PM મોદીએ સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે સંબોધન પણ આપ્યું હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના ઉદ્ઘાટન બાદ સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, આજે આપણે અહિયાં વિકસિત ભારત માટે, વિકસિત ઉત્તર પ્રદેશના નિર્માણના સંકલ સાથે એકઠા થયા છીએ. સાથે વડાપ્રધાને ભારત અને ઉત્તર પ્રદેશના વિકાસને લઈને અનેક મહત્વની ચર્ચાઓ કરી હતી.
19 ફેબ્રુઆરીએ PM મોદીએ યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, “યુપીમાં ડબલ એન્જિનની સરકાર બની તેને 7 વર્ષ થઈ ગયા છે. છેલ્લા 7 વર્ષમાં પ્રદેશમાં રેડ ટેપ કલ્ચર, રેડ કાર્પેટ કલ્ચર બની ગયું છે. છેલ્લા 7 વર્ષોમાં યુપીમાં ક્રાઈમ ઓછું થયું તો બિઝનેસ કલ્ચરનો વિકાસ થયો છે. છેલ્લા 7 વર્ષમાં યુપીમાં વ્યાપાર, વિકાસ અને વિશ્વાસનો માહોલ બન્યો છે. 7-8 વર્ષ પહેલાં આપણે વિચારી પણ નહોતા શકતા કે, ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓને લઈને આવું વાતાવરણ બનશે.”
‘પહેલાં થતાં દંગા, હવે કરોડોનું રોકાણ’
વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના જૂન દિવસોને યાદ કરીને જણાવ્યું કે, “પહેલાં ઉત્તર પ્રદેશમાં ચારે તરફથી અપરાધ, હુલ્લડો, મારઝૂડ જેવી ખબરો સામે આવતી રહેતી હતી અને આ દરમિયાન જો કોઈ કહેતું હોત કે, યુપીને વિકસિત બનાવીશું, તો કોઈ સાંભળવા પણ તૈયાર ના થયું હોત.” તેમણે વધુમાં કહ્યું, “પરંતુ, આજે જુઓ લાખો-કરોડોનું રોકાણ યુપીની ધરતી પર થઈ રહ્યું છે. આજે યુપી એ રાજ્ય છે, જ્યાં સૌથી વધુ એસકપ્રેસ-વે છે. આજે UP એ રાજ્ય છે, જ્યાં દેશમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આજે યુપી એ રાજ્ય છે જ્યાં દેશની પહેલી રેપિડ રેલ ચાલી રહી છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આજે તમે દુનિયામાં કોઈપણ જગ્યાએ જાઓ, ભારતને લઈને અભૂતપૂર્વ સકારાત્મકતા દેખાઈ રહી છે. દરેક દેશ ભારતની ગ્રોથ સ્ટોરીને લઈને આશ્વસ્ત છે, વિશ્વાસથી ભરેલો છે. આજે દેશમાં મોદીની ગેરંટીની ખૂબ ચર્ચા છે. પરંતુ આજે આખી દુનિયા ભારતને સારા વળતરની ગેરંટી માની રહ્યું છે. ઘણીવાર આપણે જોયું છે કે લોકો ચૂંટણી નજીક નવા રોકાણ કરવાનું ટાળે છે, પરંતુ આજે ભારતે આ ધારણાને પણ તોડી નાખી છે. આજે વિશ્વભરના રોકાણકારોને ભારતમાં સરકારની નીતિઓની સ્થિરતામાં સંપૂર્ણ વિશ્વાસ છે.”
‘દેશનો દરેક વ્યક્તિ વારાણસી અને અયોધ્યા આવવા માંગે છે’
વડાપ્રધાને કહ્યું કે, યુપીમાં ભારતનું સૌથી મોટું ટુરિઝમ હબ બનવાની ક્ષમતા છે, આજે દેશનો દરેક વ્યક્તિ વારાણસી અને અયોધ્યા આવવા માંગે છે. તેમણે કહ્યું કે, “દરરોજ લાખો લોકો આ સ્થળોએ દર્શન માટે આવે છે. આના કારણે યુપીમાં નાના ઉદ્યોગ સાહસિકો, એરલાઇન્સ કંપનીઓ, હોટલ અને રેસ્ટોરન્ટ માટે અભૂતપૂર્વ તકો ઊભી થઈ રહી છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસીઓને આગ્રહ કર્યો કે, “જ્યારે તમે પ્રવાસ પર જવા માટે બજેટ બનાવો છો, ત્યારે તેમાંથી 10% તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાંથી કંઈક ખરીદવા માટે રાખો.”
‘ચરણ સિંઘને સંસદમાં બોલવું મુશ્કેલ કરી દીધું હતું’
વડાપ્રધાને કહ્યું કે, “2025માં કુંભ મેળાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, આ યુપીની અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે. આગામી સમયમાં અહીં પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થવાનું છે.” તેમણે યાદ કર્યું કે થોડા દિવસો પહેલા જ ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંઘને ‘ભારત રત્ન’ આપવાનું સૌભાગ્ય મળ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઉત્તર પ્રદેશની માટીના પુત્ર ચૌધરી સાહેબનું સન્માન કરવું એ દેશના કરોડો શ્રમિકો અને કરોડો ખેડૂતો માટે સન્માન છે.” તેમણે કહ્યું, “પરંતુ કમનસીબે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આ વાત સમજાતી નથી. તેમણે સંસદમાં ચૌધરી ચરણ સિંઘનું બોલવું પણ મુશ્કેલ કરી દીધું હતું.”
કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “પાર્ટી ‘ભારત રત્ન’ પર એક જ પરિવારનો અધિકાર સમજતી હતી, તેથી તેણે દાયકાઓ સુધી બાબા સાહેબ આંબેડકરને પણ ‘ભારત રત્ન’ આપ્યો નહીં.” તેમણે કહ્યું કે, “આ લોકો પોતાના પરિવારને ‘ભારત રત્ન’ આપતા રહ્યા. કોંગ્રેસ ખેડૂતો, મજૂરો, ગરીબો, દલિતો અને પછાત લોકોનું સન્માન કરવા માંગતી નથી.”