સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ અને કલકત્તા હાઈકોર્ટે ફરી એક વખત ફટકાર લગાવ્યા બાદ આખરે બંગાળ પોલીસે પૂર્વ TMC નેતા શેખ શાહજહાંની કસ્ટડી એજન્સી CBIને સોંપી દીધી છે. મંગળવારે હાઈકોર્ટે ED પર થયેલા હુમલા મામલેની તપાસ અને શાહજહાંની કસ્ટડી CBIને સોંપવા આદેશ કર્યો હતો, પરંતુ બંગાળ સરકાર તેની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. જોકે, ત્યાંથી કોઇ વિશેષ રાહત મળવા પામી ન હતી.
હાઈકોર્ટના આદેશ છતાં બંગાળ પોલીસે શાહજહાંની કસ્ટડી ન સોંપતાં CBIએ કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરશે અને તે પહેલાં શેખને સોંપી શકાય નહીં. પરંતુ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કડક શબ્દોમાં આદેશ આપીને 4:15 સુધીમાં શેખ શાહજહાંને CBIને સોંપવા માટે કહ્યું હતું.
#BREAKING– Shahjahan Sheikh's custody has been handed over to the CBI.@AdrijaSaha9 joins @roypranesh with more details.#CBI #ShahjahanSheikh pic.twitter.com/Md0C9ojLxY
— TIMES NOW (@TimesNow) March 6, 2024
હાઈકોર્ટના નવા આદેશ બાદ CBIની ટીમ બંગાળ પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી, જ્યાં CIDએ શેખ શાહજહાંને CBIને સોંપ્યો હતો. 29 ફેબ્રુઆરીના રોજ ધરપકડ થયા બાદથી તે બંગાળ પોલીસની કસ્ટડીમાં જ હતો. પરંતુ હવે કેન્દ્રીય એજન્સી તેને ઉપાડી લઇ ગઇ છે. ED પર થયેલા હુમલાના કેસની સંપૂર્ણ તપાસ હવે એજન્સી કરશે.
આ મામલે CBIએ ત્રણ FIR દાખલ કરી છે. જેમાંથી 1 સંદેશખાલીમાં શેખના નિવાસસ્થાને ED પર થયેલા હુમલા મામલે છે. બીજી ઉત્તર 24 પરગણા જિલ્લામાં ED અધિકારીઓ પર થયેલા હુમલા મામલે અને ત્રીજી TMC નેટ શંકર આધ્યાના નિવાસસ્થાને ED ટીમ પર થયેલા હુમલા મામલે છે. આ ગુનાઓમાં શેખ શાહજહાં મુખ્ય આરોપી છે.
5 જાન્યુઆરીએ એજન્સીની ટીમ પર થયેલા હુમલા બાદથી જ શેખ શાહજહાં ફરાર હતો અને પોલીસની પકડથી દૂર હતો. બીજી તરફ સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં અને તેના માણસો વિરુદ્ધ અત્યાચાર અને યૌન શોષણ સહિતના આરોપો લગાવ્યા હતા. જે મુદ્દો દિવસો સુધી ચર્ચામાં રહ્યો. આખરે 28 ફેબ્રુઆરીએ કલકત્તા હાઈકોર્ટે આદેશ આપતાં પોલીસ સિવાય બે એજન્સીઓ ED-CBIને પણ શાહજહાંની ધરપકડ કરવા માટે છૂટો દોર આપ્યો હતો. તેના બીજા દિવસે સવારે જ તે પકડાઈ ગયો. જોકે, તેની ધરપકડ ED પર થયેલા હુમલાના કેસમાં થઈ છે. યૌન શોષણ મામલેની કોઇ કલમ આ કેસમાં ઉમેરાઈ નથી.