લોકસભા ચૂંટણી હવે નજીક છે. આગામી એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાય શકે છે. માર્ચ મહિનામાં કેન્દ્રીય ચૂંટણી પંચ આ માટે અધિસૂચના જારી કરી શકે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં તારીખો જાહેર થઈ ગઈ હોવાના દાવા સાથે અમુક જાણકારીઓ શૅર કરવામાં આવી રહી છે. જેમાં મતદાન 19 એપ્રિલ યોજાનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર ભારતના રાજચિહ્ન સાથે એક લેટર શૅર કરવામાં આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે, ‘2024 સામાન્ય ચૂંટણીની વિગતો.’ નીચે અમુક તારીખો લખવામાં આવી છે.
આ લેટરમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની તારીખ 12 માર્ચ, 2024 જણાવવામાં આવી છે. જ્યારે નામાંકનની તારીખ 28 માર્ચ, મતદાનનો દિવસ 19 એપ્રિલ તેમજ ગણતરી અને પરિણામો માટે 22 મે, 2024 અને ‘નવી સરકારની રચના ‘માટે 30 મે, 2024ની તારીખ લખવામાં આવી છે. આ પ્રકારનું અંગ્રેજી લખાણ પણ શૅર થઈ રહ્યું છે, જેમાં આ જ જાણકારી અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે.
આ લેટર ફેક છે, ચૂંટણી પંચે હજુ કોઇ તારીખ જાહેર કરી નથી
ઉલ્લેખનીય છે કે ભારતમાં ચૂંટણી યોજવાનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે, જે એક સ્વાયત્ત સંસ્થા છે. તેમજ જે દિવસે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે જ દિવસે આચારસંહિતા પણ લાગુ થાય છે. કમિશન એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી જાહેર કરે છે. જેથી આ લેટરમાં જે પ્રકારે દાવો કરવામાં આવ્યો છે તે રીતે અગાઉથી કોઇ ‘ચૂંટણી જાહેર કરવાની તારીખ’ જાહેર કરવામાં આવતી નથી કે ન આચારસંહિતા લાગુ કરવાની તારીખ અલગથી જાહેર થાય છે. ચૂંટણી જાહેર થાય તેની સાથે આપમેળે આચારસંહિતા લાગુ થઈ જાય છે.
વધુમાં, લોકસભાની ચૂંટણી માટે મતદાન એક જ દિવસે થતું નથી પરંતુ વિવિધ તબક્કાઓમાં થાય છે. 2019માં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. આ વખતે પણ એકથી વધુ તબક્કાઓમાં જ યોજાશે તે દેખીતી વાત છે. કારણ કે આટલા મોટા દેશમાં તમામ 543 બેઠકો પર એકસાથે ચૂંટણી યોજવી અત્યંત મુશ્કેલ કામ છે. જેથી જુદાં-જુદાં રાજ્યોમાં વિવિધ તબક્કાઓમાં ચૂંટણી યોજાય છે.
A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.
— Election Commission of India (@ECISVEEP) February 24, 2024
Election Schedule is announced by the Commission through a press conference. #VerifyBeforeYouAmplify pic.twitter.com/KYFcBmaozE
એ પણ નોંધવું જોઈએ કે ચૂંટણી પંચ ‘સરકાર બનાવવાની તારીખ’ જાહેર કરતું નથી, કારણ કે તે ઈલેકશન કમિશનના હાથમાં હોતું નથી. ચૂંટણી પંચનું કામ માત્ર ચૂંટણી યોજવાનું અને પરિણામો જાહેર થાય ત્યાં સુધીનું છે. પરિણામો જાહેર થયા બાદ બહુમતી સાંસદો જે પાર્ટી પાસે હોય તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનું કામ રાષ્ટ્રપતિનું છે. ચૂંટાયેલા સાંસદો પોતાનામાંથી એક સાંસદને પોતાનો નેતા ચૂંટે છે અને ત્યારબાદ તેમને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. વડાપ્રધાન શપથ લે તે દિવસથી નવી સરકાર કામ કરવા માંડે છે.
વધુમાં, શપથગ્રહણનો સમય અને તારીખ અગાઉથી નક્કી હોતાં નથી. તે પરિણામો જાહેર થયા બાદ જ નક્કી કરવામાં આવે છે. આ રીતે નવી સરકાર બનાવવાનો કોઇ ચોક્કસ દિવસ નક્કી હોતો નથી.
કેન્દ્રીય ચૂંટણી પંચના ધ્યાને આવતાં તાજેતરમાં આ બાબતે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે આ વરસે હજુ સુધી કોઇ પણ ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. માર્ચના પહેલા સપ્તાહમાં ચૂંટણી જાહેર થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ બાબતની કોઇ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે ચૂંટણી પંચ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની જાહેરાત કરશે.