જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી લીધી છે. મુંબઈમાંથી અટકાયત કર્યા બાદ જયારે ગુજરાત ATS અઝહરીને ઘાટકોપર પોલીસ મથકે લઇ ગઈ હતી. ત્યારે મુફ્તીના સમર્થકોએ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં એકઠા થઇ પોલીસ મથકની બહાર હોબાળો મચાવ્યો હતો. બાદમાં મુંબઈ પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરતા ટોળાં વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે, મુંબઈથી ગુજરાત લવાયા બાદ ગુજરાતમાંથી અઝહરીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે જુનાગઢ પોલીસના ધ્યાને આવતા પોલીસે પોસ્ટ કરનાર યામીન બસર નામના ઇસમ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. વાયરલ પોસ્ટ માંગરોળમાંથી કરાઈ હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસ પ્રશાસને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીના સમર્થનમાં વિવાદિત પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ વાયરલ પોસ્ટના X એકાઉન્ટની (@yameenbasar) તપાસ હાથ ધરી છે, જેમાં જાણવા મળ્યું છે કે, વાયરલ પોસ્ટ માંગરોળમાંથી યામીન બસર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ બાદ ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Posts surface in support of #MuftiSalmanAzhari, #Junagadh Police swings in action #Gujarat #TV9News pic.twitter.com/kbTqTyBlsL
— Tv9 Gujarati (@tv9gujarati) February 6, 2024
સોમવારે (5 ફેબ્રુઆરી 2024) મૌલાના મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ સ્થિત ATS મુખ્યાલય પર લાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં 2 કલાક સુધી ATSની ટીમે તેની સઘન પૂછપરછ કર્યા બાદ તેને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે સલમાન અઝહરીને જૂનાગઢ લઈ લાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ઇસ્લામવાદી ગેંગ આ મુફ્તીના સમર્થનમાં અને બચાવમાં કુદી પડી છે. ટ્વીટર(X)થી લઈને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર મૌલાનાના સમર્થકો તેના બચાવ માટેની પોસ્ટ કરી રહ્યા છે. તેના સમર્થકો ભડકાઉ ભાષણના ઓરીજનલ વિડીયોને કાપકૂપ કરીને સોશિયલ મીડિયામાં ફેરવીને દાવો કરી રહ્યા છે કે, મુફ્તી સલમાન અઝહરીએ હિંદુ વિરોધી નિવેદનો નથી આપ્યા અને માત્ર પેલેસ્ટાઇન વિશે વાત કરી હતી.
જયારે હકીકતમાં તેણે જૂનાગઢમાં 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને હિંદુઓને કુતરા સાથે સરખાવતા ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે. વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી.