Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઆત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં AAP ધારાસભ્યને દોષી ઠેરવતી દિલ્હીની કોર્ટ: 2020માં ડૉક્ટરે કર્યો...

    આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં AAP ધારાસભ્યને દોષી ઠેરવતી દિલ્હીની કોર્ટ: 2020માં ડૉક્ટરે કર્યો હતો આપઘાત, લગાવ્યો હતો વસૂલી અને ધાકધમકીનો આરોપ 

    કોર્ટે અગાઉ કહ્યું હતું કે, “આરોપીઓ પ્રકાશ જરવાલ અને કપિલ નાગરે મૃતક ડૉ. રાજેન્દ્ર પાસેથી દિલ્હી જલ બોર્ડમાં તેમનાં ટેન્કરો ચલાવવા માટે ખંડણી ઉઘરાવી હોવાનું અને પૈસા ન આપે તો તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓ રેકર્ડ પર ઉપલબ્ધ છે.”

    - Advertisement -

    દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને આત્મહત્યા દુષ્પ્રેરણાના એક કેસમાં દોષી ઠેરવ્યા છે. આ કેસ સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં ચાલી રહ્યો હતો. બુધવારે (28 ફેબ્રુઆરી, 2024) આ મામલે ચુકાદો સંભળવવામાં આવ્યો. AAP ધારાસભ્ય પ્રકાશ  જરવાલ સાથે તેમના અન્ય બે સાથીઓ કપિલ નાગર અને હરીશને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. 

    આ મામલો વર્ષ 2020નો છે. 18 એપ્રિલ, 2020ના દિવસે દક્ષિણ દિલ્હીના એક ડૉક્ટર રાજેન્દ્ર સિંઘે આપઘાત કરી લીધો હતો. તે પહેલાં તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં AAP ધારાસભ્ય પ્રકાશ અને તેમના બે સાથીઓનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ઉપર ડૉક્ટરે તેમના પરિવારના પાણીના સપ્લાયના ધંધા માટે હેરાન કરવાનો અને બળજબરીથી વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતક ટેન્કર સપ્લાયના કારોબાર સાથે પણ સંકળાયેલા હતા અને તેમનો આરોપ હતો કે તેમની પાસે બળજબરીથી વસૂલી કરવામાં આવી રહી હતી અને એટલા પ્રતાડિત કરવામાં આવ્યા કે આખરે આપઘાત કરવાનો વારો આવ્યો. 

    આ મામલે પછીથી રાજેન્દ્ર સિંઘના પુત્ર હેમંત સિંઘે ત્રણેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

    - Advertisement -

    વર્ષ 2021માં એડિશનલ સેશન્સ જજ ગીતાંજલિ ગોયલની કોર્ટે AAP નેતા જરવાલ અને તેમના સાથી કપિલ નાગર વિરુદ્ધ IPCની કલમ 306 (આત્મહત્યા દુષ્પ્રેરણા), 120-B (ગુનાહીત ષડયંત્ર), 386 (કોઈને ઈજા પહોંચાડીને બળજબરીથી વસૂલી કરવી), 384 (ખંડણી), 506 (ગુનાહીત ધમકી) અને 34 (સમાન ઇરાદે કરવામાં આવેલો ગુનો) હેઠળ આરોપો ઘડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી હરીશને 306 અને 386માં નિર્દોષ છોડવામાં આવ્યો હતો, પરંતુ કલમ 506 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. 

    કોર્ટે અગાઉ કહ્યું હતું કે, “આરોપીઓ પ્રકાશ જરવાલ અને કપિલ નાગરે મૃતક ડૉ. રાજેન્દ્ર પાસેથી દિલ્હી જલ બોર્ડમાં તેમનાં ટેન્કરો ચલાવવા માટે ખંડણી ઉઘરાવી હોવાનું અને પૈસા ન આપે તો તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓ રેકર્ડ પર ઉપલબ્ધ છે.”

    આખરે રોઝ એવન્યુ કોર્ટે બુધવારે પ્રકાશ જરવાલ અને નાગરને IPCની કલમ 306, 34, 120B, 386, 506 અને 511 હેઠળ દોષી ઠેરવ્યા. જ્યારે હરીશને IPC 506 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જરવાલ અને નગરને 10 વર્ષ સુધીની સજા થઈ શકે, જ્યારે હરીશને મહત્તમ 2 વર્ષની સજા થઈ શકે છે. સજા પર કોર્ટ 16 માર્ચે સુનાવણી હાથ ધરશે. જેની સાથે જ AAP ધારાસભ્યનું પદ પણ જઈ શકે છે, કારણ કે કાયદા અનુસાર, જો કોઇ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો જે-તે પદ પરથી બરતરફ કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં