અમદાવાદમાં દાણીલીમડાની શાહઆલમ દરગાહ પાસે ફાયરિંગ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બહેરામપુરાના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ તિરામીજીના ભાઈ લકી આલમે આ ફાયરિંગ કર્યા છે. અચરજની વાત તો તે છે કે પ્રોપર્ટી માટે થઈને લકી આલમે પોતાના જ ભાઈ પર ગોળીઓ ચલાવી છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઇ છે. ફાયરિંગની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.
મળતી માહિતી અનુસાર બહેરામપુરાના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ પર તિરામીજી ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. આ ફાયરિંગ કરનાર બીજું કોઈ નહીં, પરંતુ તેમનો જ ભાઈ લકી આલમ છે. પ્રાથમિક માહિતી અનુસાર જમીન વિવાદને લઈને આ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરિંગ સમયે તસ્લીમ આલમના પુત્રો પણ ત્યાં હાજર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં શાહઆલમ દરગાહ પાસે ફાયરિંગ ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ઇસનપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર લકી આલમે પોતાના ભાઈ તસ્લીમ આલમ અને તેના પુત્રો પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરિંગ પહેલા બંને ભાઈઓ વચ્ચે મારામારી પણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આખી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ આખી ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં કેટલા રાઉન્ડ ફાયર થયા છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ સમયના જે વિડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર હતા. જો ફાયર કરેલી ગોળી કોઈ સ્થાનિકને વાગી હોત તો કપરી પરિસ્થિતિ ઉભી થાત.