આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી દીધી છે. 195 ઉમેદવારોની આ યાદીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહથી લઈને અનેક દિગ્ગજોનાં નામ સામેલ છે. ઘણાં નામો ચર્ચામાં છે જેમાં હૈદરાબાદ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર માધવી લતા પણ એક એવું જ નામ છે. અહીંથી સાંસદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી છે. પ્રબળ સંભાવનાઓ છે કે તેઓ ફરીથી લોકસભા ચૂંટણી લડશે, આ સંજોગોમાં ઓવૈસીને ટક્કર આપવા માટે ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યાં છે.
તેલંગાણા રાજ્યની હૈદરાબાદ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર હશે માધવી લતા. અહીંથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી છે, જ્યાં મુસ્લિમ વસ્તી સારા એવા પ્રમાણમાં હોવાના કારણે તેઓ સારી પકડ ધરાવે છે. 2004થી અહીંથી ઓવૈસી ચૂંટાતા આવ્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી ડૉ. ભગવંત રાવને ટીકીટ આપી હતી. તેઓ બીજા ક્રમે રહ્યા હતા. આ વખતે ભાજપે ઉમેદવાર બદલ્યા છે અને મહિલા ઉમેદવારને તક આપવામાં આવી છે.
માધવી લતા હૈદરાબાદની વિરિન્ચી હૉસ્પિટલનાં ચેરપર્સન છે. તેઓ એક સામાજિક કાર્યકર્તા છે તો સોશિયલ મીડિયા પર પણ ખાસ્સાં સક્રિય રહે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલાં છે. તેઓ એક ગૌશાળા પણ ચલાવે છે. સાથોસાથ તેઓ એક ભરતનાટ્યમ ડાન્સર પણ છે.
તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો બેચલર્સ ડિગ્રી નિઝામ કૉલેજમાંથી મેળવી હતી, જ્યારે કોટી વિમેન્સ કૉલેજમાંથી તેમણે પોલિટિકલ સાયન્સ વિષયમાં એમ.એની ડિગ્રી મેળવી હતી.
હિંદુત્વ અને સંસ્કૃતિ વિશે અવારનવાર પોતાની વાતો રજૂ કરતાં રહે છે
માધવી લતા પોતાના ક્ષેત્રમાં પ્રખર હિંદુવાદી અને રાષ્ટ્રવાદી હોવાની છાપ ધરાવે છે. તેઓ અવારનવાર હિંદુ ધર્મનાં ઉચ્ચ મૂલ્યો અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સામાજિક વિકાસને લઈને પોતાની વાતો રજૂ કરતાં રહ્યાં છે. તેઓ અવારનવાર શાળા-કૉલેજોમાં જઈને હિંદુત્વ અને ભારતીય સંસ્કૃતિ પર લેકચર આપતાં રહ્યાં છે.
તેઓ ‘ટ્રિપલ તલાક’ વિરુદ્ધ ચલાવવામાં આવેલાં અભિયાનોનો પણ મુખ્ય ચહેરો રહ્યાં હતાં. અનેક મુસ્લિમ મહિલાઓનાં જૂથો સાથે મળીને તેમણે આ કાયદો રદ કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. આ સિવાય આ સંગઠનો સાથે મળીને તેમણે નિરાધાર મુસ્લિમ મહિલાઓની મદદ કરવા માટે ભંડોળ એકઠું કરવાનું પણ અભિયાન ઉપાડ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ પોતાના ક્ષેત્રના વંચિતો સુધી લાભો પહોંચે તે માટે સતત કાર્યરત રહેતાં હોય છે.
અત્યાર સુધી તેઓ સક્રિય રાજકારણમાં ન હતાં, પરંતુ હવે લોકસભા ચૂંટણી થકી ઝંપલાવશે. TOIના રિપોર્ટ અનુસાર, તેમને 6 મહિના પહેલાં જ હૈદરાબાદ બેઠક પરથી લડવા માટે કહી દેવામાં આવ્યું હતું. પોતાનું નામ જાહેર થયા બાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી.
#WATCH | Hyderabad, Telangana: On her candidature from Hyderabad constituency, BJP leader Madhavi Latha says, "I have been seeing for last 8 years… There is no cleanliness and education. Children in Madrasas are not getting food. Temples and Hindu homes are being occupied… pic.twitter.com/eKBkGAWXa8
— ANI (@ANI) March 2, 2024
તેમણે કહ્યું કે, “હું છેલ્લાં 8 વર્ષથી જોઈ રહી છું, દિવસમાં 10-11 કલાક કામ કરું છું, દરેક વિસ્તારમાં જેને જોઉં છું, પૂછો તો ત્યાં શું છે? ના ભણતર છે, ન અન્ય કોઇ સુવિધાઓ છે, ન રસ્તાઓ સાફ છે, ન મહોલ્લાઓ સાફ છે. મદરેસાઓમાં બાળકોને ભોજન નથી મળતું. મંદિરો અને હિંદુઓનાં ઘરો કબજે થાય છે. મુસ્લિમ બાળકો ભણતાં નથી અને બાળમજૂર થઈ જાય છે. તેમની પાસે ભવિષ્ય નથી. ત્યાં ઘણું કરવાની જરૂર છે.”
દાયકાઓથી ઓવૈસી પરિવાર પાસે હૈદરાબાદ બેઠક, પણ ભાજપનું પ્રદર્શન સતત સુધર્યું
હૈદરાબાદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં દાયકાઓથી ઓવૈસી પરિવારનો કબજો રહ્યો છે. 1984થી 2004 સુધી અહીં સુલતાન સલાઉદ્દીન ઓવૈસી સાંસદ રહ્યા, જે અસદુદ્દીન ઓવૈસીના પિતા હતા. 2004થી ઓવૈસી જીતી રહ્યા છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી તેમને અને તેમની પાર્ટીને ટક્કર આપી રહી છે. છેલ્લા એક દાયકામાં અહીં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી 15 ટકા વૉટશેર સુધી પહોંચી, જે 2014માં માત્ર 7 ટકા હતો. સાથે બેઠકોમાં પણ વધારો થયો. આ વખતે હવે ઉમેદવાર બદલીને ભાજપ મેદાને ઊતરી રહ્યો છે.