાત પુતિન સુધી પહોંચી શકે. બહારથી લાદવામાં આવેલું દબાણ ખૂબ મહત્વનું હતું.
US અધિકારીઓનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી અને અન્ય કેટલાક મહત્વના લોકો દ્વારા આઉટરીચ અને જાહેર નિવેદનોએ આ યુદ્ધની ભયાનક કટોકટીને ટાળવામાં મદદ કરી હતી.
2022માં પરમાણુ યુદ્ધ થવાની હતી સંભાવના
રિપોર્ટમાં કહેવાયું છે કે, રશિયાના પરમાણુ હુમલાના પગલાં વિશે વર્ષ 2022ના અંતમાં જાણ થઈ હતી. જ્યારે યુક્રેની સૈન્ય દક્ષિણ રશિયાના કબ્જાવાળા ખેરસનમાં ઝડપથી આગળ વધી રહી હતી. યુક્રેની આર્મીએ રશિયાની સેનાને તમામ રીતે ઘેરી લીધી હતી. આ એવી સ્થિતિ હતી જેણે રશિયન સરકારને તમામ રીતે હેરાન કરી નાખી હતી. અમેરિકી પ્રશાસનમાં એવી ચર્ચાઓ થવા લાગી હતી કે, તત્કાલીન સ્થિતિ પરમાણુ હુમલાનું મોટું કારણ બની શકે છે. જે બાદ અમેરિકાએ ભારત સહિત અન્ય ગ્લોબલ સાઉથના દેશો પાસે મદદ માંગી હતી. અધિકારીએ જણાવ્યું કે, ભારત, ચીન સહિત અન્ય દેશોએ રશિયાનો સંપર્ક કર્યો અને દબાણ ઊભું કર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતે હંમેશા સામાન્ય લોકોના મોતની નિંદા કરી છે અને ટકરાવને શાંતિપૂર્ણ રીતે ખતમ કરવાની વાત કહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, તે સમયે PM મોદીના હસ્તક્ષેપ બાદ પરમાણુ યુદ્ધ ટળ્યું હતું. વડાપ્રધાનના ફોનથી રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતાનો પ્લાન બદલ્યો હતો. PM મોદીએ ગત વર્ષ ઉજબેકિસ્તાનમાં SCO સમિટના અવસર પર રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. આ જ નિવેદન ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ દરમિયાન પણ આપવામાં આવ્યું હતું.