કર્ણાટકમાં 108 ફૂટ ઊંચા સ્થંભ પરથી હનુમાનજીનો ધ્વજ હટાવવાના વિરોધમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. જેમાં BJP અને JDSના કાર્યકર્તાઓ પણ તેમનું સમર્થન કરી રહ્યા છે. આ ઘટનામાં હવે પ્રશાસને તેમની સામે કાર્યવાહી કરી છે. ભાજપા અને જેડીએસના કાર્યકરોની પોલીસ પ્રશાસન દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ મામલો કર્ણાટકના મંડ્યા જિલ્લાનો છે. જ્યાં કેરાગોડુ ગામમાં 108 ફૂટ ઊંચા સ્થંભ પર હનુમાનજીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
હનુમાનજીના આ ધ્વજને ફરકાવવાની પરવાનગી મંડ્યા જિલ્લાના કેરાગોડુ ગ્રામ પંચાયત બોર્ડ દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ ધ્વજ નીચે ઉતારી દીધો હતો. પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આ કામનો સ્થાનિક લોકોએ ખુબ વિરોધ કર્યો, જેમાં ભાજપા અને જેડીએસ કાર્યકર્તાઓ પણ ગ્રામજનોના સમર્થનમાં આવ્યા હતા અને વિરોધમાં જોડાયા હતા. આ દરમિયાન પોલીસે ભાજપા અને જેડીએસના કાર્યકરો સામે કાર્યવાહી કરતા તેઓની અટકાયત કરી હતી. તે જ સમયે, પોલીસ દળે સ્થાનિક મહિલાઓ સામે પણ કાર્યવાહી કરતા તેઓને પણ ધ્વજ નીચેથી બળજબરીપૂર્વક હટાવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા બંધનું પણ આહ્વાહન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રશાસને તે પણ શાંતિથી થવા દીધું ન હતું.
#WATCH | Mandya: Karnataka Police force detained BJP-JDS workers protesting after the Hanuman flag hoisted by the Gram Panchayat Board of Mandya district on a 108-foot flagpole in the village of Keragodu was brought down by the district administration. pic.twitter.com/2JslLJS4Tj
— ANI (@ANI) January 28, 2024
અહેવાલો મુજબ મંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં ગ્રામજનોએ દાન ભેગું કરી 108 ફૂટ લાંબો સ્થંભ લગાવ્યો હતો. જેના પર ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ ભગવા ધ્વજમાં આંજનેયનું (સ્થાનિક લોકો હનુમાનજીને આંજનેય કહે છે) ચિત્ર હતું. આ સ્થંભને ગામના રંગમંદિર પાસે સ્થાપિત કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવામાં આવી હતી.
પરંતુ ગામના કેટલાક લોકોને આ ગમ્યું ન હતું અને તેઓએ આની સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે, મંડ્યાના પ્રશાસને શનિવારે (27 જાન્યુઆરી, 2024) કાર્યવાહી કરતા સ્થંભ પરથી ધ્વજ હટાવી દીધો હતો. પ્રશાસન દ્વારા અહીં ધ્વજ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લાવવામાં હતી. આ દરમિયાન ગામના લોકો વિરોધ પ્રદર્શન કરતા રહ્યા, અને પ્રશાસનને અપીલ કરતા રહ્યા કે તેઓએ સૌની સહમતિથી આ ધ્વજ લગાવ્યો છે. પરંતુ તે પછી પણ પ્રશાસને વાત માની ન હતી, અને જ્યારે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો ત્યારે પોલીસે તેઓને અહીંથી હટાવવા માટે લાઠીચાર્જનો પણ ઉપયોગ કર્યો હતો.
એક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ભગવો ધ્વજ હટાવવા માટે રાતનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે ધ્વજ હટાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક હિંદુઓ પણ રાતથી જ એકઠા થવા લાગ્યા હતા. જ્યાર બાદ 28 જાન્યુઆરી, 2024ની સવારે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. પ્રશાસનના આ નિર્ણયથી નારાજ ગ્રામવાસીઓએ કેરાગોડુ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગ્રામજનોએ ઘટનાના વિરોધમાં સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય રવિન્દ્ર કુમારના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. કેટલાક લોકોએ આ સમગ્ર મામલાની પાછળ તેમના પર આરોપ લગાવ્યો હતો. સ્થળ પર હાજર બજરંગ દળ, ભાજપા અને જેડીએસના કાર્યકર્તાઓ ભગવો ધ્વજ ફરીથી લગાવવાની માંગ કરી રહ્યા છે.