આગામી લોકસભા ચૂંટણીઓને લઈને ભાજપે ગુજરાતના 26 પૈકી 15 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી હતી. ત્યારે બાકીના 11 લોકસભા ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ બેઠકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 10 માર્ચે યોજાઈ શકે છે, જેમાં ઉમેદવારોનાં નામ પર અંતિમ નિર્ણય થશે. આ બેઠક બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, રવિવારે (10 માર્ચ, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચી ગયા છે. પાર્ટીના નેતૃત્વ સાથે વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ગુજરાતના બાકીના 11 ઉમેદવારોનાં નામો પણ સામેલ કરવામાં આવી શકે છે. જોકે તે પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં કોર સમૂહની બેઠકમાં પહેલા નામ તારવવામાં આવે તેવી શક્યતાઓ છે જેના પર CEC બેઠકમાં પીએમ મોદીની હાજરીમાં મહોર લાગી શકે છે.
જાણવા મળ્યા અનુસાર, CEC બેઠક બાદ ભાજપ તુરંત બીજી યાદી જાહેર કરાશે નહીં અને એક-બે દિવસનો સમય લાગી શકે છે. તેનું કારણ એ છે કે હજુ ઘણી પ્રાદેશિક પાર્ટીઓ સાથે સીટ શૅરિંગ પર ચર્ચા ચાલી રહી છે. જેની ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ પાર્ટી ઉમેદવારોની યાદી સાથે આગળ વધશે.
આ પહેલા ભાજપ દ્વારા 15 ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે પહેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં હતાં. સૂચિ અનુસાર ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ તો નવસારીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ચૂંટણી લડશે. જામનગરથી પૂનમ માડમને જ્યારે ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાને રીપીટ કરવામાં આવ્યાં છે. ખેડા બેઠક પર દેવસિંહ ચૌહાણ, જ્યારે બારડોલીથી પ્રભુ વસાવા રિપીટ થશે. બે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ લોકસભા ચૂંટણી લડશે.
ભાજપની યાદી અનુસાર કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠાથી ડૉ. રેખા ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, રાજકોટથી પુરષોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબેન માડમ, આણંદથી મિતેષ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીથી સી.આર પાટીલ લોકસભા ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે, જે માટેની અધિસૂચના 15 માર્ચ આસપાસ જાહેર થઈ શકે છે. આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2019માં સાત તબક્કામાં ચૂંટણી થઈ હતી, આ વખતે પણ પાંચથી વધુ તબક્કામાં ચૂંટણી થાય તેવી સંભાવના છે. મોદી સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.