દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર જેનો પ્રચાર દેશ-દુનિયામાં કરતી રહે છે તેવાં મહોલ્લા ક્લિનિકમાં ચાલતા ગડબડ-ગોટાળાના આરોપોની તપાસ કરતાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં જાણવા મળ્યું છે કે 2023ના 11 મહિનામાં મહોલ્લા ક્લિનિક હેઠળની ખાનગી લેબમાં કુલ 65000 ઘોસ્ટ પેશન્ટના પેથોલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ACBના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી ડિસેમ્બર, 2023 સુધીમાં 2 પ્રાઇવેટ લેબ્સ દ્વારા કુલ 22 લાખ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા, જેમાંથી 65 હજાર નકલી હતા. આ માટે દિલ્હીની કેજરીવાલ સરકાર તરફથી આ લેબને ₹4.63 કરોડ ફાળવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આ પ્રાઇવેટ લેબોરેટરીઓ દ્વારા એવા દર્દીઓના નામે ટેસ્ટ કરવામાં આવ્યા, જેઓ ક્યારેય કોઇ પણ મહોલ્લા ક્લિનિકમાં ગયા જ નથી.
રિપોર્ટ અનુસાર, આ માટે જે લેબ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેમાં દર્દીઓનાં નામ-મોબાઈલ નંબર હતાં, તેમા પણ ગોલમાલ જોવા મળી છે. બંને પ્રાઇવેટ લેબ પાસે આ ડેટા અને સિસ્ટમ સોફ્ટવેરનું ‘ફૂલ એક્સેસ’ હતું, જેથી ડેટામાં ગડબડની સંભાવનાઓ નકારી શકાય નહીં.
જાણવા મળ્યા અનુસાર, આ પ્રત્યેક ટેસ્ટનો દર 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો હતો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જે લોકોના મોબાઈલ નંબર નાખવામાં આવ્યા હતા તેમાંથી 63 ટકા લોકો ન તો કોઇ ટેસ્ટ કરાવવા ગયા છે કે ન કોઈએ મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. ACBએ રેન્ડમ ટેલી વેરિફિકેશન કરતાં જાણવા મળ્યું હતું કે, મોટા પ્રમાણમાં ટેસ્ટ કાં તો ઇનવેલિડ મોબાઇલ નંબર પર કરવામાં આવ્યા હતા અથવા અમુક કિસ્સામાં એવું હતું કે નંબર જે-તે દર્દીનો હતો જે નહીં.
ડેટા એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કે, 12,457 ટેસ્ટ મોબાઈલ નંબર વગર કરવામાં આવ્યા છે. 25,732 ટેસ્ટમાં નંબરને સ્થાને માત્ર ‘’ લખવામાં આવ્યું હતું. 913 મોબાઈલ નંબર એવા હતા, જે ફેક હતા, જેમાં 1, 2, 3 જેવા આંકડાઓ જ લખી નાખવામાં આવ્યા હતા. અને 2467 ટેસ્ટ એવા મોબાઈલ નંબર પર કરવામાં આવ્યા, જે એક જ નંબર જુદા-જુદા દર્દી માટે વાપરવામાં આવ્યો હોય અને ઘણા તો 80–80 વખત રિપીટ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ મહોલ્લા ક્લિનિકનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ તપાસના આદેશ આપ્યા હતા.