મથુરાનું શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર તોડીને ત્યાં મુઘલ આક્રમણકારી ઔરંગઝેબે શાહી ઈદગાહનો ઢાંચો બાંધી દીધો હતો- આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ એક RTIના જવાબમાં આ વાત કહી છે. આ બાબતને સમર્થન આપવા માટે એજન્સીએ ઐતિહાસિક તથ્યો વિશે પણ જાણકારી આપી છે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીના રહેવાસી અજય પ્રતાપ સિંહ નામના એક વ્યક્તિએ ASI સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજીસ્ટને RTI હેઠળ અરજી કરીને જવાબ માગ્યો હતો. જેમાં તેમણે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિશે જાણકારી માંગી હતી, જ્યાં સ્થિત કેશવદેવ મંદિરને તોડીને શાહી ઈદગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં ASIએ વિગતો જણાવી હતી.
RTIના જવાબમાં ઐતિહાસિક રેકોર્ડનો સંદર્ભ ટાંકીને ASIએ જણાવ્યું કે, અંગ્રેજોના શાસન દરમિયાન વર્ષ 1920માં અલાહાબાદથી પ્રકાશિત ગેઝેટમાં ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓનાં કુલ 39 સ્મારકોની સૂચિ આપવામાં આવી છે, જેમાં 37મા ક્રમાંકે કટરા કેશવદેવ ભૂમિ પર શ્રીકૃષ્ણ જન્મભૂમિનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું કે, મસ્જિદના સ્થાન પર પહેલાં કટરા ટેકરા પર કેશવદેવ મંદિર હતું, જેને ધ્વસ્ત કરીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ જવાબ મળ્યા બાદ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના પક્ષકાર એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંઘ આ પુરાવો 22 ફેબ્રુઆરી, 2024ના રોજ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ રજૂ કરશે. તેમણે કહ્યું કે, આ સરકારનું ગેઝેટ છે અને તેનાથી સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, જો મંદિરનો ASI સરવે હાથ ધરવામાં આવે તો આ જવાબ તેમાં એક મોટા પુરાવા તરીકે કામ કરશે.
નોંધવું જોઈએ કે મથુરાનું કેશવદેવ મંદિર લગભગ 5 હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું. આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજ અને વ્રજનાભે રાજા પરીક્ષિતના સહયોગથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
વર્ષ 1670માં મુઘલ આક્રાંત ઔરંઝગેબે અહીં મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેના સ્થાને શાહી ઈદગાહ મસ્જિદ તાણી બાંધવામાં આવી. કહેવાય છે કે હિંદુ મંદિરને તોડીને બાંધવામાં આવેલી આ મસ્જિદમાં ઔરંગઝેબ પોતે પણ નમાજ અદા કરવા માટે આવતો હતો.
આ સમગ્ર 13.37 એકરની જમીનને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. હાલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસે 10.9 એકર જમીન છે, જ્યારે બાકીની અઢી એકર જમીન શાહી ઈદગાહ મસ્જિદના કબજામાં છે. હિંદુ પક્ષે તમામ જમીનના સ્વામિત્વ માટે માંગ કરી છે, જેનો કેસ હાલ ચાલે છે.