Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ5 વર્ષનો કોન્ટ્રાક્ટ, વધુ 4 પાકો પર MSPની ગેરંટી, કોઈ પણ લિમિટ...

    5 વર્ષનો કોન્ટ્રાક્ટ, વધુ 4 પાકો પર MSPની ગેરંટી, કોઈ પણ લિમિટ વિના ખરીદી: મોદી સરકારે રજૂ કર્યો ફોર્મૂલા, ખેડૂતોએ માંગ્યો સમય

    સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી આ બેઠકમાં ખેડૂતોના 14 પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભાગ લીધો હતો. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા.

    - Advertisement -

    દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો પ્રશ્નોને ન્યાય આપવા માટે કેન્દ્રની મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા MSPનો (લઘુત્તમ ટેકાના ભાવ) પ્રસ્તાવ લાવ્યા બાદ ખેડૂત પ્રદર્શનકારીઓ થોડા શાંત થયા છે. ખેડૂતોએ સરકાર સાથે ચોથી વારની વાતચીત બાદ થોડા સમય માટે પોતાનો વિરોધ રોકવાની જાહેરાત કરી હતી. સરકાર આ પ્રસ્તાવ રવિવારે (18 ફેબ્રુઆરી 2024) લાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એમએસપી પર પાક ખરીદવા માટે 5 વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર NCCF, NAFED અને CCI જેવી સહકારી મંડળીઓ સાથે થશે. આમાં ખરીદીની કોઈ મર્યાદા રહેશે નહીં. જે પાક માટે આ દરખાસ્ત કરવામાં આવી છે તેમાં અડદની દાળ, મસૂર દાળ, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે.

    કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વાતચીતને સકારાત્મક ગણાવી હતી

    ઉલ્લેખનીય છે કે, રવિવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થઈ હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી. તેમણે કહ્યું કે, “નવા વિચારો અને સૂચનો સાથે અમે ભારતીય કિસાન મજદૂર સંઘ અને અન્ય ખેડૂત નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા કરી હતી.” તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને પાકના વૈવિધ્યકરણની દરખાસ્ત કરી છે, જે હેઠળ ઉગાડવામાં આવતા વિવિધ પાકોની ખરીદી કોઈપણ મર્યાદા વિના MSP પર કરવામાં આવશે.

    તેમણે કહ્યું – “નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (NAFED) જેવી સહકારી સંસ્થાઓ એવા ખેડૂતો સાથે કરાર કરશે જેઓ તુવેર, અડદ, મસૂર દાળ અથવા મકાઈ ઉગાડે છે, અને પછી તેમને પાસેથી આગામી 5 વર્ષ સુધી MSP પર ખરીદવામાં આવશે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 5 વર્ષ માટે ખેડૂતો પાસેથી MSP પર કપાસની ખરીદી કરવામાં આવશે. આ ખરીદીઓ પર કોઈ મર્યાદા રહેશે નહીં અને આ બધા માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારના આ પ્રસ્‍તાવથી ભૂમિગત જળસ્‍તરમાં સુધારો થશે અને પહેલાથી ખરાબ થઈ રહી છે તે જમીન ઉજ્જડ થતા રોકી શકાશે.

    - Advertisement -

    ખેડૂત આગેવાનોએ બેઠક બાદ વિચારવાનું નક્કી કર્યું હતું

    સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી આ બેઠકમાં ખેડૂતોના 14 પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભાગ લીધો હતો. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ખેડૂત આગેવાનોએ સરકારના આ પ્રસ્તાવ પર કહ્યું કે, તેઓ આ પ્રસ્તાવ પર વિચાર કરશે. તેમનું એમ પણ કહેવું છે કે અત્યારે માત્ર MSPના મુદ્દા પર જ ચર્ચા થઈ છે. બાકીની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.

    ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ આગામી બે દિવસ સુધી તેમના ફોરમ પર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને ત્યાર બાદ ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું, “અમે 19-20 ફેબ્રુઆરી સુધી અલગ-અલગ ફોરમ પર આ મુદ્દે ચર્ચા કરીશું, અને નિષ્ણાતોનો અભિપ્રાય લઈશું. ત્યાર બાદ જ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે.” ખેડૂતોએ જણાવ્યું કે જો આ બે દિવસમાં પ્રસ્તાવ પર સહમતિ નહીં બને તો તેઓ 21મી ફેબ્રુઆરીએ તેઓ દિલ્હી કૂચ કરશે.

    આ બેઠકમાં પંજાબના સીએમ પણ હાજર હતા

    આ બેઠકમાં પંજાબના સીએમ ભગવંત સિંહ માને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે પાક માટે એમએસપીને કાયદેસર બનાવવાની પણ હિમાયત કરી હતી. તેમણે બેઠક દરમિયાન મોઝામ્બિક અને કોલંબિયાથી કઠોળની આયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ આયાત 2 અબજ ડોલરથી વધુ છે, ભગવંત માને કહ્યું કે, જો આ પાક માટે MSP આપવામાં આવે તો પંજાબ કઠોળના ઉત્પાદનમાં દેશનું નેતૃત્વ કરી શકે છે અને આ બીજી હરિત ક્રાંતિ હશે.

    નોંધનીય છે કે ખેડૂતોના આ આંદોલનમાં સ્વામીનાથન કમિશનના રિપોર્ટને લાગુ કરવા, ખેડૂતોને પેન્શન અને તેમની લોન માફી સુનિશ્ચિત કરવાની અને પહેલા ખેડૂત અંદોલન વખતે જે હિંસા થઇ તેમાં ખેડૂતો પર નોંધાયેલા તમામ કેસ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકાર MSP પર જ પ્રસ્તાવ લાવી છે. તેઓ આ વિષયે વિચારશે અને પછી જણાવશે કે આગળ શું થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં