લોકસભા ચૂંટણી 2024 પહેલાં મોદી સરકાર 2.0ની અંતિમ મંત્રી પરિષદની બેઠક રવિવારે (3 માર્ચ, 2024) મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક 8 કલાક જેટલી લાંબી ચાલી અને તેમાં મંત્રીઓએ વિઝન ડોક્યુમેન્ટ ‘વિકસિત ભારત 2024’ પર ચર્ચા-વિચારણા કરી હતી. આ સાથે સરકારના આગામી કાર્યકાળમાં શું-શું કામો કરવાં તેનો એક્શન પ્લાન પણ આ બેઠકમાં તૈયાર કરવામાં આવ્યો.
મંત્રીપરિષદની બેઠકમાં તમામ કૅબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ થયા હતા. જેમાં લોકસભા ચૂંટણી બાદ મે, 2024માં જ્યારે નવી સરકાર બને ત્યારપછીના 100 દિવસો સુધી શું કામ કરવાં તેનો પણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર બને ત્યારબાદ પહેલા 100 દિવસમાં તાત્કાલિક શું-શું પગલાં લેવાં જોઈએ તેની ઉપર આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
આઠ કલાક ચાલેલી આ બેઠકમાં વિવિધ મંત્રીઓએ ‘વિકસિત ભારત 2047’ ડોક્યુમેન્ટ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ નવી સરકારનાં કામોના એજન્ડા પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.
Prime Minister Narendra Modi along with the council of ministers brainstorms the vision document for Viksit Bharat 2047 & detailed action plan for the next 5 years. A 100-day agenda for immediate steps were also worked upon for quick implementation after the formation of the new… pic.twitter.com/I16FjV1UQd
— ANI (@ANI) March 3, 2024
‘વિકસિત ભારત’ ડોક્યુમેન્ટ પાછળ 2 વર્ષની મહેનત લાગી છે અને તેમાં આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારનો શું અભિગમ હોવો જોઈએ તેની વિસ્તૃત ચર્ચા છે. આ 2 વર્ષની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારનાં તમામ મંત્રાલયો તેમજ વિવિધ રાજ્ય સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, સામાજિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ યુવાનો પાસેથી પણ તેમના અભિપ્રાયો જાણવામાં આવ્યા હતા. આ માટે વિવિધ સ્તરોએ કુલ 2700 બેઠકો, વર્કશૉપ અને સેમિનારો યોજાયા, જેમાં 20 લાખથી વધુ યુવાનો પાસેથી તેમનાં સૂચનો અને અભિપ્રાયો જાણવામાં આવ્યા.
‘વિકસિત ભારત’ના આ રોડમેપમાં સ્પષ્ટ નેશનલ વિઝન, દેશની આકાંક્ષાઓ, ધ્યેયો અને તે માટેના એક્શન પ્લાનની એક વ્યાપક બ્લુપ્રિન્ટ સામેલ કરવામાં આવી છે. જેમાં આર્થિક વિકાસ, SDGs, ઈઝ ઑફ લિવિંગ, ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણ વગેરે ક્ષેત્રોનાં લક્ષ્યાંકોનો સમાવેશ થાય છે.
નોંધવું જોઈએ કે લોકસભા ચૂંટણી હજુ બાકી છે પરંતુ કેન્દ્રની મોદી સરકારને સત્તાવાપસીનો પૂરેપૂરો વિશ્વાસ છે. અનેક પ્રસંગો વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે તેમની સરકાર પોતાની ત્રીજી ટર્મ માટે તૈયાર છે. મંત્રી પરિષદની આ બેઠકો સરકારનો આ વિશ્વાસ જ પ્રતિબિંબિત કરે છે.
લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી 370+ અને NDA માટે 400+નું લક્ષ્ય ગોઠવ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. આ વખતે રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવીને સરકાર બનાવવાનું પાર્ટીનું લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે જ શનિવારે (2 માર્ચ, 2024) પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 195 ઉમેદવારો સામેલ છે.