Friday, November 22, 2024
More
    હોમપેજદેશસામી ચૂંટણીએ ફરી આંદોલનનો માહોલ, ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને લઈને રાજધાનીમાં ધારા...

    સામી ચૂંટણીએ ફરી આંદોલનનો માહોલ, ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને લઈને રાજધાનીમાં ધારા 144 લાગુ: 3 મંત્રીઓ કરશે વાતચીત, સરહદો હાઇ-એલર્ટ પર

    ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય સોમવારે (12 ફેબ્રુઆરી) ચંદીગઢ પહોંચી રહ્યા છે, જ્યાં ખેડૂતો અને સરકાર વચ્ચે દ્વિતીય રાઉન્ડની વાતચીત થશે.

    - Advertisement -

    સામી લોકસભા ચૂંટણીએ ફરી એક વખત ખેડૂત આંદોલન કરવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે. પંજાબ, હરિયાણા, યુપી વગેરે રાજ્યોના ખેડૂત સંગઠનોએ મંગળવારે (13 ફેબ્રુઆરી, 2024) દિલ્હી તરફ કૂચ કરવાની ઘોષણા કરી છે. ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદાકીય ગેરેન્ટી અને સ્વામિનાથન કમિશનની ભલામણો લાગુ કરવા સાથેની વિવિધ માંગો સાથે દિલ્હી તરફ પ્રયાણ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ ઘોષણા બાદ ઉત્તર ભારતનાં રાજ્યો હાઇ-એલર્ટ પર છે અને અનેક સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં 13 માર્ચ સુધી CrPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

    દિલ્હી પોલીસે આ આંદોલનને જોતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુથી સમગ્ર રાજ્યમાં CrPCની કલમ 144 લાગુ કરી દીધી છે, જેથી જાહેર મેળાવડા યોજી શકાશે નહીં. આ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલીના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ સભાઓ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ આદેશ 12 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી અમલમાં રહેશે. જોકે, પોલીસ અધવચ્ચેથી જ તેને પરત લઇ શકે તેવી પણ સત્તા તેમની પાસે છે.

    પંજાબ-હરિયાણામાં કડક સુરક્ષા

    પોલીસ પ્રશાસને ખેડૂતોની આંદોલન માટેની તૈયારીઓ જોતાં પંજાબ, હરિયાણા અને યુપીની બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. આ રાજ્યોની સરહદો ફેન્સિંગ વાડ અને બેરિકેડથી કવર કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પણ આ અંદોલનમાં જોડાઈ શકે છે. અંદોલનને લઈને રાજસ્થાનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ અને હરિયાણાના સરહદી જિલ્લાઓમાં 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ પ્રદર્શનકારીઓને બોર્ડર પર જ રોકી લેવાની તૈયારીમાં છે. પ્રદેશની ગાઝીપુર બોર્ડરને પણ છાવણીમાં બદલી દેવામાં આવી છે. આ ઉપરાંત હરિયાણાના ફતેહબાદમાં અસ્થાયી જેલ પણ ઉભી કરવામાં આવી છે.

    - Advertisement -

    સરકારના 3 મંત્રીઓ ખેડૂતો સાથે કરશે વાતચીત

    બીજી તરફ, કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય સોમવારે (12 ફેબ્રુઆરી) ચંદીગઢ પહોંચી રહ્યા છે, જ્યાં ખેડૂતો અને સરકાર વચ્ચે દ્વિતીય રાઉન્ડની વાતચીત થશે. આ બેઠક સાંજે પાંચેક વાગ્યાના અરસામાં યોજાઈ શકે તેવું જાણવા મળ્યું છે. બેઠકમાં ખેડૂતોની માંગોને લઈને ચર્ચા કરવામાં આવશે. પહેલી બેઠક 8 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જાણવા મળ્યું છે કે જો બેઠકમાં કોઇ હલ ન નીકળે તો ખેડૂતો આગળ વધી શકે છે, જેને લઈને પ્રશાસનની પૂરતી તૈયારીઓ છે.

    સરહદની નજીક આવેલા શ્રીગંગાનગર, હનુમાનગઢ અને અનુપગઢ જેવા જિલ્લાઓમાં પણ 144 લાગુ કરાઈ છે, પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે, પંજાબ અને હરિયાણામાં મુસાફરી કરવાનું ટાળે, આ ઉપરાંત પ્રશાસન દ્વારા રાજસ્થાનથી પંજાબ અને હરિયાણા જતી ખાનગી બસોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. રોડવેઝની બસોનું સંચાલન પણ ફક્ત રાજ્સ્થાનની બોર્ડર સુધી જ થશે. પંજાબ અને હરિયાણાની સરહદ નજીક આવેલા જિલ્લાઓમાંથી પસાર થતા મુખ્ય રસ્તાઓ પણ પોલીસે બંધ કરી દીધા છે અને જરૂરી કાર્યો માટે વૈકલ્પિક રસ્તાઓને ખુલ્લા મુકવામાં આવ્યા છે.

    ખેડૂત આંદોલનને પગલે હરિયાણા સરકારે 11 થી લઇને 13 ફેબ્રુઆરી સુધી અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જિંદ, હિસાર, ફતેહાબાદ અને સીરમાં સહિતના જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા અને બલ્ક SMSની સેવા પણ બંધ કરી દીધી છે. હનુમાનગઢના SP ડો. રાજીવ પ્રચારના જણાવ્યા અનુસાર જરૂરી કાર્યો માટે મુસાફરી કરતા લોકો માટે અલગથી રૂટ નક્કી કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરી પંજાબ અને હરિયાણામાં મુસાફરી કરી શકાશે.

    ખેડૂત આંદોલનમાં આ વખતે કિસાન મોર્ચા, સરવન સિંઘ પંઢેરનું કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ, ભારતીય કિસાન યુનિયન શહીદ ભગત સિંઘ, ભારતીય કિસાન યુનિયન, ભારતીય કિસાન યુનિયન એકતા અને ગુરમનનિત સિંઘની પ્રોગ્રેસિવ ફાર્મર ફ્રન્ટ સહિતનાં ખેડત સંગઠનો સામેલ થયાં છે. નોંધનીય છે કે આ વખતનાં ખેડૂત આંદોલનમાં સંયુક્ત કિસાન મોર્ચાએ ભાગ લીધો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં