Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ'મારા વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયો છું': વિસાવદરના પૂર્વ AAP ધારાસભ્ય ભૂપત...

    ‘મારા વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયો છું’: વિસાવદરના પૂર્વ AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીની ઘરવાપસી, પેટાચૂંટણી લડે તેવી શક્યતા

    ઘરવાપસી બાદ નેતાએ કહ્યું, “મેં જીવનભર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું છે. 25 વર્ષથી મારા મતવિસ્તારનાં કામો કરતો આવ્યો છું. આજે મારા ખેડૂતો, કાર્યકર્તાઓ અને મતવિસ્તારના હિતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું."

    - Advertisement -

    આમ આદમી પાર્ટી પૂર્વ નેતા અને વિસાવદર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બર, 2023ના રોજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ઘરવાપસી કરી શકે છે. ત્યારે હવે પૂર્વ AAP નેતાએ સત્તાવાર રીતે જૂનાગઢમાં BJP અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે 450 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ BJPમાં સામેલ થઈ ગયા છે. ચૂંટણી ટાણે ભાજપે કેશોદ બેઠક પર ટિકિટ ન આપતાં તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા.

    ભાજપમાં સામેલ થયા બાદ ભાયાણીએ કહ્યું કે, હું મારા વિસ્તારના વિકાસ માટે ભાજપમાં જોડાયો છું. તેમણે કહ્યું, “મેં જીવનભર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું છે. 25 વર્ષથી મારા મતવિસ્તારનાં કામો કરતો આવ્યો છું. આજે મારા ખેડૂતો, કાર્યકર્તાઓ અને મતવિસ્તારના હિતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભાજપના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં વિકાસનો યજ્ઞ ચાલી રહ્યો છે. આજે વિશ્વમાં ભારતની શાખ મજબૂત થઈ છે અને ગુજરાતમાં પણ CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જોડીએ મોટો જનાદેશ મેળવ્યો છે. મારો મતવિસ્તાર પણ વિકાસથી વંચિત ન રહે તે માટે આજે ઘરવાપસી કરી રહ્યો છું. તેમણે ઉમેર્યું હતું કે, આવનાર દિવસોમાં વિસ્તારના ખેડૂતો અને જનતાના હિતમાં જે કંઈ ખૂટતું હશે તે કરવા માટે તેઓ તત્પર છે.

    AAP પાર્ટી છોડી BJPમાં પાછા ફરેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી મૂળ ભાજપના જ કાર્યકર્તા હતા. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટણી લડીને જીત મેળવી હતી. તેમની સામે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ MLA હર્ષદ રીબડીયાને ઉતાર્યા હતા, જેઓ લગભગ 7 હજાર વોટના માર્જિનથી હાર્યા હતા.

    - Advertisement -

    હવે ભૂપત ભાયાણીની ભારતીય જનતા પાર્ટીમાં ઘરવાપસીથી લાગી રહ્યું છે કે, તેઓ હવે ફરી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. તેમણે આપેલા રાજીનામાં બાદ વિસાવદરની બેઠક ખાલી પડતાં ત્યાં હવે ફરીથી પેટાચૂંટણી યોજાશે. ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે ભૂપત ભાયાણી ભાજપમાંથી ઉમેદવારી કરશે અને વિસાવદર બેઠક પર ચૂંટણી લડશે.

    આ સાથે અહેવાલો પ્રમાણે 04 ફેબ્રુઆરીએ ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાશે. AAPમાંથી ભૂપત ભાયાણીના રાજીનામાના થોડા સમય બાદ જ ચિરાગ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં