વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. રવિવારે (25 ફેબ્રુઆરી) તેઓ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં બેટ દ્વારકાના મંદિરે ભગવાનનાં ચરણોમાં શીશ નમાવીને પૂજા-આરતી કરી અને ત્યારબાદ બેટ દ્વારકાને દ્વારકા સાથે જોડતો ઐતહાસિક ‘સુદર્શન સેતુ’ લોકાર્પિત કર્યો. ત્યારબાદ વડાપ્રધાન સ્કૂબા ડાયવિંગ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે જળમગ્ન થઈ ગયેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કર્યા હતા.
PM મોદીએ X પર કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, “જળમગ્ન દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એક દિવ્ય અનુભવ રહ્યો. મને શાશ્વત ભક્તિ અને આધ્યાત્મિક વૈભવના પ્રાચીન યુગ સાથે એક જોડાણ અનુભવાયું. ભગવાન શ્રીકૃષ્ણ સૌનું કલ્યાણ કરે.”
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024
વડાપ્રધાને દ્વારકા નગરીના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અને ત્યાં તેમણે એક મોરપીંછ પણ અર્પણ કર્યું હતું. મોરપીંછ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે.
નોંધવું જોઈએ કે આ સમૃદ્ધ અને વૈભવી પ્રાચીન નગરીનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે. દંતકથા અનુસાર મામા કંસનો વધ કર્યા બાદ ભગવાન અહીં સ્થાયી થયા હતા અને નગરીનું નિર્માણ કરાવ્યું હતું. શહેરનું પુનર્નિર્માણ કરીને તેનું નામ ‘દ્વારકા’ આપવામાં આવ્યું, જેનો અર્થ ‘સ્વર્ગનું પ્રવેશદ્વાર’ એવો થાય છે. ભગવાન બેટ દ્વારકામાં રહીને રાજ્યનું સંચાલન કરતા હતા. ભગવાને દેહ છોડ્યા બાદ આ નગરી અરબ સાગરમાં ડૂબી ગઈ હોવાનું મનાય છે.
PM મોદીની ગુજરાત યાત્રાની વાત કરવામાં આવે તો તેઓ શનિવારે (24 ફેબ્રુઆરી) જામનગર પહોંચ્યા હતા. જ્યાં રાત્રે રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બીજા દિવસે સવારે તેઓ સીધા બેટ દ્વારકા પહોંચ્યા અને ભગવાનની પૂજા-આરાધના કરી. જેની સાથે જ બેટ દ્વારકા મંદિરે જઈને પૂજા કરનારા તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ત્યારબાદ તેમણે બેટ દ્વારકાથી દ્વારકાની મુખ્યભૂમિને જોડતા ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું. જ્યાંથી તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા, જ્યાં કરોડોનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં.
નોંધવું જોઈએ કે ‘બેટ દ્વારકા’ એ પશ્ચિમ ગુજરાતે દ્વારકાની બાજુમાં આવેલો એક ટાપુ પ્રદેશ છે, જે અત્યાર સુધી જામીન માર્ગે જોડાયેલો ન હતો. જેના કારણે ત્યાંથી દ્વારકાની મુખ્યભૂમિ પર આવવા-જવા માટે એકમાત્ર સહારો બોટ હતી. યાત્રાળુઓથી માંડીને સ્થાનિકોએ પણ તેનો જ ઉપયોગ કરવો પડતો અને તેના કારણે સમસ્યાઓ પણ પડતી તો જોખમ પણ રહેતું. પરંતુ મોદી સરકારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપ્યો છે.