સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના ઘરે આગ લાગતાં તેમના 17 વર્ષીય પુત્રનું મૃત્યુ થયું છે. મધ્ય રાત્રિએ ઘરમાં આગ લાગી હતી, જેથી બાકીના સભ્યો બચી ગયા પરંતુ 12મા ધોરણમાં અભ્યાસ કરતો પ્રિન્સ બહાર નીકળી ન શક્યો. ગંભીર રીતે દાઝી ગયા બાદ તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યો.
જિતેન્દ્ર કાછડિયા સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે. તેમનું ઘર ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું છે. જ્યારે રાત્રે આગ લાગી ત્યારે આખો પરિવાર બીજા માળે સૂતો હતો. અચાનક આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતાં આખા ઘરમાં ઘુમાડો પ્રસરી ગયો અને પરિવારના સભ્યો જાગી ગયા હતા.
આગ લાગી ત્યારે ઘરમાં કુલ 7 સભ્યો હાજર હતા. જિતેન્દ્ર કાછડિયાના ભાઇએ એક બેડરૂમમાં ઊંઘેલા પ્રિન્સ અને તેના ભાઈને જગાડ્યા હતા અને ત્યારબાદ તમામે બહાર નીકળવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ધુમાડો પ્રસરી ગયો હોવાના કારણે નીચે ઉતરી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. જેથી પરિજનો બાજુમાં આવેલ મકાનના ધાબા પર કૂદી ગયા હતા. પરંતુ પ્રિન્સ નીકળી ન શક્યો અને ફસાઈ ગયો.
આગ લાગ્યા બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતાં ટેન્ડરો સ્થળ પર પહોંચ્યાં અને કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. બીજી તરફ, ફસાયેલા પ્રિન્સને પણ બચાવવા માટે એક ટીમ અંદર ગઈ હતી, પરંતુ તેને બચાવી ન શકાયો.
આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી સ્થિતિમાં પ્રિન્સ બીજા માળેથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેને સ્મીમેર હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાને લઈને મૃતકના કાકા નટવર કાછડિયાએ જણાવ્યું કે, “રાત્રે 2 વાગ્યે અચાનક આગ લાગી ગઈ હતી. અફરાતફરીમાં એક છોકરો રહી ગયો અને બાકીના બધા ઉપર ચડી ગયા અને બાજુના ધાબા પર કૂદકા મારીને નીકળી ગયા. પછી અમને ખ્યાલ આવ્યો કે છોકરો રહી ગયો છે. તે 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.”
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ પહેલા માળે લાગી હતી, જ્યાંથી આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. આગમાં ફર્નિચર, એલિવેશન અને બારી-બારણાં સહિતનો ઘરવખરીનો સામાન બળી ગયો હતો. આગ લાગવાનું કારણ હાલના તબક્કે જાણી શકાયું નથી.