વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ સમારોહમાં ભાગ લીધો. દેશમાં પ્રથમવાર આ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. 20 કેટેગરીમાં આપવામાં આવેલા આ એવોર્ડમાં કુલ 23 લોકોને સન્માનિત કરવામાં આવ્યા. મહત્વની વાત તે છે કે આ 23 લોકોમાં 3 વિદેશી ક્રિએટર્સનો પણ સમાવેશ થાય છે. આ પુરસ્કાર કૂકિંગ, સ્ટોરી ટેલીંગ, સામાજિક પરિવર્તન, પર્યાવરણમાં સ્થિરતા, શિક્ષણ, ગેમિંગ વગેરે કેટેગરીમાં આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, નેશનલ ક્રિએટર્સ એવોર્ડ સમારોહમાં પુરસ્કાર માટે દોઢ લાખથી વધુ નોમિનેશન આવ્યાં હતાં. આ એવોર્ડના વિજેતાઓ નક્કી કરવા વોટિંગ સિસ્ટમ રાખવામાં આવી હતી. આ માટે 10 લાખથી પણ વધુ વોટ મળ્યા હતા અને તે પછી 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.
આ એવોર્ડ માટે નક્કી કરવામાં આવેલી કેટેગરીની વાત કરીએ તો, બેસ્ટ સ્ટોરી રાઈટર, સેલિબ્રિટી પ્રોડ્યુસર, સોશિયલ ચેન્જ બેસ્ટ ક્રિએટર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, ઇન્ટરનેશનલ પ્રોડ્યુસર, એગ્રિકલ્ચર પ્રોડ્યુસર, ટ્રાવેલ પ્રોડ્યુસર, કલ્ચરલ એમ્બેસેડર, ન્યુ ઇન્ડિયા ચેમ્પિયન, ક્લીન્લીનેસ ચેમ્પિયન, બેસ્ટ ક્રિયેટર મેલ-ફિમેલ, હેરિટેજ ફેશન આઇકોન, ટેક ક્રિએટર, એજ્યુકેશન બેસ્ટ ક્રિએટર, ફૂડ કેટેગરી બેસ્ટ પ્રોડ્યુસર, ગેમિંગ, કેટેગરી ક્રિએટર, બેસ્ટ માઈક્રો પ્રોડ્યુસર, બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ પ્રોડ્યુસર અને બેસ્ટ નેનો પ્રોડ્યુસર કેટેગરી રાખવામાં આવી હતી.
કોને કોને આપવામાં આવ્યા એવોર્ડ
આ કાર્યક્રમ ભારત મંડપમમાં યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતે આ પ્રથમ ક્રિએટર એવોર્ડમાં હાજરી આપીને વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સહુથી પહેલો એવોર્ડ અમદાવાદના પંક્તિ પાંડેને આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ ગ્રીન ચેમ્પિયન કેટેગરી અંતર્ગત આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં કથાવાચક જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકાર પુરસ્કાર આપવામાં આવ્યો. પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરને વર્ષના શ્રેષ્ઠ સાંસ્કૃતિક એમ્બેસેડરનો એવોર્ડ આપવામાં આવ્યો.
વડાપ્રધાન મોદીએ ગૌરવ ચૌધરીને ટેકનિકલ ક્ષેત્રે બેસ્ટ ક્રિએટર એવોર્ડ આપ્યો, સાથે જ કામીયા જાનીને ટ્રાવેલ ક્રિએટર કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યાં. ફિટનેસ અને આધ્યાત્મ જેવા અનેક વિષયો પર પોડકાસ્ટ બનાવતા રણવીર અલ્લાહબાદિયાને ડિસરપ્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ સ્ટોરી ટેલરમાં કિર્તીકા ગોવિંદાસામીને, સ્વચ્છતા એમ્બેસેડરમાં મલ્હાર ક્લામ્બે, હેરીટેજ ફેશનમાં જાનવી સિંઘ, આરજે રોનક જેને લોકો બઉઆથી વધુ ઓળખે છે તેમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Health and Fitness Creator award to Ankit Baiyanpuria at Bharat Mandapam. pic.twitter.com/pZkDLMsyst
— ANI (@ANI) March 8, 2024
ભોજન ક્ષેત્રમાં કૂકિંગ વ્લોગ બનાવતા કવિતા સિંઘ અને 75 હાર્ડ ચેલેન્જ પૂર્ણ કરીને લાખો યુવાઓને ફિટનેસ તરફ પ્રેરિત કરનાર અને વડાપ્રધાન મોદી સાથે સ્વચ્છતા કેમ્પેઈનના વિડીયોમાં દેખાઈ ચૂકેલા અંકિતને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો.
મન કી બાતના 110માં એપિસોડમાં કરી હતી વાત
ઉલ્લેખનીય છે કે ક્રિએટર્સ એવોર્ડ આપવાની વાત વડાપ્રધાન મોદીએ મન કી બાતના 110માં એપિસોડમાં કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના ટેલેન્ટને સન્માનિત કરવા માટે નેશનલ ક્રિએટર્સ એવોર્ડની શરૂઆત કરી છે. વડાપ્રધાને તે સમયે કહ્યું હતું કે દેશના યુવાઓ જે કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે, તેઓ પ્રભાવશાળી કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, “હું કન્ટેન્ટ ક્રિએટર્સને આગ્રહ કરવા માંગીશ કે તેઓ આ એવોર્ડ સમારોહમાં ભાગ લે, જો તમે આવા રસપ્રદ કન્ટેન્ટ ક્રિએટર્સને ઓળખતા હો તો તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં નોમીનેટ ચોક્કસથી કરજો.”