લોકસભા ચૂંટણી આવી રહી છે તે પહેલાં ભાજપના નેતૃત્વવાળા સત્તાધારી ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો (NDA) વિસ્તાર થઈ રહ્યો છે. હવે ભાજપે આંધ્રપ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી અને જન સેના સાથે હાથ મિલાવ્યા છે. લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ સાથે મળીને લડશે. TDP, જન સેના અને ભાજપના આ ગઠબંધનથી દક્ષિણ ભારતમાં ભાજપને ફાયદો થવાની સંભાવનાઓ છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ ગઠબંધનનું અધિકારિક એલાન કર્યું છે. તેમણે X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણના NDAમાં સામેલ થવાના નિર્ણયનું હું હૃદયથી સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ અને દીર્ઘદર્શી નેતૃત્વમાં ભાજપ, TDP અને જનસેના દેશ તેમજ આંધ્રપ્રદેશના વિકાસ માટે સમર્પિત છે.
I wholeheartedly welcome the decision of Shri @ncbn and Shri @PawanKalyan to join the NDA family. Under the dynamic and visionary leadership of Hon. PM Shri @narendramodi ji, BJP, TDP, and JSP are committed to the progress of the country and the upliftment of the state and…
— Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) March 9, 2024
TDP પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ શનિવારે (9 માર્ચ, 2024) ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, જ્યાં ગઠબંધન નક્કી થયું હતું. તે પહેલાં ગુરુવારે પણ એક બેઠક થઈ હતી, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ હતા. આ બેઠકો દરમિયાન સીટ શેરિંગથી લઈને સાથે ચૂંટણી લડવા માટે ચર્ચા થઈ હતી.
પત્રકારો સાથે વાતચીત કરતી વખતે TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, ત્રણેય પાર્ટીઓ આગામી લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે અને ક્લીન સ્વિપ કરશે. તેમણે જાણકારી આપતાં કહ્યું કે, “TDP, ભાજપ અને જન સેનાએ ચૂંટણી માટે ગઠબંધન કરવાનું એલાન કર્યું છે.” હવે ટૂંક સમયમાં પાર્ટીઓ તરફથી એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવી શકે છે.
BJP, TDP, Jana Sena have come to understanding for alliance in polls: TDP president N Chandrababu Naidu
— Press Trust of India (@PTI_News) March 9, 2024
જે ફોર્મ્યુલા સામે આવી છે તે અનુસાર આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકોમાંથી ભાજપ 6, જન સેના 2 જ્યારે TDP 17 બેઠકો પર ચૂંટણી લડશે. શનિવારની બેઠકમાં આ ફોર્મ્યુલા પણ ત્રણેય પાર્ટીઓ એકમત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જનસેના પહેલેથી જ NDAની સદસ્ય, હવે TDP પણ સાથે આવી
પવન કલ્યાણની પાર્ટી જનસેના પહેલેથી જ NDAની સદસ્ય છે. જન સેનાએ આંધ્રપ્રદેશમાં પહેલેથી જ TDP સાથે ગઠબંધન કરી રાખ્યું હતું. ત્યારે હવે ભાજપે પણ હાથ મિલાવતાં ત્રણેય પાર્ટીઓ સાથે થઈ ગઈ છે અને લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એકસાથે લડશે.
આંધ્રપ્રદેશમાં 25 લોકસભા બેઠકો અને 175 વિધાનસભા બેઠકો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 8થી 10 બેઠકો પર લડી શકે છે. જન સેના 3 બેઠકો પર જ્યારે બાકીની બેઠકો પર TDP લડશે.
ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ અગાઉ NDAનો જ ભાગ હતી, પરંતુ 2018માં તેમણે છેડો ફાડી નાખ્યો હતો અને અલગ થઈ ગયા હતા. તે સમયે નાયડુ રાજ્યના મુખ્યમંત્રી હતા. જોકે, ગત ફેબ્રુઆરી મહિનામાં તેમણે ભાજપ અધ્યક્ષ નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ ફરીથી બંને સાથે આવવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને હવે અધિકારીક એલાન કરી દેવામાં આવ્યું છે.
ઓડિશામાં પણ ભાજપ-બીજેડી ગઠબંધન કરી શકે
બીજી તરફ, ઓડિશામાં પણ ભાજપ અને શાસક બીજુ જનતા દળ ગઠબંધન કરી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘણા દિવસોથી બંને પાર્ટીઓ વચ્ચે દિલ્હીમાં બેઠકો પણ ચાલી રહી છે, પરંતુ અમુક બેઠકોને લઈને પેચ ફસાયો છે. જો તેનો ઉકેલ આવે તો વધુ એક રાજ્યમાં ભાજપ પ્રાદેશિક પાર્ટી સાથે ગઠબંધન જાહેર કરશે. ઓડિશામાં નવીન પટનાયકની બીજુ જનતા દળ વર્ષોથી શાસનમાં છે ત્યારે બંને પાર્ટીઓનું સાથે આવવું NDA માટે વધુ ફાયદાકારક નીવડી શકે છે.
ભાજપે આ લોકસભા ચૂંટણીમાં NDA માટે 400 પાર અને ભાજપ માટે 370+નો ટાર્ગેટ રાખ્યો છે. ગઠબંધન જેમ જેમ વિસ્તરી રહ્યું છે તેમ-તેમ આ લક્ષ્યાંક ભાજપ માટે નજીક આવતું દેખાઈ રહ્યું છે.